કડી છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક મોડેસ્ટ હોટલની સામે સોમવારે રાત્રે એકાએક આગની ઘટના બની હતી. રોડની બાજુમાં કચરાના ઢગલા નીચે આવેલી સાબરમતી ગેસની જમ્બો પાઈપલાઈનમાં લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તરત જ કડી નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. કડી પોલીસના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. સાબરમતી ગેસ કંપનીના કર્મચારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચી ગેસ લાઈનનું રિપેરિંગ કાર્ય હાથ ધર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે આ ઘટનાએ ગેસ પાઈપલાઈનની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.