તાલાલા પંથકમાં સતત બીજા વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ નુકસાનીના વળતર માટે ખેડૂતોએ માંગણી કરી હતી. પરંતુ સરકારની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઇ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આખરે ખેડૂતોના ઉગ્ર વિરોધ અને કેન્દ્રના આદેશના અંતે આજે બાગાયત વિભાગે ખેડૂતોની હાજરીમાં રી-સર્વેની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે કરેલા કેસર કેરીના પાકના ખોટા સર્વે મામલે કેન્દ્ર સરકારે 18 માર્ચના રોજ તપાસના આદેશ આપ્યા હતા. આ નિર્ણય તાલાલા પંથકના આગેવાનોએ દિલ્હી સુધી કરેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો હતો. ત્રણ દિવસમાં કિસાનોની વ્યથા સરકાર સુધી પહોંચાડવાની ખાતરી
કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, વિવિધ રાજકીય પક્ષોના કિસાન અગ્રણીઓ અને ગામના સરપંચોએ તાલાલાના સાસણ રોડ પર આવેલા બાગાયત સંશોધન કેન્દ્ર ખાતે ગત તારીખ 19/04/2024ના રોજ ધરણાં શરૂ કર્યા હતા. તેમણે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી આપી હતી. જેને લઇ ગીર સોમનાથના બાગાયત અધિકારી તાત્કાલિક તાલાલા પહોંચ્યા હતા. તેમણે ત્રણ દિવસમાં કિસાનોની વ્યથા સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આ ખાતરી બાદ ધરણાં મુલતવી રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આદેશના 42 દિવસ બાદ બાગાયત વિભાગની રી-સર્વેની કામગીરી શરૂ
આખરે કેન્દ્ર સરકારના આદેશના 42 દિવસ બાદ બાગાયત વિભાગે રી-સર્વેની કામગીરી શરૂ કરી છે. આ સર્વેમાં કેસર કેરીના પાકને થયેલા નુકસાનની વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ત્રણ દિવસમાં બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. ખેડૂતોએ બાગાયત વિભાગની આ કામગીરીને આવકારી છે. ‘ભષ્ટ અધિકારી વિરુદ્ધ પગલાં લેવામાં આવે’ : ખેડૂત
કિસાન ક્રાંતિ ટ્રસ્ટના મહામંત્રી અને બાગાયતી ખેડૂત એવા વિજય હીરપરાએ જણાવ્યું હતું કે, બાગાયતના આ ભષ્ટ અધિકારી કે જેણે પોતાની ઓફિસમાં બેસી ખોટો અહેવાલ રજૂ કર્યો હતો. એ અનુસંધાને ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા કે, ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી. જેને લઇ અમે તારીખ 25/3/2025ના રોડ આવેદન આપ્યું હતું. જેમાં સાત દિવસમાં રી-સર્વે કરી રિપોર્ટ સોંપવામાં આવે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં બાગાયત વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતાં. ગત તારીખ 19/4/2025ના રોજ અમે સૌ ખેડૂતો બાગાયત કચેરીએ ધરણાં પર બેઠા હતા. જે બાદ આખરે ત્રણ દિવસે આજે રિ-સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અમારી માગ છે કે, આવા ભષ્ટ અધિકારી વિરુદ્ધ પગલાં લેવામાં આવે. શું છે સમગ્ર મામલો?
તાલાલા પંથકમાં 15 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કેસર કેરીના બગીચા આવેલા છે. આ વિસ્તારમાં 17 લાખ જેટલા આંબાના વૃક્ષોનું વાવેતર છે. છેલ્લા બે વર્ષથી ગ્લોબલ વોર્મિંગની માઠી અસરને કારણે મોટાભાગનો કેરીનો પાક નાશ પામ્યો છે. ખેડૂતોએ વળતરની માંગણી સાથે સર્વેની માગ કરી હતી. બાગાયત વિભાગે કરેલા સર્વેમાં ગોળગોળ અને ખોટો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં તાલાલા પંથકમાં ખેડૂતોને ખેતી કરતા જ નથી આવડતું માટે કેસર કેરીનો પાક નિષ્ફળ જાય છે એવું દર્શાવીને ખેડૂતોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આનાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. કેન્દ્રનો બાગાયત નિયામકને તપાસનો આદેશ
તાલાલા પંથકના અગ્રણી ધવલભાઈ કોટડીયા અને જાવંત્રી ગીરના યુવા સરપંચ અલ્તાફભાઈ બ્લોચે નવી દિલ્હી ખાતે કૃષિ ભવનમાં જઈને નાશ પામેલા કેરીના પાકની વિસ્તૃત વિગતો સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ રજૂઆતને ધ્યાનમાં લઈને ભારત સરકારના ખેડૂત અને કૃષિ કલ્યાણ વિભાગે ગત તારીખ 18 માર્ચ 2025ના રોજ ગુજરાત સરકારના બાગાયત નિયામક-ગાંધીનગરને તપાસનો આદેશ આપ્યો હતો. ગ્લોબલ વોર્મિંગે કેસર કેરીના પાકને ભરડો લીધો
તાલાલા પંથકમાં કેસર કેરીના પાકમાં અવિરત ઘટાડો થતો જાય છે. છેલ્લા બે વર્ષથી ગ્લોબલ વોર્મિંગે કેસર કેરીના પાકને ભરડો લીધો હોય મોટાભાગનો કેરીનો પાક નાશ પામ્યો છે. તાલાલા પંથકના નાશ પામેલા પાકનો સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર આપવા સર્વપક્ષીય તથા કિસાન સંગઠનો દ્વારા પણ આવેદનપત્રો દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. આવેદનપત્રોમાં બાગાયત વિભાગે કેરીના પાકનો સરકારને મોકલેલા અહેવાલને ખોટો ગણાવી નાટક સમાન કરેલા સર્વેની તપાસ કરવા પણ માંગણીઓ થઈ છે. ખેડૂતોએ કરેલી વિવિધ રજૂઆતની કોપીઓ નીચે મુજબ છે.