અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાક વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી છે, જ્યાં ખાનગી કંપનીના પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટનું મોત થયું છે. પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસતંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું. એરક્રાફ્ટે ચારવાર ટેકઓફ અને લેડિંગ કર્યું
ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આજે અનિકેત મહાજન, જે પોતે પોતાની તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેકઓફ કર્યું. લેન્ડ કરીને પાછું ફરીવાર ટેકઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણસર તેનું પ્લેન ક્રેશ થયું હતું. તાત્કાલિક તેમને કોલ આવ્યો હતો, સ્થળ પર પહોંચીને ફાયર, પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો. તેને રેસ્ક્યૂ કરવા પ્રયત્નો કર્યા. હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ છે. પ્લેનમાં ટ્રેઈની અનિકેત એકલો હતો અને તે જ પ્લેન ઉડાડતો હતો. આગ પર કાબૂ મેળવીને વિસ્તારને કોર્ડન કરાયો
ફાયર ઓફિસર એસ. સી. ગઢવીએ જણાવ્યું હતું કે 12:30 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રેશ થવાની દુર્ઘટના બની હતી, જેને ટેલિફોનિક ફાયરિંગ ઈમર્જન્સી સર્વિસની અંદર કરતાં તાત્કાલિક ધોરણે ત્રણ મિનિટ અને 22 સેકંડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હતો. એપ્રોચ કરતાંની સાથે રેસ્ક્યૂ ટીમ દ્વારા અંદર એક પાઈલટ ફસાયેલો હતો, જેને બહાર કાઢીને 108ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલના તબક્કે કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ હોઈ શકે, જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, એવા બ્લેકબોક્સને શોધીને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ કર્યા છે. આ રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં અમને જોવા મળ્યું છે કે અકસ્માત એક વાછરડી માટે જીવલેણ બન્યો હતો. પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન
આ પ્લેન ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેણે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશની તપાસ શરૂ
પ્લેન ક્રેશનાં કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે, અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.