આજે મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા અને 20 લોકો ઘાયલ થયા. માર્યા ગયેલાઓમાં ભારતીય પ્રવાસીઓ, એક ઇટાલિયન અને એક ઇઝરાયલી પ્રવાસીનો સમાવેશ થાય છે. પહેલગામની બૈસરન ખીણમાં બપોરે લગભગ 2.45 વાગ્યે હુમલો થયો. વિશ્વ મીડિયામાં આ ઘટનાને ખાસ્સી કવર કરવામાં આવી રહી છે. આ હુમલા વિશે બ્રિટનના ડેઇલી મેઇલ અને અમેરિકાના CNNએ શું લખ્યું તે વાંચો… CNNએ લખ્યું… મંગળવારે જમ્મુ અને કાશ્મીરના હિમાલયી ક્ષેત્રમાં થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા એક પ્રવાસીનું મોત થયું હતું અને 13 અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ હુમલો પહાડી અનંતનાગ જિલ્લામાં પહેલગામ નામના પર્યટન સ્થળ પર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો અને ઘાયલોને સારવાર માટે જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાશ્મીરના આઈજીપી વીકે બિરદીએ કહ્યું કે આ વિસ્તાર એવો છે જ્યાં વાહનો ચાલી શકતા નથી, તેથી બચાવ ટીમને ત્યાં પહોંચવામાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી હોસ્પિટલમાં લાવવામાં આવેલા લોકોમાંથી એકનું મૃત્યુ થયું છે. આ હુમલો બૈસરન ખીણમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ઘોડા પર બેસીને જ પહોંચી શકાય છે. ડેઇલી મેઇલે લખ્યું… મંગળવારે બપોરે લગભગ 2:30 વાગ્યે ભારતીય કાશ્મીરમાં બંદૂકધારીઓએ પ્રવાસીઓના એક જૂથ પર ગોળીબાર કર્યો. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું કે આ હુમલો તાજેતરના વર્ષોમાં નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવેલો સૌથી મોટો હુમલો છે. ભારતીય પોલીસે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે, પરંતુ સ્થાનિક અહેવાલોમાં મૃત્યુઆંક 26 થી 30ની વચ્ચે હોવાનું જણાવાયું છે. હુમલા પછી સોશિયલ મીડિયા પર સામે આવેલી ભયાનક તસવીરોમાં ઘણા ઘાયલ લોકો જમીન પર પડેલા જોવા મળે છે, તેમના પરિવારના સભ્યો તેમની પાસે ઘૂંટણિયે પડીને મદદ માટે બૂમો પાડી રહ્યા છે. એક સ્ત્રી રડી રહી હતી અને કહી રહી હતી કે કૃપા કરીને મારા પતિને બચાવો. ભગવાનની ખાતર, તેને બચાવો. BBCએ લખ્યું… અધિકારીઓનું કહેવું છે કે, ભારતીય કાશ્મીરના એક લોકપ્રિય પર્યટન સ્થળની મુલાકાત લઈ રહેલા પ્રવાસીઓના જૂથ પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે ડઝન લોકો માર્યા ગયા હતા. આ હુમલો હિમાલયમાં સ્થિત એક મનોહર શહેર પહેલગામમાં થયો હતો, જેને ઘણીવાર ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. પીએમ મોદીએ X પર લખ્યું કે આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરના સૌથી મોટા શહેર શ્રીનગરની મુલાકાત લેશે અને ત્યાં એક કટોકટી સુરક્ષા બેઠક યોજશે. પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે સેના અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના એક પ્રવાસીએ જણાવ્યું કે અચાનક થયેલા હુમલા પછી અરાજકતા ફેલાઈ ગઈ અને બધા દોડવા લાગ્યા, રડવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. ફ્રાન્સ 24એ લખ્યું… મંગળવારે ભારતીય કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા હતા, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓએ તેને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી ભયાનક હુમલો ગણાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પહેલગામ રીટ્રીટ પર થયેલા હુમલાની નિંદા કરી અને વચન આપ્યું કે હુમલાખોરોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. એક ટુર ગાઈડે એએફપીને જણાવ્યું કે, ગોળીબારનો અવાજ સાંભળીને તે ઘટનાસ્થળે દોડી ગયો અને કેટલાક ઘાયલોને ઘોડા પર બેસાડીને લઈ ગયો. આ હુમલો શ્રીનગરના મુખ્ય શહેરથી લગભગ 90 કિલોમીટર દૂર પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી, પરંતુ મુસ્લિમ બહુમતી ધરાવતા આ પ્રદેશમાં 1989થી વિદ્રોહીઓ લડી રહ્યા છે. ડોને લખ્યું: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો, જે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં હિંસા ઓછી થઈ હોવાથી, દર ઉનાળામાં હજારો પ્રવાસીઓ અહીં આવે છે. કેટલાક લોકોએ કહ્યું કે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નથી. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, હું પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું, જેમાં પાંચ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે. તાજેતરના વર્ષોમાં, કાશ્મીરમાં પ્રવાસીઓને નિશાન બનાવતા હુમલાઓ ઓછા થયા છે, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે બંધ થયા નથી. અલ જઝીરાએ લખ્યું… ભારતીય કાશ્મીરમાં બંદૂકધારીઓએ પ્રવાસીઓના એક જૂથ પર ગોળીબાર કર્યો, જેમાં કેટલાકના મોતની આશંકા છે. પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે પહેલગામના રિસોર્ટ શહેરથી લગભગ 5 કિમી દૂર બૈસરન ગ્રાસ ગ્રાઉન્ડ પર ફરવા જતા ઘણા પ્રવાસીઓને ગોળી વાગી હતી, જેમાં તેઓ ઘાયલ થયા હતા. કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે આ હુમલાની નિંદા કરતા તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આવી હિંસા અસહ્ય છે અને તે કાશ્મીરની સંસ્કૃતિની વિરુદ્ધ છે, જે પ્રવાસીઓનું પ્રેમ અને ઉષ્માથી સ્વાગત કરે છે.