સુરત શહેરમાંથી નકલી શેમ્પૂ બાદ નકલી કપડાંનું વેચાણ ઝડપાયું છે. મહીધરપુરા માર્કેટમાં બે વેપારીને ત્યાં દરોડો પાડી PUMA કંપનીના નામે વેચાતા ડુપ્લિકેટ ટ્રેક પેન્ટ, ટી-શર્ટ કબજે કરવામાં આવ્યાં છે. મહીધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે દરોડા પાડીને બંને દુકાનદાર વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બન્ને દુકાનમાંથી 605 નકલી બ્રાન્ડનાં ટ્રેક પેન્ટ, ટી-શર્ટ અને શોર્ટ્સ મળી કુલ 1,21,836 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 1000 હજારમાં મળતાં બ્રાન્ડેડ કપડાં જેવાં જ ડુપ્લિકેટ કપડાં અડધા ભાવે વેચતાં
પોલીસે મળેલી માહિતીના આધારે ઓમ ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડો પાડી તપાસ કરતાં નિતેશભાઈ રમેશભાઈ કેશવાણી નામનો દુકાનદાર PUMA કંપનીના લોગાવાળાં ડુપ્લિકેટ ટ્રેક પેન્ટ અને શોર્ટ્સ ગેરકાયદે રીતે રાખી વેચાણ કરતો મળ્યો હતો. નિતેશભાઈની દુકાનમાંથી કુલ 126 નકલી કપડાંના પીસ મળ્યા હતા, જેમાં ટ્રેક પેન્ટ અને શોર્ટ્સનો સમાવેશ થાય છે. તેમની અંદાજિત કિંમત રૂ. 28,536 હોવાનું ખૂલ્યું છે. આ આરોપી હાલ પાલનપુર, કેનાલ રોડ સ્થિત નીલકંઠ રેસિડેન્સી, ઘર નં. આર/404 ખાતે રહે છે. યશ સ્પોર્ટસમાંથી 479 ડુપ્લિકેટ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ મળ્યાં
આ ઉપરાંત બીજી દુકાન ‘યશ સ્પોર્ટ્સ’માં પણ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં દુકાનદાર ચિરાગભાઈ પ્રકાશભાઈ ખટવાણા ગેરકાયદે રીતે પુમા બ્રાન્ડનાં ડુપ્લિકેટ ટ્રેક પેન્ટ, શોર્ટ્સ અને ટી-શર્ટ રાખી વેચાણ કરતા હતા. પોલીસે ચિરાગભાઈ પાસેથી કુલ 479 પીસ નકલી કપડાંના જથ્થા સાથે રૂ. 93,300ના મુદ્દામાલ સાથે કેસ નોંધ્યો છે. આ આરોપી હાલ રાંદેર વિસ્તારની સિંધી કોલોની, ઘર નં. 596 ખાતે રહે છે અને તેમની સામે પણ ધી કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 51, 63, 65 હેઠળ ગુનો દાખલ થયો છે. કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ
બંને આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે PUMAના નામે નકલી ટ્રેક પેન્ટ, ટી-શર્ટ અને શોર્ટ્સનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો. બ્રાન્ડના અધિકારીના જણાવી ચૂક્યા અનુસાર, આ પ્રકારના નકલી માલથી કંપનીના પ્રતિષ્ઠિત બ્રાન્ડને નુકસાન થાય છે અને ગ્રાહકો સાથે છેતરપિંડી પણ થાય છે. સુરતમાંથી નકલી હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂનું ગોડાઉન ઝડપાયું હતું
ઇન્ટરનેશનલ જાણીતી બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂ કંપનીના નામે ડુપ્લિકેટ બોટલને ઓનલાઇન શોપિંગ પોર્ટલ પરથી વેચાણ કરતા યુવકોના ગોરખધંધાનો અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. છેલ્લાં આઠ વર્ષથી વરિયાવમાં ડુપ્લિકેટ શેમ્પૂની બોટલ પર જાણીતી કંપનીના સ્ટિકર લગાવીને પોર્ટલ પર વેચાણ કરતા હતા. પોલીસે ડુપ્લિકેટ શેમ્પૂનાં 16 બોક્સ અને સ્ટિકર મળી 16.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.(સંપૂર્ણ સમાચાર વાંચો)