સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફૂટવા કે લીક થવા, પરીક્ષામાં કોઈ પેપરમાં ભગો કરવો, જૂના પેપર ધાબડી દેવા, ખોટા પ્રશ્નો પૂછી લેવાના કિસ્સા વારંવાર બને છે. સોમવારે અમરેલીની કોલેજમાં બી.કોમ.ની ચાલુ પરીક્ષાએ પ્રશ્નના જવાબ વોટ્સએપમાં ફરતા થયા હતા. છેલ્લા 5 વર્ષમાં પેપર ફૂટવાના કે લીક થવાની 4 ગંભીર ઘટના બની છે આ ઉપરાંત 10થી વધુ કિસ્સા એવા બન્યા છે જેમાં પરીક્ષા દરમિયાન જૂના કોર્સનું પેપર ધાબડી દેવાયું હોય, પેપરમાં ભગો કર્યો હોય પછી તાત્કાલિક ધોરણે પેપર બદલવું પડ્યું હોય. આવું થવાનું સૌથી મોટું કારણ એ છે કે, યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં મોટાભાગની પરીક્ષાને લગતી કામગીરીમાં લાલિયાવાડી ચાલી રહી છે. સંલગ્ન કોલેજો પૈકી સંવેદનશીલ કેન્દ્રમાં યુનિવર્સિટીની સ્ક્વોડ મોટેભાગે જતી નથી, નેતાઓની કોલેજોમાં ક્યારેય સ્ક્વોડ જતી નથી. ઓબ્ઝર્વર પણ રૂબરૂ ઇન્સ્પેક્શનમાં જવાને બદલે જે-તે કોલેજમાં ટેલિફોનિક રિવ્યૂ લઇ લે છે. આ ઉપરાંત નબળી સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમ પણ વારંવાર ભગા થવાનું એક કારણ હોવાની સ્થિતિ છે. અગાઉ પણ અનેક વખત યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ વિવાદનું કેન્દ્ર બની ચૂક્યો છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના આટલા વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ક્લાર્ક રૂ.5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ખુદ પૂર્વ પરીક્ષા નિયામક સહિત 90% સ્ટાફ કરાર આધારિત છે જેઓ મહત્ત્વની કામગીરીમાં મોટો રોલ ભજવે છે. કાયમીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને પરીક્ષા વિભાગનો છૂટો દોર આપી દેવાય છે. ઘણી કોલેજો એવી છે જેના વિદ્યાર્થીઓની તમામ પરીક્ષામાં પોતાની જ કોલેજમાં નંબર આવે તેના માટે પણ જબરું સેટિંગ ગોઠવાતું હોય છે. ભગાપુરાણ | NAACની ટીમ પરીક્ષા વિભાગના આ ભગા તપાસે તો C ગ્રેડ પણ ન મળે! 2 એપ્રિલ-2024 | બી.કોમ. સેમેસ્ટર-4માં બિઝનેસ કોમ્યુનિકેશનને બદલે અંગ્રેજીનું પેપર આપી દેવાતા હોબાળો મચ્યો હતો. 20 ડિસેમ્બર-2023 | બી.એડ.ની પરીક્ષામાં 5 હજાર વિદ્યાર્થીઓને જૂના કોર્સનું પેપર ધાબડી દેવાયું હતું. 13 જાન્યુઆરી-2023 | બી.એડ. સેમ-1માં હિસ્ટ્રી મેથડનું પેપર જૂની પેપર સ્ટાઈલથી નીકળ્યું, બાદમાં હાથે લખેલું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપવું પડ્યું. 12 ઓક્ટોબર-2022 | બીબીએ સેમેસ્ટર-5નું ડાયરેક્ટ ટેક્સીસ અને બી.કોમ સેમેસ્ટર-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1નું પેપર લીક થઇ ગયું. 10 ઓક્ટોબર-2022 | MSC અને MSC ITના બંને પ્રશ્નપત્ર પેપર સ્ટાઈલ વિનાના કાઢી નાખ્યા હતા. 28 માર્ચ-2022 | કેમિસ્ટ્રીના પેપરમાં પ્રિન્ટિંગ ભૂલ થતા વિદ્યાર્થીઓને શબ્દ નહીં સમજાતા મૂંઝાયા હતા. બાદમાં શબ્દ સુધારાયો હતો. 23 ડિસેમ્બર-2021 | બી.કોમ. સેમેસ્ટર-3નું સવારે 10 વાગ્યે લેવાનારી પરીક્ષાનું અર્થશાસ્ત્રનું પેપર 9.11 કલાકે ફરતું થઇ ગયું! 10 નવેમ્બર-2022 | બીએસસી એપ્લાય ફિઝિક્સનું પેપર જનરલ ઓપ્શનવાળું કાઢી નાખ્યું! 20 જુલાઈ-2021 | એમ.કોમ.ની પરીક્ષામાં બીજા વિષયનું પેપર આપી દેવાયું, તાકીદે નવું પેપર ઈ-મેલ કરવું પડ્યું. 13 જુલાઈ-2021 | બી.એડ. સેમેસ્ટર-1માં ભૂગોળનું પેપર જૂના કોર્સનું કાઢ્યું, બાદમાં હાથે લખેલું પેપર આપવું પડ્યું! 13 જુલાઈ-2021 | એમ.કોમ સેમેસ્ટર-4માં હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનું પેપર લેવાનું હતું, પરંતુ સીલકવરમાંથી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું પેપર નીકળ્યું હતું. BBA અને B.COMના પેપર એકસાથે લીક થયા હતા { 23મી ડિસેમ્બર-2021માં બાબરાની સરદાર પટેલ લો કોલેજમાં બી.કોમ સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલાં ફરતું થતા વિવાદ થયો હતો. { 12 ઓક્ટોબર-2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ સેમેસ્ટર-5ના બે પેપર પરીક્ષા પહેલાં જ લીક થઇ ગયા હતા. { એપ્રિલ-2024માં બીસીએ સેમેસ્ટર-4ની પરીક્ષામાં 3 પેપરના 75 માર્ક્સના 15 પ્રશ્નો લીક થયા હતા.