સામાન્ય રીતે જેને NGO કે આરોગ્ય સંસ્થાઓનો વિષય માનવામાં આવે છે, એવા આત્મહત્યાના સંવેદનશીલ મુદ્દે સુરત પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સુરત શહેર પોલીસ દ્વારા બે DCPના માર્ગદર્શન હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધાયેલા 1866 આપઘાતના કેસનો અભ્યાસ અને વિશ્લેષણ કર્યું છે. આ સર્વમાં સૌથી વધુ આપઘાત ઘરકંકાસના કારણે થયાનું સામે આવ્યું છે. વધતા આપઘાતના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા ત્રણ હેલ્પલાઈન નંબર શરૂ કર્યા છે, જે આજથી (22 એપ્રિલ) 24 કલાક કાર્યરત રહેશે. ઘરકંકાસથી લઈને ડિપ્રેશન સુધીનાં કારણો આપઘાત માટે જવાબદાર
આ સર્વે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ દિશા આપીને ટીમને એફઆઈઆર, સુસાઇડ નોટ, પરિવારનાં નિવેદનો, ફોન લોગ અને આરોગ્ય સંબંધિત પાસાઓના આધારે દરેક આપઘાતના કેસને એક માનવીય અભિગમથી નિહાળવાનો નિર્દેશ આપ્યો હતો. આ અભ્યાસમાં જે તથ્યો સામે આવ્યાં છે, તે સમગ્ર સમાજ માટે ચિંતાજનક સંકેત છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં નોંધાયેલા 1866 કેસમાંથી 490 એટલે કે, 26% આપઘાતના બનાવો ઘરના ઝઘડા અને ઘરેલુ તણાવના કારણે થયા છે. બીજું સૌથી મોટું કારણ બીમારી છે. 452 કેસ એટલે કે, 24% લોકો લાંબી બીમારીથી થાકીને જીવન ટૂંકાવી ચૂક્યા છે. આર્થિક સંકડામણ અને કર્જની સમસ્યાના કારણે પણ 355 કેસ (19%) નોંધાયા છે, જેમાં મોટાભાગે વ્યાજખોરી અને નાણાકીય દબાણ મુખ્ય કારણ રહ્યાં છે. પોલીસના સર્વેમાં પ્રેમસંબંધોના તણાવના કારણે 104 આપઘાતના કેસ (5.6%) નોંધાયા છે. જ્યારે 228 કેસ (12.2%) ડિપ્રેશનના કારણે થયાનું જાણવા મળ્યું છે. આશ્ચર્યજનક રીતે 200 કેસો (11%) ભણતર અથવા કારકિર્દી નિષ્ફળતા, પરીક્ષા કે નોકરીમાં હારને કારણે થયા છે. વધુમાં સાઈબર ફ્રોડ કે બ્લેકમેઈલિંગના કારણે 37 લોકો (2%)એ પોતાનું જીવન ગુમાવ્યું છે. વરાછા, કાપોદ્રા અને સરથાણા એ મહત્ત્વના પોઈન્ટ બન્યા
આ સર્વેમાં સૌથી વધુ આપઘાતના કેસો ઝોન-1 વિસ્તારમાં નોંધાયા છે, જેમાં 496 બનાવો છે. ખાસ કરીને વરાછામાં 103, કાપોદ્રામાં 171 અને સરથાણા વિસ્તારમાં 152 આપઘાતના કેસો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રત્નકલાકારો વસે છે, જેના કારણે રોજગારનું દબાણ, ખર્ચ અને કુટુંબના ઝઘડા વધુ હોય છે. ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાયમંડ ઉદ્યોગનાં કારખાનાઓ આવેલાં છે. બીજા વિસ્તારોમાં લિંબાયત (175), રાંદેર (111), અમરોલી (108), ચોકબજાર (99), ઉમરા (53) અને સચિન (70) સહિત અનેક વિસ્તારોમાં આત્મહત્યાના નોંધપાત્ર કેસો નોંધાયા છે. પોલીસ લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરશે
આ તમામ તથ્યો સામે આવ્યા પછી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આત્મહત્યા નિવારણ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવાનું નિર્ણાયક પગલું ભર્યું છે. જો કોઈને હતાશા કે નિરાશા લાગે અથવા આત્મહત્યાનો વિચાર આવે તો પોલીસ દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક સંપર્ક કરે શકે છે. 1866 કેસના વિશ્લેષણમાં સામે આવેલાં મુખ્ય કારણો પોલીસ કમિશનરની લોકોને અપીલ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, ઘણી વખત વ્યક્તિ પોતાના અંતિમ પગલાં પહેલાં પરિવારજનોને કોલ કરે છે, વિચારોથી ઝઝૂમતો હોય છે એ સમયે જો કોઈ એક વાત, એક સહારો મળે તો કદાચ જીવ બચી શકે. તેથી અમે અપીલ કરીએ છીએ કે જો તમને કે તમારા આસપાસના કોઈને એવું લાગે કે તેઓ તૂટી પડ્યા છે તો પોલીસને માત્ર એક તક આપો. એક વ્યક્તિના આપઘાતથી આખો પરિવાર તૂટી જાય છે, તેથી પોતાને જ નહિ, પોતાનાં પરિજનો માટે જીવવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દરેક કેસની પાછળ માણસ શું અનુભવી રહ્યો હતો તે સમજવાનો પ્રયાસ કર્યો છે. ઘણા કેસોમાં સુસાઇડ નોટ નહોતી મળતી, પરંતુ પરિવારનાં નિવેદન, કોલ ડિટેલ્સ અને મિત્રો પાસેથી મળેલી માહિતીના આધારે કારણો સ્પષ્ટ થયાં છે. ઘણીવાર જો આપઘાત કરવાનો વિચાર આવે તો મિત્રો, સંબંધી કે અન્ય કોઈ સાથે વાત કરી લેવી જોઈએ. વાત કરવાથી આપઘાત કરવાનો મૂડ બદલી શકે છે. આ ઉપરાંત તમારી સમસ્યા અમારા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પણ જણાવી શકો છો. ઘણી વખત વાત કરવાથી આપઘાત કરવાના વિચાર બદલાઈ શકે છે. વધુમાં ઉમેર્યું કે, હીરા ઉદ્યોગના વિસ્તારમાં રહેતા જે લોકોએ આપઘાત કર્યા છે, તેમની વિગતો એકત્ર કરવામાં આવી છે. કારણ અંગે તપાસ કરાઇ છે. રત્નકલકારો માટે હાલ સરકારની કમિટી કાર્યરત છે.