પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ ચૌધરીએ UPSC પરીક્ષામાં 348મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ સફળતા સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે. વિપુલ ચૌધરીની સફળતાની પાછળ લાંબો સંઘર્ષ રહ્યો છે. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં રિસોર્સની ઘણી કમી હતી. આર્થિક મુશ્કેલીઓ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની સફળતાની યાત્રા લાંબી બની. 2015માં શાળામાં એક શિક્ષક દ્વારા IAS અધિકારીની ભૂમિકા વિશે જાણ્યા બાદ તેમને આ ક્ષેત્રમાં જવાની પ્રેરણા મળી. 2021માં કોલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે UPSC માટેની તૈયારી શરૂ કરી. લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા વિપુલે સમાજનો સહયોગ મેળવીને આ સફળતા હાંસલ કરી છે. વિપુલ ચૌધરીનું માનવું છે કે દરેકની સફળતાની યાત્રા અલગ હોય છે. તેમણે યુવાનોને સંદેશ આપ્યો છે કે પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ રાખવાથી મોડું-વહેલું સફળતા જરૂર મળે છે. તેમની આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લા માટે ગૌરવની વાત બની છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહેશે.