વિજાપુર તાલુકામાં ભાજપના નવા સંગઠનમાં ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતાં મોટો વિરોધ ઊભો થયો છે. જોગણીમાતાના મંદિરે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય ઠાકોર સમાજના 104 જેટલા સક્રિય કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામા આપ્યા છે. રાજીનામા આપનારાઓમાં જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન, તાલુકા પંચાયત સદસ્ય રણજીતસિંહ ઠાકોર, વિજાપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખ બળવંતસિંહ ફકીરજી અને ચંદનજી રેવાજી ઠાકોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ મોગાજી દાનાજી ઠાકોર સહિત અનેક બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જોએ પણ રાજીનામા આપ્યા છે. લડત ઇન્ચાર્જ મહેશજી ઠાકોરના જણાવ્યા અનુસાર, તાલુકામાં સૌથી મોટા સમુદાય એવા ઠાકોર સમાજના સક્રિય કાર્યકરોને નવા સંગઠનમાં હાંસિયામાં ધકેલી દેવાયા છે. જો ભાજપ સંગઠન દ્વારા ઠાકોર સમાજની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ પણ 500થી વધુ કાર્યકરો રાજીનામા આપી શકે છે. આ પરિસ્થિતિની આગામી પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ પર સીધી અસર પડવાની શક્યતા છે. સ્થાનિક રાજકારણમાં આ ઘટનાક્રમને કારણે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.