મિતેશ બ્રહ્મભટ્ટ | અમદાવાદ
ગુજરાત સરકારના 26 અને કેન્દ્ર સરકારનો 1 વિભાગ મળીને 27 વિભાગોમાંથી સૌથી વધુ ભ્રષ્ટ ગૃહ ખાતું છે. છેલ્લા સવા 2 વર્ષમાં એસીબીએ 415 સરકારી બાબુઓને રૂ.2.89 કરોડની લાંચ લેતા પકડયા હતા. જેમાં સૌથી વધારે 135 પોલીસ અધિકારી – કર્મચારી રૂ.98 લાખની લાંચ લેતા પકડયા હતા. આ આંકડા પરથી દર 6 દિવસે એક પોલીસ કર્મચારી લાંચ લેતા પકડાઈ રહ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે. લાંચિયા બાબુઓમાં જ નહીં પરંતુ લોકો પાસેથી સૌથી વધારે પૈસા પડાવવામાં પણ પોલીસ ખાતુ જ મોખરે રહ્યુ છે. પોલીસ પછીના અન્ય ટોપ 6 ભ્રષ્ટાચારી સરકારી વિભાગોમાં પંચાયત, મહેસૂલ, કૃષિ, શહેર વિકાસ, કાયદા, માર્ગ મકાન તેમજ નાગરિક પૂરવઠા વિભાગનો સમાવેશ થાય છે. આ 6 વિભાગના 168 અધિકારી – કર્મચારી લોકો પાસેથી રૂ.1.40 કરોડની લાંચ લેતા પકડાયા હતા.
એસીબીની ટીમોએ 2023 ના વર્ષમાં 183 સરકારી બાબુઓને લોકો પાસેથી 1.11 કરોડની લાંચ લેતા પકડયા હતા. જ્યારે 2024 ના વર્ષમાં 186 સરકારી બાબુ લોકો પાસેથી રૂ.1.43 કરોડની લાંચ લેતા પકડાયા હતા. જ્યારે 31 માર્ચ 2025 સુધીમાં જુદા જુદા વિભાગના 47 ભ્રષ્ટ સરકારી બાબુઓ રૂ.35 લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાયા હતા. સરકારના 27 વિભાગોમાંથી વધુ ભ્રષ્ટ પોલીસ ખાતુ જ છે અને સૌથી વધારે પૈસાની માંગણી પણ પોલીસ જ લોકો પાસે કરતી હોવાનું આ આંકડા પરથી ફલિત થાય છે. ફરિયાદ માટે જારી કરાયેલા 1930 ટોલ ફ્રી નંબરથી 3-4 વર્ષમાં ટ્રેપનો દર 20% વધ્યો
એસીબીએ લગભગ 10 વર્ષ પહેલા ટોલ ફ્રી નંબર (1930) જારી કર્યો હતો.. જો કે આ નંબર ધીરે ધીરે હાલમાં ગુજરાતના છેવાડાના ગામના લોકો સુધી પહોંચી ગયો છે. જેના કારણે એસીબીને સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો આ ટોલ ફ્રી નંબર ઉપર જ મળી રહી છે. તેમાં પણ છેલ્લા 3 – 4 વર્ષમાં તો આ નંબરના કારણે એસીબીની ટ્રેપનો દર પણ લગભગ 20 ટકા વધી ગયો હોવાનું એસીબીના અધિકારીઓનું કહેવું છે. જે કામ માટે લોકોને જવું પડે છે તેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર : ACB એસીબીના અધિકારીઓનું કહેવું છે જે કામ માટે લોકોને સરકારી વિભાગોમાં જવુ પડે છે, તે વિભાગોમાં જ સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. તેમાં પણ પોલીસ, મહેસૂલ, પંચાયત, માર્ગ મકાન આ વિભાગો એવા છે કે જ્યાં સામાન્ય માણસોને જુદા જુદા કામ માટે જવું પડે છે. જેથી આ વિભાગના બાબુઓ કામ માટે લોકો પાસે પૈસા માંગતા હોવાથી તેઓ જ સૌથી વધારે એસીબીની ટ્રેપમાં ફસાય છે.