દેશભરમાં અનેક જગ્યાએ વક્ફ એક્ટ અને UCC મામલે વિરોધ ચાલી રહ્યો છે. અમદાવાદ અને વડોદરામાં આજે પણ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો છે. અમદાવાદના નહેરુબ્રિજ પર એક તરફ મહિલાઓ અને બીજી તરફ પુરુષો દ્વારા માનવસાંકળ બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરી રહેલા કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી હતી. તો બીજી તરફ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મુસ્લિમ સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માનવસાંકળ રચી વિરોધ વ્યક્ત કર્યો હતો. હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો
અમદાવાદના નહેરુબ્રિજ પર ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા વક્ફ એક્ટ અને UCC મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. નહેરુબ્રિજ પર મુસ્લિમ મહિલાઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ સાથે બ્રિજની એક તરફ માનવસાંકળ બનાવીને ઊભા રહી વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ પુરુષો દ્વારા પણ બ્રિજની બીજી તરફ હાથમાં પ્લે કાર્ડ બતાવી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જોકે કાર્યક્રમ માટે મંજૂરી ના હોવાથી પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. લોકોની ભીડ ભેગી થતાં પોલીસે ટોળાને વિખેર્યું હતું. ‘સુપ્રીમ કોર્ટથી અમને રાહત મળશે એવો વિશ્વાસ છે’
મુસ્લિમ આગેવાન મુક્તકીમ ઐયુમે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જે બિલ લાવી રહી છે એ સાંસદનાં બંને સદનમાં પાસ કરાવી દીધું છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં મેટર પર 5 તારીખે હિયરિંગ થશે. અમને સુપ્રીમ કોર્ટથી રાહત મળશે એવો વિશ્વાસ છે, પરંતુ અત્યારે અમારા આગેવાનોએ બિલના વિરોધ અને UCC લાવવાનો જે પ્રયત્ન છે એનો અમે વિરોધ કરી રહ્યા છે. ‘મુસ્લિમ સમાજ દ્વારા માનવસાંકળ રચીને વિરોધ’
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વક્ફ બિલ અને UCC વિરુદ્ધમાં મુસ્લિમ સમાજના વિરોધપ્રદર્શનને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જોકે શાંતિ પણ માહોલમાં મુસ્લિમ સમાજ દ્વારા માનવસાંકળ રચીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ‘સરકાર દ્વારા અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવ્યાં છે’
મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે વક્ફ એમેન્ડમેન્ટ બિલમુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામુદાયિક હકો પર સીધો હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વક્ફ સંપત્તિઓ, જે દાનરૂપે ધર્મ અને સમાજની સેવા માટે ભેટ કરવામાં આવે છે, એના પર સરકારનો અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. આવા કાયદાઓના અમલથી ન્યાય અને સમાનતા નહીં, પરંતુ સમાજમાં ભેદભાવ અને અસંતુલન ઊભું થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ‘બંધારણના મૂળભૂત હકો પર આઘાત થાય છે’
આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ વિરોધ વ્યક્ત કરતાં સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં દરેક સમુદાયને પોતાનો ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે. આવા કોડ લાગુ કરવાથી બંધારણના મૂળભૂત હકો પર આઘાત થાય છે.