ભરૂચ શહેરમાં આજે વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણા યોજાયા હતા. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ અને સમસ્ત મુસ્લિમ સમાજનો સહયોગ મળ્યો હતો. APMC માર્કેટ સામેના મેદાનમાં યોજાયેલા ધરણામાં મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા શહેરના ક્તોપોર બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. મુસ્લિમ આગેવાનોના મતે વકફ એમેન્ડમેન્ટ બિલ તેમના ધાર્મિક અને સામુદાયિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેઓનું કહેવું છે કે સરકાર વકફ સંપત્તિઓ પર અયોગ્ય નિયંત્રણ લાદી રહી છે. આ સંપત્તિઓ ધર્મ અને સમાજની સેવા માટે દાનમાં અપાયેલી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે નેતાઓએ જણાવ્યું કે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. દરેક સમુદાયને પોતાની ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે. UCC લાગુ કરવાથી બંધારણીય મૂળભૂત અધિકારોનું હનન થશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો.