ડિરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં તેના બહુચર્ચિત પ્રોજેક્ટ, બોલિવૂડની ‘ટ્રેજેડી ક્વીન’ અને પ્રખ્યાત એક્ટ્રેસ મીના કુમારીની બાયોપિક,ને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન સિદ્ધાર્થે આ ફિલ્મ વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો શેર કરી. સિદ્ધાર્થના મતે, “આ ફિલ્મ સંપૂર્ણપણે મીના કુમારીની ડાયરી, તેમના પત્રો અને પર્સનલ નોટ્સ પર આધારિત હશે અને તેમાં ઘણા એવા પાસાઓ જાહેર કરવામાં આવશે, જે અત્યાર સુધી લોકો સમક્ષ જાહેર કરવામાં આવ્યા નથી.” ફિલ્મ ‘ટ્રેજિડી ક્વીન’ની ડાયરી અને પર્સનલ નોટ્સ પર આધારિત હશે
સિદ્ધાર્થે કહ્યું, “આ ફિલ્મ પર છેલ્લા બે વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે અને હવે સ્ક્રિપ્ટ તૈયાર છે. મીના કુમારી અને ડિરેક્ટર તથા મીના કુમારીના પતિ કમાલ અમરોહીનો પરિવાર આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. સારેગામા પાસે તેમના ગીતો, અધૂરા પ્રોજેક્ટ્સ અને ડાયરીઓ છે. તેમના હસ્તલિખિત પત્રો, નોટ્સ- આ બધું અમારા સંશોધનનો ભાગ બન્યા. મીનાજી જે કંઈ જીવ્યાં અને અનુભવ્યાં, ફિલ્મમાં તે જ બતાવવામાં આવશે; એટલે કે, આ ફિલ્મ તેમની વાર્તા છે , તેમના શબ્દોમાં.” હું સત્યનો ઢાંકપિછોડો નહીં કરું કે સત્યથી ભાગીશ પણ નહીં ડિરેક્ટરે ઉમેર્યું કે, “મેં શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ ફિલ્મ કોઈને વધારી-ચઢાવીને નહીં દેખાડે. હું બે વ્યક્તિઓના સંબંધની વાર્તા કરી રહ્યો છું, જેવી તે હતી. સત્ય અને આદર સાથે. પરિવારે સ્ક્રિપ્ટ સાંભળી છે અને અમને તેમના આશિર્વાદ મળ્યાં છે. હું કોઈ વ્હાઇટવોશ (કોઈ વસ્તુ કે વાતને જાણી જોઈને છુપાવવાનો પ્રયાસ) નહીં કરું કે ન તો સત્યથી ભાગીશ. એ જ ફિલ્મ પ્રામાણિક હોય છે, જે સફેદી ચઢાવીને જૂઠું ન બોલે.” ઘણી બાબતો એવી છે જેનાથી હજુ પણ લોકો અજાણ છે તેણે આ પ્રોજેક્ટ વિશે એમ પણ કહ્યું, “ઘણી એવી બાબતો છે, જે હજુ સુધી લોકો સમક્ષ આવી નથી. ડાયરીઓમાં લખેલી અંગત લાગણીઓ, તેમના પત્રો – એ બધું જ ફિલ્મમાં હશે. તમે જોશો અને વિચારશો, અરે આવું પણ હતું? આ બધું આ ફિલ્મને અલગ બનાવશે. ભવાની ઐય્યર અને કૌસર મુનીરે સ્ક્રિપ્ટ પર ખૂબ જ મહેનત કરી છે. કાસ્ટિંગ ચાલી રહ્યું છે અને અમે આવતા વર્ષે શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” પરિણીતી ચોપરા સાથે વેબ સિરીઝની શૂટિંગમાં વ્યસ્ત હાલમાં ડિરેક્ટર સિદ્ધાર્થ, પરિણીતી ચોપરા અને જેનિફર વિંગેટ સાથે તેની આગામી થ્રિલર વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે, જે OTT પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ માટે બનાવવામાં આવી રહી છે. શિમલામાં ચાલી રહેલી આ સિરીઝનું શૂટિંગ ટૂંક સમયમાં પૂર્ણ થશે. સિદ્ધાર્થ કહે છે કે, “અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે, જે આવતા અઠવાડિયા સુધીમાં પૂરું થઈ જશે. ત્યારબાદ એડિટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું કામ શરૂ થશે. આ સિરીઝની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ જ્યારે યોગ્ય તક આવશે, ત્યારે જ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.” જેનિફર મારી ફેવરિટ બની ગઈ છે- સિદ્ધાર્થ
જેનિફર વિંગેટ સાથેના પોતાના ખાસ સંબંધ વિશે સિદ્ધાર્થ કહે છે, “જેનિફર સાથે મારો જૂનો સંબંધ છે. અમે સાથે મળીને ‘દિલ મિલ ગયે’ અને ‘બેહદ’ જેવા શો કર્યાં છે. આટલા વર્ષો પછી ફરી તેની સાથે કામ કરવું મારા માટે ખાસ છે. તે હવે મારી ફેવરિટ બની ગઈ છે.” પહેલા ટીવી કન્ટેન્ટ સંપૂર્ણપણે અલગ હતું, હવે તે બદલાઈ ગયું છે
ટીવીથી પોતાની કરિયર શરૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા આજના ટીવી કન્ટેન્ટ પર સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે. તેણે કહ્યું, “જ્યારે અમે ‘સંજીવની’, ‘દિલ મિલ ગયે’ અને ‘એક હસીના થી’ જેવા શો બનાવી રહ્યા હતા, ત્યારે ટેલિવિઝન કન્ટેન્ટ સંપૂર્ણપણે અલગ હતું. એક રસપ્રદ વાર્તા, ઊંડી લાગણીઓ અને જીવનનું સત્ય બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો પરંતુ આજકાલ બનતા શો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.” “દરેક શોમાં નાના શહેરમાંથી આવેલી યુવતી દેખાડવી ટ્રેન્ડ બની ગયો છે”
તેનું માનવું છે કે, આજકાલના શો નાટક અને ભાવનાત્મક વળાંકો પર આધારિત હોય છે. “દરેક શોમાં એક એવી યુવતી હોવી જોઈએ, જે નાના શહેરમાંથી આવે છે અને હંમેશા પ્રેરણાદાયક રહે છે. આ ટ્રેન્ડ છે. દરેક શોમાં બે બહેનો અથવા એક યુવક અને બે યુવતીઓની વાર્તા હોય છે. પહેલાની વાર્તાઓમાં આત્મા હતો, હવે ફક્ત તે જ કામ કરે છે જે TRP માટે સારું હોય.” ટીઆરપી સિસ્ટમને કારણે સફળતા માટે સમય નથી મળતો
તેણે ટીઆરપી સિસ્ટમ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું, “પહેલાં કોઈ શોને સફળ થવા માટે થોડો સમય મળતો હતો પરંતુ હવે દર અઠવાડિયે પરફોર્મન્સ ચેક કરવામાં આવે છે. જો શો પહેલા બે અઠવાડિયામાં સારો દેખાવ ન કરે, તો કોઈ પણ નિર્માતા એક મહિનો રાહ જોશે નહીં અને જો તમારી પાસે TRP હશે, તો જ શોને આગળ વધવાની તક મળશે.” OTTએ ટીવીને મોટો પડકાર આપ્યો છે
સિદ્ધાર્થે સ્વીકાર્યું કે, “OTT પ્લેટફોર્મ્સએ ટીવીને મોટો પડકાર આપ્યો છે. ઓટીટીએ એક સંપૂર્ણપણે નવી દિશા આપી છે. હવે લોકો ગમે ત્યારે, ગમે ત્યાં કંઈપણ જોઈ શકે છે. OTTએ દર્શકો સમક્ષ ઉત્તમ સામગ્રી રજૂ કરી છે, જેનાથી ટીવીને એક નવો પડકાર મળ્યો છે. પરંતુ આનો અર્થ એ નથી કે ટીવી સંપૂર્ણપણે બદલી નાખવું જોઈએ. અહીં પણ પરિવર્તનની જરૂર છે, પણ ભૂતકાળમાંથી કંઈક શીખવાની જરૂર છે.”