મંગળવારે બપોરે આર્મીના ડ્રેસમાં જ્યારે આતંકવાદીએ માર્કેટમાં હાજર એક પતિ-પત્નીને જઇને પૂછ્યું કે તમે મુસ્લિમ છો? એ પછી સીધી તેના માથામાં ગોળી મારી દીધી. પત્નીએ કહ્યું કે મારા પતિને મારી નાખ્યા છે તો મને પણ મારી નાખો. સામેથી આતંકવાદીએ જવાબ આપ્યો કે નહિ, તને નથી મારવાની, તારે જઇને તારી સરકારને કહેવાનું છે…. નમસ્કાર, કલમ 370 હટી ગયા પછી કાશ્મીર ચોક્કસપણે બદલાયું છે પણ પાડોશી દેશમાંથી આવી રહેલા આતંકવાદીઓ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા દેતા નથી. અત્યાર સુધી આતંકીઓ ગામડાંમાં ઘૂસી જતા. કાશ્મીરી પંડિતોને વીણી વીણીને મારતા હતા. હવે આતંકીઓએ કાશ્મીરની ધોરી નસ પર પ્રહાર કર્યો છે. કાશ્મીરની ધોરી નસ એટલે ટુરિઝમ. કાશ્મીરમાં ટુરિસ્ટો પરના હુમલા એ અતિગંભીર બાબત છે. આ ગંભીર ઘટના પાછળની ક્રોનોલોજી સમજો
પહેલા ભારતે પાક ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)ની માગણી કરી, બલુચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર જે હુમલા થયા તેમાં પાકિસ્તાને ભારતનો હાથ હોવાનું આળ મૂક્યું. એ પછી પાકિસ્તાની સેનાના વડા જનરલ મુનિરે કહ્યું હતું કે આપણો ધર્મ અલગ છે, આપણા રીતરિવાજો અલગ છે, આપણી પરંપરા અલગ છે, આપણા વિચારો અલગ છે, આપણી આકાંક્ષા અલગ છે અને એટલે જ આપણા પૂર્વજોએ બે દેશ બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો અને પોતાનું બલિદાન આપ્યું હતું. 22 એપ્રિલ 2025, પહેલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે પ્રવાસીઓ મજા કરી રહ્યા હતા. કોઈ ફોટોગ્રાફી કરતું હતું, કોઈ સેલ્ફી લેતું હતું તો કોઈ ઘોડેસવારી કરતું હતું. એવામાં સેનાનો યુનિફોર્મ પહેરેલા બે-ત્રણ વ્યક્તિ આવ્યા. ટુરિસ્ટને તો એમ જ થયું કે આ ફૌજી જવાન છે. એ વ્યક્તિઓએ એક યુવકને રોકીને પૂછ્યું કે, તું મુસ્લિમ છો? પે’લા યુવાને ના પાડી ને માથામાં ગોળી ધરબી દીધી. એ યુવક રાજસ્થાનનો હતો. એ પછી આડેધડ અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા. પ્રવાસીઓમાં નાસભાગ થઈ ગઈ. આતંકીઓ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી, જેમાં 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ગુજરાતના ત્રણ નાગરિકો ભાવનગરના વિનોદ ભટ્ટ, માનિક પટેલ, રિના પાંડે છે. આ સિવાય મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશાના નાગરિકો પણ ઘાયલ છે. 12 ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મોદીએ સાઉદી અરબથી અમિત શાહને ફોન કરીને કહ્યું, તમે કાશ્મીર પહોંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સાઉદી અરેબિયાના પ્રવાસે છે. આ દરમિયાન આતંકવાદીઓએ પહેલગામમાં ઘોડેસવારીની મજા માણી રહેલા ટુરિસ્ટો પર ગોળીબાર કર્યો હતો. આ ગંભીર ઘટનાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતાં તેમણે ગૃહમંત્રી અમિત શાહને ફોનમાં વાત કરી હતી કે,કાશ્મીરમાં ફરવા ગયેલા ટુરિસ્ટો પર હુમલો એ બહુ ગંભીર બાબત છે. તમે કાશ્મીર પહોંચો અને ઘટના સ્થળે જાજો. મોદીનો ફોન આવતાં જ અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા હતા. પહેલગામ હુમલા અંગે કોણે શું કહ્યું…
ગૃહમંત્રી અમિત શાહ : પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. હુમલામાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે. પ્રધાનમંત્રીને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી છે. બધી એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર રવાના થઈશ.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખુબ દુઃખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ હુમલો કાયરતાપૂર્ણ અને નિંદનીય છે. મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા : પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. હું લોકોને ખાતરી આપું છું કે આ ઘૃણાસ્પદ હુમલા પાછળના લોકોને બક્ષવામાં આવશે નહીં. ડીજીપી અને સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા : હું આ હુમલાથી આઘાત અને સ્તબ્ધ છું. પ્રવાસીઓ પર હુમલો કરવો ખોટું છે. આ હુમલાના ગુનેગારો ક્રૂર અને અમાનવીય છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું તરત જ શ્રીનગર પાછો ફરી રહ્યો છું.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી : આ ઘટના અત્યંત ચિંતાજનક છે. કાશ્મીરે હંમેશા પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સુરક્ષામાં ખામીની તપાસ કરવી જરૂરી છે. પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં થતા હુમલાઓને રોકવા માટે પગલાં લેવા જોઈએ. અમારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત અને ઘણા લોકોના ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. આતંકવાદ સામે આખો દેશ એક થયો છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે નક્કર પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને. PoK પાછું લેવા માટે ભારતના નેતાઓએ વારંવાર વાત કરી – રક્ષામંત્રી રાજનાથસિંહે PTIને 5 મે 2024ના દિવસે ઈન્ટરવ્યૂ આપ્યો હતો – વિદેશમંત્રી એસ.જયશંકરે 9 મે 2024ના દિવસે એક કાર્યક્રમમાં આ વાત કરી હતી. – ગૃહમંત્રી અમિત શાહે 15 મે 2024એ ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. – યોગી આદિત્યનાથે 4 સપ્ટેમ્બર 2024ના દિવસે કાશ્મીરની સભામાં સંબોધન વખતે આ વાત કરી હતી. પાકિસ્તાની આર્મી ચીફ મુનિરે પણ કહેલું કે, કાશ્મીર એ પાકિસ્તાનના ગળાંની નસ છે
ઈસ્લામાબાદમાં પહેલું ઓવરસીઝ પાકિસ્તાની સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તેમના હાથમાં માઇક આવી ગયું ને તેમણે પોતાનો અસલી રંગ બતાવી દીધો. તેણે કાશ્મીર માટે કહેલું કે, કાશ્મીર ક્યારેય પાકિસ્તાનથી અલગ ન થઈ શકે. કોઈપણ તાકાત કાશ્મીરને પાકિસ્તાનથી અલગ નહીં કરી શકે. કાશ્મીર તો પાકિસ્તાનના ગળાની નસ છે. એને કોઈ હિસાબે કપાવા નહીં દઈએ. 9 જૂન 2024, જમ્મુમાં પ્રવાસી બસ પર હુમલો
આ દિવસે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લેવાના હતા. મોદીના શપથ ગ્રહણના એક કલાક પહેલા રવિવારે સાંજે 6.15 કલાકે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભક્તોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા. 21 ઓક્ટોબર, 2024, પરપ્રાંતીય મજૂરો પર સૌથી મોટો હુમલો
લશ્કર-એ-તૈયબાના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ (TRF)ના આતંકીઓએ ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં શ્રીનગર-લેહ નેશનલ હાઈવેની ટનલ નિર્માણ સ્થળ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં બડગામના ડૉક્ટર શાહનવાઝ મીર અને પંજાબ-બિહારના 6 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલો મજૂરોને ટાર્ગેટ કરીને કરાયો હતો. ટાર્ગેટ કિલિંગ અને મોડેસ ઓપરેન્ડી
આતંકીઓ બે થિયરી પર ચાલે છે. એક, ટાર્ગેટ કિલિંગ કરવાનું. જેમ કે પહેલાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતા. પછી આર્મીના જવાનોને નિશાન બનાવતા. પછી મજૂરોને નિશાન બનાવ્યા અને હવે ટુરિસ્ટને નિશાન બનાવે છે. આ સિવાય આતંકીઓની મોડેસ ઓપરેન્ડી એવી છે કે સેનાના યુનિફોર્મમાં આવે છે. એટલે ટુરિસ્ટ કે કોઈ લોકલને શંકા ન જાય. અમરનાથ યાત્રા માટે પહેલગામ રૂટ મહત્વનો છે
અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવાની છે અને 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટે પહેલગામ રૂટ મહત્વપૂર્ણ છે. આ માર્ગેથી ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે, પરંતુ આ માર્ગ સરળ છે. આ યાત્રામાં કોઈ ઊભો ચઢાણ નથી. પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે. તે બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે. ચઢાણ અહીંથી શરૂ થાય છે. ત્રણ કિમી ચઢાણ પછી, યાત્રા પિસુ ટોપ પર પહોંચે છે. અહીંથી યાત્રા સાંજ સુધીમાં પગપાળા શેષનાગ પહોંચે છે. આ યાત્રા લગભગ 9 કિમીની છે. બીજા દિવસે મુસાફરો શેષનાગથી પંચતરણી જાય છે. આ શેષનાગથી લગભગ 14 કિમી દૂર છે. આ ગુફા પંચતરણીથી માત્ર 6 કિમી દૂર છે. દર વખતે અમરનાથ યાત્રા વખતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાય છે. આ વખતે પણ અમરનાથ યાત્રાની તૈયારી ચાલી રહી છે ત્યારે જ આ હુમલો થતાં સેના હાઈએલર્ટ મોડમાં છે. ISIનો ‘ફાલ્કન 50’ પ્લાન એક્ટિવ છે
જમ્મુ-કાશ્મીરને નિશાન બનાવવા માટે પાકિસ્તાનના નેજા હેઠળ ISIએ ‘ફાલ્કન 50 પ્લાન’ બનાવ્યો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગ્રુપના 50 આતંકવાદીમાં લશ્કર અને જૈશના આતંકવાદીઓ પણ સામેલ છે. આ આતંકવાદીઓ છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ સેક્ટર મારફત ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. આઇએસઆઇની વિશેષ તાલીમ સાથે તૈયાર કરાયેલા આ ફાલ્કન 50 સ્ક્વોડ જૂથને સ્નાઇપર હુમલા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. જૂન-2024ના ચાર જ દિવસમાં જમ્મુમાં આતંકવાદીઓએ આ રીતે ઘૂસીને ભારતીય સુરક્ષા દળો પર ચાર મોટા આતંકી હુમલા કર્યા છે. ફાલ્કન 50 સ્ક્વોડ ગ્રુપના આ આતંકીઓને પીઓકેના આતંકી કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. એજન્સીઓનું એવું પણ માનવું છે કે આ જૂથની રચના એ સમયે કરવામાં આવી હતી, જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી હતી અને ભારતમાં તેની ઘૂસણખોરી ધીરે ધીરે થઈ રહી હતી. જ્યારે ચૂંટણીઓમાં તેમની યોજના નિષ્ફળ ગઈ ત્યારે ચૂંટણી પછી ભય પેદા કરવા ટૂરિસ્ટ અને સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લે,
લશ્કર-એ-તૈયબાનું પેટા આતંકી સંગઠન છે ધ રેસિસ્ટન્ટ ફ્રન્ટ. તેણે પહેલગામ હુમલાની જવાબદારી લીધી છે. આનો સીધો મતલબ એ થયો કે દોરી સંચાર તો સીમા પારથી જ થયો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
નમસ્કાર….
(રિસર્ચ – યશપાલ બક્ષી)