કચ્છમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પૌત્રી સાથે તેના દાદાએ જ છેડછાડનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર મદદ માટે ફોન કર્યો હતો. ઘટના એ સમયની છે જ્યારે પીડિતાને રાત્રે તરસ લાગી હતી. તેણે રસોડામાં હાજર દાદા પાસેથી પાણી માંગ્યું હતું. પાણી પીધા બાદ તેને ચક્કર આવવા લાગ્યા અને બેહોશી જેવી સ્થિતિ થઈ હતી. પીડિતાને શંકા છે કે દાદાએ પાણીમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો. આ દરમિયાન દાદાએ તેની સાથે શારીરિક છેડછાડ પણ કરી હતી. અભયમ ટીમના કાઉન્સેલર પ્રવિણાબેન, મહિલા પોલીસ અંજલીબેન સુથાર અને પાયલોટ ભાવેશભાઈ ખંભુ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પીડિતાની સ્થિતિ જોતાં તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પીડિતાની સ્થિતિ જોતાં ટીમે તેને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં દાદા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. પીડિતાના પિતાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું અને માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી તે દાદા સાથે રહેતી હતી. હાલ પીડિતાને તેની મોટી બહેનને સોંપવામાં આવી છે. 181 અભયમ ટીમની મદદથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાદા સામે છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.