કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 નાગરિકોના મોત બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ હુમલાની દેશ-વિદેશમાં નિંદા થઈ રહી છે. દેશની મેગાસિટી સહિત અનેક શહેરો અને પ્રખ્યાત મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પાલનપુર એસઓજી ટીમ, સ્થાનિક પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં વિખ્યાત અંબાજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. મંદિર જેડ પ્લસ સિક્યુરિટી ધરાવે છે. એસઓજીના પીઆઈએ જણાવ્યું કે આજે કરવામાં આવેલા ચેકિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જો કે, પહેલગામના હુમલા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાનું ચેકિંગ કરવામાં આવશે. સદન સુરક્ષાની કામગીરી અંબાજી મંદિરમા એસઓજીનો પીઆઈ એચ.બી. ધાંધલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાનમાં જે કાશ્મીર ના પહેલગામમાં આતંકી હુમલો થયો છે તે ખુબજ દુઃખદ છે. આ ઘટનામાં 26 પર્યટકોના મોત નીપજ્યા છે. હાલમાં ગૃહ મંત્રીના માર્ગદર્શન હેઠળ, અમારા ડીજીપી સાહેબ, આઈ જી સાહેબ અને એસ.પી. સરની સુચનાથી આજ રોજ એસ.ઓ.જી., અંબાજી પોલીસ, ડોગ સ્કોટ, બી.ડી.ડી.એસ દ્વારા સદન સુરક્ષાની કામગીરી અંબાજી મંદિરમા હાથ ધરાઈ હતી. ચેકીગ વારંવાર સમય અંતરાલે કરાશે અંબાજી મંદિર વિશ્વવિખ્યાત છે અને દેશભરથી મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર આવે છે, ત્યારે કોઈપણ જાતની અણબનાવ ન બને તેની તકેદારી અને અગમચેતીના ભાગ રૂપે આજે સઘન ચેકીગ કરવામાં આવ્યું છે. આ ચેકીગ વારંવાર સમય અંતરાલે કરવામાં આવશે. અને હાલ જે બનાવ બન્યો છે તેવો કોઈપણ બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી અમારા ગુજરાત પોલીસ દ્વારા રાખવામાં આવશે. એક પીએસઆઈ અને 6 જવાનોને સુરક્ષાને લઈ વધુ મૂકાયા હાલ અંબાજી મંદિરમા તૈનાત તમામ પ્રકારની સિક્યુરિટી અને પોલીસ જવાનો અલાવા અતિરિક્ત Qrt ટીમ અંબાજી મંદિરમા મૂકવામાં આવી છે. જેમાં અંબાજી મંદિરમા એક પીએસઆઈ અને 6 જવાનો સુરક્ષાને લઈ વધુ મૂકવામાં આવ્યા છે. જેથી અંબાજી મંદિરની સુરક્ષા વધુ સજ્જ થશે.