22 એપ્રિલના રોજ જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત કુલ 27 લોકોના મોત થયા છે. ગુજરાતના સુરતના એક યુવક અને ભાવનગરના પિતા-પુત્રના મોત થયા છે. એમાં ભાવનગરના લોકો શ્રીનગરમાં ચાલતી મોરારી બાપુની કથામાં ગયામાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, મોરારી બાપુના જણાવ્યા મુજબ ભાવનગરના લોકો ફરવા આવ્યા હતા અને કથામાં એક બે દિવસ આવ્યા હોઇ શકે છે. ગુમ પિતા-પુત્રના મોતની પૃષ્ટિ
ગઇકાલે બપોરના સમયે થયેલા હુમલા બાદ સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળઠિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઇ હતી. જે બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા. મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
આતંકી હુમલામાં હત્યા વિશે દુઃખ પ્રગટ કરતાં મોરારી બાપુએ શ્રીનગરમાં ચાલતી રામકથામાં કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. મૃતકોના પરિવારજનોને પાંચ લાખની સહાય
મોરારી બાપુએ ઉમેર્યું હતું કે, કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઇ પર્યટન હેતુ માટે ગયાં હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઇ હોઇ શકે. આ ઘટના કથાના સ્થળેથી 100 કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. રામકથા સાથે જોડાયેલા હોય કે ન હોય. હું મૃતકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું અને દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂ. 5 લાખ તુલસીપત્રરૂપે સહાયની જાહેરાત કરૂ છું.