રાજકોટમાં રહેતા માંકડ અને નકુમ પરિવારના સભ્યો જમ્મુ કાશ્મીર ફરવા ગયા હોય અને ત્યાં આતંકી હુમલો થતા ફસાયા છે. ત્યારે રાજકોટમાં રહેતા તેમના પરિવારજનોએ તેમના પરિજન સહીસલામત રાજકોટ પરત ફરે તે માટે સરકારને મદદ કરવા માગ કરી છે. કાશ્મીરથી અહીં આવતી ફ્લાઈટના ભાડા પણ વધી ગયા હોવાનું ત્યાં ફસાયેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું.જ્યારે ત્યાં ફસાયેલા એક પરિવારે જણાવ્યું હતું કે, અમે મંગળવારે બપોરે બાયસરન વેલી જવાના હતા પરંતુ, અમે પહોંચીએ તે પહેલા જ હુમલો થયો હતો જેથી અમે બચી ગયા હતા. સહી સલામત લોકો પરત ફરે તે માટે પરિવારની પ્રાર્થના
રાજકોટમાં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો યુવાન હેત માંકડ સહિત પરિવારના 4 સભ્યો તો અન્ય કુલદિપ નકુમ સહિત 4 લોકો કાશ્મીરમાં ફસાયેલા છે. જોકે હાલ તેઓ સુરક્ષિત હોવાનુ સામે આવ્યું છે. બંનેના પરિવારની માંગણી છે કે, અમારા પુત્રો સહિતનાને સરકાર સુરક્ષિત પરત લાવે. આતંકી હુમલો થાય અને પરિવારજન ત્યાં હોય તો ચિંતા તો થાય જ- ધૃતિ માંકડ
ધૃતિ માંકડે જણાવ્યું હતુ કે, આતંકી હુમલો થયો હોય અને પુત્ર ત્યાં હોય એટલે સ્વાભાવિક ચિંતા તો થાય જ. જોકે તેનો ફોન અને મેસેજ આવે છે અને જણાવે છે કે અમે સુરક્ષિત છીએ. ચિંતા કરવાનું કોઈ કારણ નથી જેથી અમને રાહત છે. હેત 18 મી એપ્રિલે રાજકોટથી નીકળ્યો હતો. જોકે પ્લેનમાં બેઠો ત્યારથી મેસેજ અને ફોટા મોકલે છે. અત્યારે તે ગુલમર્ગથી નીકળી શ્રીનગર પહોંચી ગયો છે. તેને ખ્યાલ છે કે માતા પિતા ચિંતા કરતા હશે એટલે તેનો ફોન અને મેસેજ આવી જાય છે. પ્રવાસીઓને હોટલમાં જ રહેવા સૂચના આપવામાં આવી
હેતના પિતા મનોજભાઈ માંકડે જણાવ્યું હતું કે, મારો પુત્ર, બહેન – બનેવી અને તેનો દીકરો 18 મી એપ્રિલે અજય મોદીની કંપનીમાં અમદાવાદથી શ્રીનગર ગયા છે. જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે તેઓ ગુલમર્ગમાં હતા. જેથી જ્યાં હુમલો થયો ત્યાંથી તેઓ ઘણા દૂર હતા અને તેઓ સુરક્ષિત છે. જોકે તું ઓપરેટરની એવી સૂચના છે કે શક્ય હોય ત્યાં સુધી હોટલની બહાર નીકળતાં નહીં. જો પરિસ્થિતિ સારી હશે તો આજે બપોર પછી તેઓને પહેલગામમાં ફરવા લઈ જશે. અન્યથા તેઓને બે દિવસ શ્રીનગરમાં જ રોકાવું પડશે. હેતના ફુવા વિશ્વેશ ભગતે જણાવ્યું હતું કે, હું અમદાવાદથી છું અને 18 મી એપ્રિલે અહીંથી શ્રીનગર જવા માટે નીકળ્યા હતા અને 25મી એપ્રિલે પરત ફરવાનો પ્રોગ્રામ હતો. પહેલગામ જવાનું પ્લાનિંગ હતું પરંતુ હાલમાં તે મોકૂફ રાખવામાં આવેલું છે. અમારા પરિવારજનો પરત ફરે તે માટે સરકાર મદદ કરે- રાજેશ નકુમ
જ્યારે અન્ય પરિવાર રાજકોટના કુલદીપ નકુમ સહીત 4 લોકો શ્રીનગરમાં ફસાયા હોવાનુ સામે આવ્યુ છે. જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલો થયો બાદમાં પ્રવાસીઓ ત્યાં ફસાયા છે. કુલદીપના પિતા રાજેશ નકુમે જણાવ્યું હતુ કે, સરકાર પાસે અમારી અપેક્ષા છે કે તાત્કાલિક અમારા બાળકોને અમારા સુધી પોહ્ચાડવા મદદ કરો. અમે ગઈકાલના જમ્યા નથી. અમારો દીકરો અને વહુ જલ્દી આવે તેવી માંગ છે. અમારા દીકરાએ કહ્યું ફલાઈટના ભાડા 35 થી 40 હજાર છે અને તેમાં પણ વેઇટિંગ છે. અન્ય વાહનો પણ મળતા નથી ,રસ્તાઓમાં જામ લાગી ગયા છે રાજકોટનો પરિવાર બાયસરન વેલી પહોંચે તે પહેલા જ હુમલો થયો હતો
“તો અમે પણ આતંકી હૂમલામાં માર્યાં ગયા હોત..” આ શબ્દો છે રાજકોટનાં નિવૃત્ત બેંક કર્મચારી જગદીશભાઈ પારેખના કે જેઓ તેમના પત્ની સાથે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયેલાં છે. તેઓએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતુ કે, રાજકોટથી 15 એપ્રિલના જમ્મુ કાશ્મીર ફરવા માટે રાજકોટથી નીકળ્યા હતા અને 26 એપ્રિલે પરત રાજકોટ આવવાનું શેડ્યુલ હતુ. હું અને મારા પત્ની નીતાબેન પારેખ તેમજ મારા મિત્ર મહેન્દ્રભાઈ મહેતા અને તેમના પત્ની મયુરીબેન મહેતા અહીં ફરવા માટે આવેલા છીએ. જોકે ગઈકાલે પહેલગામમાં જે બાયસરન વેલીમાં આતંકવાદી હુમલો થયો ત્યાંથી અમારી હોટલ 6 કીલોમીટર જ દૂર હતી. ગઈકાલે સવારે અમે બેતાબ વેલી ગયા હતા અને સાંજે બાયસરન વેલી જવાના હતા. જોકે અમે સાંજે 4 વાગ્યે ત્યાં જઈએ તે પહેલાં જ બપોરે 2.30 વાગ્યે આતંકી હુમલો થતાં અમે બધાં ડરી ગયા હતા. આતંકી હૂમલો થતાની સાથે જ ત્યાં સાયરન વાગવા લાગ્યા હતા અને એક પછી એક હેલિકોપ્ટર પસાર થવા લાગ્યા હતા. બાદમા ગઈકાલે બપોરથી રાત સુધી અમે હોટલમાં જ રહ્યા હતા. આજે સવારે 5 વાગ્યે અમે હોટેલથી નિકળી વૈષ્ણોદેવી જવા માટે નીકળ્યા અને હાલમાં અમે રસ્તામાં છીએ. વૈષ્ણોદેવીમાં બધુ સુરક્ષિત છે તેવું જાણવા મળતા જ અમે અહીં આવ્યાં છીએ. જગદીશભાઈ નિવૃત્ત બેંક કર્મચારી તો તેમનાં પત્ની હાઉસ વાઇફ છે. તેમની 3 દીકરીઓ રાજકોટ છે. જ્યારે મહેન્દ્રભાઈ રાજકોટનાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇન્ડસ્ટ્રી ધરાવે છે. જ્યારે તેમનાં પત્ની હાઉસ વાઇફ છે.