રાજકોટના રાજા અને શહેરની નામાંકિત રાજકુમાર કોલેજના પ્રમુખ માંધાતાસિંહ જાડેજા સામે મોરચો મંડાયો છે. 155 વર્ષથી જે સંસ્થામાં ધોરણ 4થી 10માં દીકરીઓ અને દીકરાઓને અલગ અલગ ક્લાસમાં ભણાવવામાં આવતા હતા. તેના સ્થાને હવે વર્ષ 2025-26 એટલે કે નવા શૈક્ષણિક સત્રથી કો-એજ્યુકેશન(છોકરા-છોકરીઓને જોડે એક ક્લાસમાં ભણાવવા) દાખલ કરવાના નિર્ણય સામે વાલીઓની લડત સમિતિ રચાઈ છે. જેના આગેવાન રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલા અને રાજસમઢીયાળાના સરપંચ અને સરકાર સહકારી મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજા છે. આ વાલીઓની લડત સમિતિનો આક્ષેપ છે કે, રાજકોટના રાજવી સ્કૂલની વર્ષોની પરંપરા તોડવા જઈ રહ્યા છે. જે માટે અમે લોકશાહી ઢબે આંદોલન કરીશું અને આ સ્કૂલના સભ્યો એવા અન્ય સ્ટેટના રાજવીઓને પણ રજૂઆત કરીશું. આ સ્કૂલનું રાજાશાહી કાળમાં નિર્માણ થયું હતું
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને RKC સ્કૂલના વાલી રાજભા ઝાલાએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, 1870માं સ્થાપિત RKC સ્કૂલ 150 વર્ષ જૂની છે. રાજા રજવાડાઓના પુત્ર ભણી શકે તે માટે આ સ્કૂલનું રાજાશાહી કાળમાં નિર્માણ થયું હતું. જેથી તેમાં યુવરાજોએ અભ્યાસ કર્યો છે અને વૈશ્વિક સ્તરે અલગ અલગ ક્ષેત્રોમાં તેમનું યોગદાન રહેલું છે. મેનેજમેન્ટનો કો-એજ્યુકેશનનો નિયમ લાવવાનો નિર્ણય
RKC સ્કૂલની એક અલગ જ ઈમેજ છે અને દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં જેની ગણના થાય છે તેમાંની એક આ સ્કૂલ છે. આ સ્કૂલમાં શિસ્ત, સંયમ, સંસ્કાર અને મર્યાદાના પાઠો શીખવવામાં આવે છે. રાજાશાહી વખતથી અત્યાર સુધી વિવેક અને મર્યાદા જળવાઈ રહેલી છે, પરંતુ કમનસીબે આ વર્ષે ત્યાંનु મેનેજમેન્ટ કો-એજ્યુકેશનનો નિર્ણય લેવા જઈ રહ્યું છે. અહીં પ્રિ-એજ્યુકેશનથી ધોરણ 3 સુધી કો-એજ્યુકેશન હતું. ત્યારે બાળકો નાના હોવાથી અન્ય કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય, પરંતુ ધોરણ 4થી 12 સુધીમાં અત્યાર સુધી ગર્લ્સ અને બોયઝ સ્કૂલનું બિલ્ડીંગ અલગ છે, દીકરા અને દીકરીઓની હોસ્ટેલ પણ અલગ છે. રાજાશાહી કાળથી ચાલી આવતી સંસ્કારિતા અને પરંપરા અકબંધ રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, અત્યારના સંચાલકોને શું એવું સૂઝ્યું કે તેઓ કો-એજ્યુકેશન તરફ જઈ રહ્યા છે. મોટો નિર્ણય લેવા માટે એક પણ વાલીની સહમતિ લેવામાં આવી નથી કે કોઇ ચર્ચા પણ કરવામાં આવી નથી. એટલે કે મનસ્વી રીતે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટના રાજાએ નિયમનું સમર્થન કરતા વાલીઓમાં વિરોધ
મારી પુત્રી સહિત પરિવારના ચાર બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. નાની નાની બાબતોમાં પણ વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે છે, પરંતુ કો-એજ્યુકેશનના નિર્ણયમાં વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. હજુ સુધી લેખિતમાં એક પણ વાલીને જાણ કરવામાં આવી નથી. જોકે આ બાબત મારા ધ્યાનમાં આવી એટલે મારા સહિત ચારથી પાંચ વાલીઓ આ સંસ્થાના પ્રમુખ અને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાને રૂબરૂ મળવા માટે ગયા હતા. આ વખતે અમે રજૂઆત કરી કે, આ સ્કૂલની ઓળખ અહીંની મર્યાદાને કારણે છે. જો કો-એજ્યુકેશનનો નિર્ણય કરવામાં આવશે તો સ્કૂલની પરંપરા લુપ્ત થઈ જશે. જોકે તે સમયે રાજાએ કહ્યું કે, આ નિર્ણયમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે જેથી અમારા વાલીઓ પાસે હવે લોકશાહી ઢબે વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. સ્કૂલના પ્રિન્સિપાલને રૂબરૂમાં લેખિત રજૂઆત કરીશું
અમે કો-એજ્યુકેશનના વિરોધમાં સૌપ્રથમ 24 એપ્રિલે આ સ્કૂલના પ્રિન્સિપાલને રૂબરૂમાં લેખિત રજૂઆત કરીશું. ત્યારબાદ આ સ્કૂલના ફાઉન્ડિંગ મેમ્બર્સ રાજા રજવાડાઓ છે જેથી અમે તેમને પણ રજૂઆત કરીશું. માંધાતાસિંહ જાડેજા પોતાની પરંપરા ચુકી ગયા છે, પરંતુ મને આશા છે કે અન્ય રાજા રજવાડાઓ પરંપરા નહીં ચૂકે. આ માટે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. આ સ્કૂલમાં ફી અઢી લાખ જેટલી છે, પરંતુ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના વાલીઓ ફી સામે નથી જોતા. આ સ્કૂલમાં તેમની દીકરીઓને સારા સંસ્કાર અને રીતભાત જાણવા મળે છે અને સારું શિક્ષણ આપવામાં આવે છે તે મહત્ત્વનું છે. માંધાતાસિંહ જ્યારે મેનેજમેન્ટમાં ન્હોતા ત્યારે ફી વધારા બાબતે મોરચો લઇને નીકળ્યા હતા, પરંતુ પોતે જ્યારે મેનેજમેન્ટમાં આવ્યા ત્યારથી ફીમાં વધારો થયો છે, પરંતુ કોઈ જ વિરોધ કરતા નથી. ‘અન્ય નામાંકિત સ્કૂલના સંચાલકની નજર RKC સ્કૂલ ઉપર છે’
મને લાગે છે કે, રાજકોટની અન્ય નામાંકિત સ્કૂલના સંચાલક કે જેઓ આ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી છે તેમની નજર RKC સ્કૂલ ઉપર છે. તે સ્કૂલના સંચાલક દ્વારા રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ભાડે બિલ્ડિંગો રાખેલા છે. જેથી મને શંકા છે કે તે સ્કૂલના સંચાલક દ્વારા એવી ડીલ થઈ હોય કે RKC સ્કૂલમાં કો-એજ્યુકેશન થયા બાદ બાકીની જે જગ્યા છે તે ભાડે લઈ લેવામાં આવે અને અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે. ધોરણ 4થી 10ના 800 જેટલા વિદ્યાર્થીઓ માટે નિયમ લાગુ
આ બાબતે RKC સ્કૂલના પ્રિન્સિપાલ યશ સક્સેનાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, 155 વર્ષ પહેલા આ સ્કૂલની જ્યારે સ્થાપના થઈ ત્યારે અહીં માત્ર રાજકુમારો એટલે કે દીકરાઓ જ અભ્યાસ કરતા હતા, પરંતુ વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે અહીં દીકરીઓ પણ ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જેથી વર્ષ 2003થી અત્યાર સુધી અહીં દીકરાઓની સાથે દીકરીઓ પણ અભ્યાસ કરી રહી છે. વર્ષ 2003થી ધોરણ 1થી 3 અને ધો. 11-12 કો-એજ્યુકેશન જ છે. હવે નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 4થી 10ના 800 જેટલા વિદ્યાર્થીઓ માટે કો-એજ્યુકેશનનો નિયમ કરાયો છે. અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફી
જેનું કારણ એ છે કે, અહીં ડે સ્કોલર એટલે કે માત્ર ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ અને બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓની જરૂરિયાત અલગ અલગ પ્રકારની છે. હાલ બંને પ્રકારના વિદ્યાર્થીઓ એક સાથે ભણે છે, પરંતુ બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ મેથ્સ અને અંગ્રેજી જેવા વિષયોમાં થોડા નબળા હોવાથી તેમને વિશેષ ધ્યાન આપવું પડે તેમ છે. જેથી ડે સ્કૂલ અને બોર્ડિંગ સ્કૂલ બંને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RKC સ્કૂલની વાર્ષિક ફી રૂ. 2 લાખથી રૂ. 4.75 લાખ કો-એજ્યુકેશનના કારણે થનારા નુકસાન પણ બતાવ્યા રાજકુમાર કોલેજ ગુજરાતની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા
રાજકુમાર કોલેજ રાજકોટમાં સ્થિત ગુજરાતની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે. 1870માં એનું સ્થાપન થયું હતું, અને તે ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળાઓમાંની એક છે. રાજકુમાર કોલેજની સ્થાપના બ્રિટિશ સમયમાં કાઠિયાવાડ અને ગુજરાતના રાજકુમારોને શિક્ષણ આપવા માટે કરવામાં આવી હતી. આ કોલેજનો હેતુ રાજવી પરિવારોના યુવાઓને માત્ર શૈક્ષણિક જ નહીં, પણ શારીરિક અને નૈતિક રીતે પણ મજબૂત બનાવવાનો હતો. કોલેજનું ભવ્ય કેમ્પસ અને ઐતિહાસિક માળખા રાજકોટના પ્રશિદ્ધ સ્થળોમાંથી એક છે. આ કોલેજમાં તત્કાલિન રાજવી પરિવારના પુત્રો અને અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું હતું, અને તેની પ્રતિષ્ઠા આજે પણ યથાવત છે. રાજકુમાર કોલેજમાં આજીવન શૈક્ષણિક ગુણવત્તા, રમતગમત, અને અન્ય સહાયક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આજના સમયમાં પણ આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને દેશભરમાં પ્રખ્યાત છે.