પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવેલા દિલ્હીગેટ વિસ્તારમાં સ્વચ્છતાની સ્થિતિ કથળી છે. અહીં આવેલા સુલભ શૌચાલય અને તેની આસપાસનો વિસ્તાર ગંદકીનું કેન્દ્ર બની ગયો છે. સ્થાનિક વેપારીઓએ આ સમસ્યા અંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. ગંદકીના કારણે આ વિસ્તારમાં ગાય અને ભૂંડ જેવા પશુઓનો ત્રાસ વધ્યો છે. આ પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ બની રહ્યા છે. કચરાના ઢગલાથી ફેલાતી દુર્ગંધથી વેપારીઓ પરેશાન છે. તેમને રોગચાળો ફેલાવાની પણ ચિંતા સતાવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના નારા લગાવતી પાલિકા કચરો ઉપાડવા પણ આવતી નથી. ધારાસભ્યએ આ વિસ્તારમાંથી કચરાનું સ્ટેન્ડ દૂર કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટ સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.