જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. દરેક વ્યક્તિ ગુનેગારોને સજા આપવાની અને ન્યાયની માંગ કરી રહી છે. દરમિયાન, પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની આગામી ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામે સોશિયલ મીડિયા પર વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. લોકો આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. ‘અબીર ગુલાલ’ પર પ્રતિબંધની માંગ 22 એપ્રિલના રોજ એક્ટ્રેસ વાણી કપૂરે સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘અબીર ગુલાલ’ અંગે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ થશે. પરંતુ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થતાં જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઘટના બાદ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની ગઈ છે. એક યૂઝરે લખ્યું, “શું આપણે હજુ પણ ભારતીય સિનેમામાં પાકિસ્તાની કલાકારોના પક્ષમાં છીએ? શું આપણે હજુ પણ પાકિસ્તાની કલાકાર અભિનીત ‘અબીર ગુલાલ’ જેવી ફિલ્મોને ભારતમાં બનાવવા અને રિલીઝ કરવાની મંજૂરી આપીશું?” બીજા યૂઝરે લખ્યું, ” ‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ ન થવી જોઈએ.” આ ઉપરાંત, અન્ય ઘણા યૂઝર્સે ભારતમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો હવે લોકો 2016ના ઉરી હુમલાની સરખામણી પહેલગામ આતંકવાદી હુમલા અને ફવાદ ખાનની ફિલ્મ સાથે કરવા લાગ્યા છે. હકીકતમાં ઉરી હુમલાના એક મહિના પછી ‘એ દિલ હૈ મુશ્કિલ’ રિલીઝ થઈ હતી, જેમાં ફવાદ ખાને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉરી હુમલા બાદ જ ભારતમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ફિલ્મ ‘અબીર ગુલાલ’ 9 મેના રોજ રિલીઝ થશે ‘અબીર ગુલાલ’ 9 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન આરતી એસ. બાગરીએ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાયેલી છે. MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રવક્તા અમેય ખોપકરે થોડા સમય અગાઉ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, “જ્યારે ફિલ્મના નિર્માતાઓએ તેની જાહેરાત કરી, ત્યારે અમને ફિલ્મની રિલીઝ વિશે ખબર પડી પરંતુ અમે સ્પષ્ટપણે કહી રહ્યા છીએ કે, અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ કારણ કે તેમાં પાકિસ્તાની એક્ટરની હાજરી છે.” જોકે, રાજકીય નેતા અને સામાન્ય નાગરિકોના વિરોધ બાદ બોલિવૂડના કેટલાક સ્ટાર્સ, સુસ્મિતા સેન, સની દેઓલ, અમિષા પટેલે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનનું સમર્થન કર્યું હતું.