હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો સહિતની ટોળકી રૂ. 64.80 કરોડ ઓળવી ગયાની અને એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધાર ક્રાઈમ બ્રાંચે મુખ્યત્ત્વે મહારાષ્ટ્રમાં રહેતા 19 આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી છેતરપીંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા બાદ કેસના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 3 આરોપીઓનો પણ મહારાષ્ટ્રની જેલમાંથી કબ્જો મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર ડો.પ્રશાંત જાડે કંપનીમાં 55 % જ્યારે બાકીના તમામ આરોપીઓ 2.5 % ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મેઘાલયની હળદરનું ઉત્પાદન દેશના અન્ય રાજ્યોમાં વધારવા માટે કામ કરતા હતા અને વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચુક્યા છે. હાલ આ કેસમાં પોલીસે કુલ 7 આરોપીની ધરપકડ કરી ફરાર 12 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી
રાજકોટના વેપારી સાથે થયેલા છેતરપિંડી કૌભાંડ અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. જેના આધારે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર મોકલી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન 8 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના જુદા-જુદા સ્થળોએથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. જેમાં પ્રવિણ વામન પથારે (ઉ.વ.39), હર્ષલ મહાદેવરાવ ઓઝે (ઉ.વ.49), વૈભવવિલાસરાવ કોટલાપુરે (ઉ.વ.49), અને હિરેન દિલીપભાઈ પટેલ (ઉ.વ.37)નો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને ક્રાઈમ બ્રાંચના તપાસનીશ PI મનોજ ડામોરે કોર્ટમાં રજૂ કરી તા.17 એપ્રિલ સુધીના રિમાન્ડ પર મેળવ્યા હતા. ત્યારબાદ આ કેસના મુખ્ય સૂત્રધાર ડો.પ્રશાંત જાડે, સંદેશ ખામકર, અને સંદીપ સામંતનો મહારાષ્ટ્રની જેલમાંથી કબ્જો મેળવી 21 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા તેઓને ફરી મહારાષ્ટ્ર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર ડો.પ્રશાંત જાડે કંપનીમાં 55% ભાગીદાર
ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી રાજકોટ લાવવામાં આવેલા ત્રણ આરોપી ડો.પ્રશાંત જાડે, સંદેશ ખામકર, અને સંદીપ સામંતની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ આખા કેસમાં મુખ્ય સૂત્રધાર ડો.પ્રશાંત જાડે છે, જે કંપનીનો 55% હિસ્સામાં ભાગીદારી ધરાવે છે. જ્યારે બાકીના તમામ આરોપીઓની ભાગીદારી 2.50 % છે. ડો. પ્રશાંત જાડેએ અન્ય લોકો સાથે મળી વર્ષ 2017-18માં કંપની બનાવી હળદરની ખેતી શરૂ કરી હતી. જેમાં મેઘાલયની પ્રખ્યાત હળદરની ખેતી અન્ય રાજ્યોમાં પણ કરી તેનું સારું ઉત્પાદન કરી વધુ રૂપિયા મેળવવામાં આવતા હતા. મેઘાલયની પ્રખ્યાત હળદરની ખેતી કરવા માટે એક એકર દીઠ રૂપિયા 4 કરોડનો ખર્ચ થતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જ્યારે તેની સામે તેને વળતરમાં એક એકર દીઠ દોઢથી બે કરોડ રૂપિયા મળતા હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 7 આરોપીઓ ઝડપાયા, 12ની શોધખોળ શરૂ
રાજકોટના ફરિયાદીએ આરોપીઓને રૂપિયા આપ્યા બાદ એગ્રીમેન્ટ કર્યા પછી પણ રૂપિયા સામે વળતર સારું મળશે તેવી આશાએ ત્રણ વર્ષ સુધી રાહ જોઈ હતી. અંતે આરોપીઓને જેલવાસ થયાની જાણ થતાની સાથે રાજકોટમાં તેમને ફરિયાદ નોંધાવી હતી અને જેના અઢાર પોલીસે 19 લોકો સામે ફરિયાદ નોંધી કુલ 7 આરોપીઓને ઝડપી પાડી બાકીના ફરાર 12 લોકોની શોધખોળ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર ડો.પ્રશાંત જાડે, સંદેશ ખામકર, અને સંદીપ સામંત વિરુધ્ધ અગાઉ ગુજરાતમાં રાજકોટ, અમરેલી તાલુકા, વડોદરાના લક્ષ્મીપુરા તેમજ મહારાષ્ટ્ર, પુણે, થાણે અને કર્ણાટકમાં ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કરોડો રૂપિયાની ચીટિંગથી મેળવેલી રકમ અલગ અલગ જગ્યાએ ઈન્વેસ્ટ કરી દીધી હોવાનું રટણ પોલીસ સમક્ષ કર્યું હતું. પ્રોજેક્ટ સારો લાગતા કંપનીના પાર્ટનરનો નંબર લીધો હતો
બિગ બજાર પાછળ જગનાથ પ્લોટ શેરીમાં રહેતા પ્રશાંતભાઈ પ્રદીપભાઈ કાનાબાર નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2020માં તેણે ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેન્ટરમાંથી સર્ટિફિકેટ ઓફ ઈનકોર્પોરેશન મેળવી નવલનગર વિસ્તારમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લિ. નામની ખેતી પ્રોડક્ટ લે-વેચની કંપની શરૂ કરી હતી. જેમાં તે ઉપરાંત ધવલ પ્રદીપભાઈ કાનાબાર અને ઈન્દ્રવદનભાઈ બાબુલાલ કોરાટ ડાયરેક્ટર છે. જૂન-જૂલાઈ 2021માં તે હિંમતનગર કંપનીના કામથી ગયો હતો ત્યારે ચંદ્રકાંતભાઈ પટેલ સાથે પરિચય થયો હતો. જેને હળદરની ખેતીનો પ્રોજેક્ટ સમજાવ્યો હતો જેમાં મુંબઈનાં એ.એસ.એગ્રી એક્વા એલએલપી સારું વળતર આપે છે તેમ જણાવ્યું હતું. જેથી તે ચંદ્રકાંતભાઈનો પ્રોજેક્ટ જોવા ગયા હતા. જે સારો લાગતા તેની પાસેથી કંપનીના પાર્ટનર હિરેન પટેલનો મોબાઈલ નંબર લીધો હતો. અવિનાશે હળદરની ખેતીનો સંપૂર્ણ પ્રોજેક્ટ સમજાવ્યો
રાજકોટ આવી કંપનીના ડિરેક્ટરો સાથે પ્રોજેક્ટ બાબતે વાતચીત કર્યા બાદ હિરેન પટેલનો સંપર્ક કર્યો હતો. જેણે કંપનીની મેનેજર સાક્ષી પલ્લવ અને અવિનાશ સાંગલેના મોબાઈલ નંબર આપ્યા હતાં. જે બંનેએ રાજકોટ આવી પ્રોજેક્ટ સમજાવવાની વાત કરી હતી. બે-ત્રણ દિવસ બાદ અવિનાશ સાંગલેએ અમદાવાદની વાયએમસીએ ક્લબમાં પ્રોજેક્ટ બાબતે મિટીંગ રાખી હતી. જેમાં તે તથા તેના સીએ હાર્દિકભાઈ ઉપરાંત કંપનીના ડીરેક્ટર ઈન્દ્રવદનભાઈ હાજર રહ્યા હતાં. અવિનાશે તેમને હળદરની ખેતીનો સંપૂર્ણ પ્રોજેક્ટ સમજાવ્યો હતો. નફો સારો મળવાની લાલચે રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી
જે મુજબ તેમને કંપનીને છ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબ જમીન આપવાની હતી. તે જ જમીનમાં વીજળી અને પાણી તેમણે જ પૂરા પાડી હળદરની ખેતીના પોલી હાઉસ ઉભા કરવાના હતાં. જેમાં એક એકરે અંદાજે રૂ.2 કરોડનો ખર્ચ થવાનો હતો. તેમાંથી રૂ.1.20 કરોડ તેમને આપવાના હતા. જ્યારે રૂ.80 લાખનું રોકાણ કંપનીએ કરવાનું હતું. કંપની પોલી હાઉસ ઉભું કરી હળદરની ખેતી કરવા માટેના બિયારણના વાવેતર કરવાથી તેના વેચાણ સુધીની તમામ જવાદારી સંભાળવાની હતી. તેની કંપની જ્યારથી પોલી હાઉસના રૂપિયા અને જમીન કંપનીને આપે ત્યારથી 16 મહિના પછીથી કંપની તેમને દર એકરે રૂ.1.20 કરોડના રોકાણની દર વર્ષે રૂ.1.20 કરોડ છ વર્ષ સુધી પરત આપવાની હતી. આ રીતનો પ્રોજેક્ટ અવિનાશે તેમને સમજાવી યુ-ટ્યુબમાં વીડિયો પણ બતાવ્યા હતાં. જે જોતાં પ્રોજેક્ટ સારો લાગ્યો હતો અને નફો પણ મળશે તેમ જણાતાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી. રૂ. 64.80 કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્યા
ત્યાર પછી કંપની વિશે ગુગલમાં સર્ચ કરી માહિતી મેળવી હતી. આખરે તેમણે 54 એકર જમીનમાં પ્રોજેક્ટ શરૂ કરી રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કરી અવિનાશને જાણ કરી હતી. નક્કી થયા મુજબ જુલાઈ 2021થી સપ્ટેમ્બર 2021 સુધીમાં રૂ. 64.80 કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્યા હતાં. આ પછી ગુજરાતના અલગ-અલગ વિસ્તારનાં ખેડૂતોની હળદરને અનુકુળ આવે તેવા વાતાવરણવાળી જમીનની શોધખોળ શરૂ કરી હતી. આ રીતે અલગ-અલગ ખેડૂતો પાસેથી 108 એકર જમીન 6 વર્ષ સુધી લીઝ ઉપર રાખી હતી. કંપનીના સંચાલકો અને ભાગીદારો ખોટા વાયદાઓ કરતા
કંપનીનો કુલદીપ વિશ્વકર્મા નામનો વ્યક્તિ જમીનનો સર્વે પણ કરી ગયો હતો અને ખેડૂતો સાથે ભાડા કરાર કરવાનું કહેતા તેમ કર્યું હતું. બાદમાં કંપની સાથે કોન્ટ્રાક્ટર ફાર્મિંગ એગ્રીમેન્ટ માટે તેની કંપનીના ડાયરેક્ટર ઈન્દ્રવદનભાઈ અને સીએ હાર્દિકભાઈ મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાં કંપનીના સંદેશ ગણપતભાઈ ખામકર સાથે ગઈ તા. 24/12/2021નાં રોજ રૂ.100ના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કર્યું હતું. એગ્રીમેન્ટ મુજબ જાન્યુઆરી 2023માં તેમને કંપની પાસેથી રૂ.64.80 કરોડ લેવાના હતાં. જે કંપનીએ ચૂકવ્યા ન હતાં. જેથી ફોન અને ઈ-મેઈલ કરી ઉઘરાણી કરતા હતા. દર વખતે કંપનીના સંચાલકો અને ભાગીદારો ખોટા વાયદાઓ કરતા હતા. કંપનીના પાર્ટનરો મહારાષ્ટ્રની જેલમાં બંધ
ગઇ તા. 02/02/2923નાં રોજ એક વર્ષે આપવાના થતા પેમેન્ટ રૂ. 64.80 કરોડમાંથી તેમને કંપનીને એડમીનીસ્ટ્રેશન એન્ડ ઓપરેશનલ કોસ્ટ પેટે 10 ટકા રૂપિયા બાદ કરી રૂ. 58.32 કરોડ ચૂકવવાનું લેખિત કન્ફર્મેશન કંપનીએ આપી થોડા દિવસોમાં તેની કંપનીના બેન્ક ખાતામાં રૂપિયા જમા કરાવવાની મૌખિક ખાતરી આપી હતી, પરંતુ કંપનીની દાનત ઉપર શંકા જતાં તેની કંપનીના ડિરેક્ટર ઈન્દ્રવદનભાઈ અને સીએ હાર્દિકભાઈ મુંબઈ ગયા હતા અને ત્યાં કંપનીના ચેરમેન ઈવાન આલ્બર્ટ ડી ક્રુઝને રૂબરૂ મળ્યાં હતાં. જેણે થોડા સમયમાં લેણી રકમ ચૂકવી આપવાની ખાતરી આપી હતી. સાથોસાથ રીકવેસ્ટ લેટર પણ આપ્યો હતો, પરંતુ આજ સુધી તેમણે રોકેલા રૂ. 64.80 કરોડ પરત આપ્યા ન હતાં. કંપનીએ 2023, 2024 અને 2025 એમ ત્રણ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબનાં 1 અબજ 94 કરોડ પણ આજ સુધી ચૂકવ્યા નથી. કંપનીના ડિરેક્ટરોએ આજ રીતે વડોદરા, અમરેલી, મહારાષ્ટ્રના થાણે અને પૂનામાં પણ ફ્રોડ કર્યા છે. જે અંગે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાંથી કંપનીના પાર્ટનરો સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદીપ સામંત હાલ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.