બસ, હવે બહુ થયું… ઘટનાને ‘વખોડવાનો’ સમય ગયો… ટ્વિટર પર દુ:ખ વ્યક્ત કરવાથી કાંઈ નહીં થાય… આજે બદલો નહીં લઈએ તો ક્યારે?… ઈઝરાયલે જે હાલત ગાઝાની કરી છે એવી જ હાલત પાકિસ્તાનની કરો… પહેલગામની બૈસરન વેલીમાં 27 પ્રવાસીનાં મોત પછી દેશવાસીઓ આઘાતમાં છે. લોકોમાં આક્રોશ પણ છે. ભારતના લોકો ઈચ્છે છે કે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપો. આતંકીઓ જ નહીં, આ વખતે તો પાકિસ્તાનને પણ પાઠ ભણાવવો જોઈએ. આવો જ આક્રોશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહમાં ભર્યો છે, એટલે જ મોદી તાબડતોબ સાઉદી અરબથી પાછા ફર્યા ને એરપોર્ટ પર જ હાઇ લેવલ મિટિંગ કરી. આ દુ:ખની ઘડીમાં ભારતની સાથે આખી દુનિયા ઊભી છે, એ ભારત માટે સબળું પાસું છે. નમસ્કાર, 370 કલમ હટી ગયા પછી કાશ્મીરમાં બધું બરાબર છે એ નેરેટિવને કારણે એક પ્રકારની શિથિલતા આવી ગઇ અને એ ભારે પડી ગઈ. હવે સમય આવી ગયો છે કે ભારત PoKમાં બેઠેલા આતંકવાદીઓને વીણી વીણીને મારે, જોકે આ હુમલા પછી હાફિઝ સઇદ અને બીજા આતંકવાદીઓ પર ભારત મોટી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાનમાં પણ ચિંતા થઈ છે કે મોદી તાબડતોબ પાછા આવ્યા એટલે નક્કી ભારત કાંઈક કરશે. પાકિસ્તાનમાં ફફડાટ થયો છે એનો અંદાજો એ વાત પરથી આવે છે કે પાકિસ્તાનનાં બધાં અખબારોની હેડલાઇનમાં એક જ વાત લખી છે- પાકિસ્તાન ચિંતામાં… આતંકીઓની મોડેસ ઓપરેન્ડી ખતરનાક હતી હુમલો કરવા માટે ચોક્કસ સમય પસંદ કરાય છે અસ્તિત્વ બતાવવા પાકિસ્તાની આર્મીનાં ઊંબાડિયાં
પાકિસ્તાનમાં જ્યારે આર્મીનું રેટિંગ ડાઉન થાય છે અથવા તો પાકિસ્તાની પ્રજા સેનાને સમજી જાય છે ત્યારે પાક. સેના કોઈ ને કોઇ સ્ટેટમેન્ટ આપે છે અથવા તો કોઈ કારસ્તાન કરે છે. જેનાથી પાકિસ્તાની સેનાનું વજૂદ કે અસ્તિત્વ જરૂરી છે એવું પ્રજાને લાગે. પાક. આર્મી પહેલાં આવું 10 કે પંદર વર્ષે કરતી રહેતી, પણ હવે એ સમયગાળો પાંચેક વર્ષનો થઇ ગયો છે. દર પાંચ વર્ષે પાકિસ્તાની સેના પોતાનું અસ્તિત્વ સાબિત કરવા કંઇક ઊંબાડિયું કરે છે. યહ જો દહેશતગર્દી હૈ, ઇસ કે પીછે વર્દી હૈ આવું સ્લોગન પાકિસ્તાનમાં એટલે જ જાણીતું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી બોલ્યા, અમારો હાથ નથી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલાના એક દિવસ પછી પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એવું નિવેદન આપ્યું કે અમારા પર આક્ષેપો કરવા યોગ્ય નથી. પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. આ તો ભારતમાં અંદરોઅંદર બળવો થઈ રહ્યો છે, એના કારણે આવું થયું છે. નાગાલેન્ડથી લઈને કાશ્મીર, છત્તીસગઢ, મણિપુર અને દક્ષિણ સુધીનાં કહેવાતાં ભારતીય રાજ્યોમાં ક્રાંતિ થઈ રહી છે. આ વિદેશી હસ્તક્ષેપનું કૃત્યો નથી, પરંતુ સ્થાનિક બળવો છે. ઉલટા, ચોર કોતવાલ કો દંડે…ની નીતિની જેમ ખ્વાજા આસિફ એમ પણ બોલ્યા કે અત્યારે પાકિસ્તાન અને બલૂચિસ્તાનમાં અશાંતિ ચાલી રહી છે, એ ભારતના કારણે ચાલી રહી છે. પાકિસ્તાની રક્ષામંત્રીનો જવાબ ભારતે આપ્યો નથી. અત્યારે બે દેશ વચ્ચે તણાવ વધારે વધી ગયો છે ત્યારે ભારત સમય આવે કાંઈક તો મોટું કરશે એ નક્કી છે. ભારત હવે શું કરી શકે? બૈસરન ઘાટીમાં સુરક્ષા હતી જ નહીં
પહેલગામમાં બૈસરન વેલી પાસે હુમલો થયો ત્યાં કોઈ પ્રકારની સુરક્ષા નહોતી. સામાન્ય રીતે SOP એવી છે કે જ્યારે વિદેશથી કોઈ મહાનુભાવ ભારતમાં આવે ત્યારે દેશના ખૂણે ખૂણે સિક્યોરિટી ચુસ્ત કરી દેવાય છે, પણ પહેલગામમાં એવું નહોતું. આ સુરક્ષા વિભાગની ખામી છે. કોઈ સેનાના જવાનો, સિક્યોરિટી ન હોવાના કારણે જ આતંકવાદીઓએ તક ઝડપી લીધી. 2024માં પણ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે પહેલગામમાં જયપુરના કપલ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. 2000ની સાલમાં અમરનાથ યાત્રીઓની બસ પર હુમલો થયો હતો ને સાત યાત્રી મૃત્યુ પામ્યા હતા. કાશ્મીરમાં આજે પણ 60 વિદેશી આતંકી હાજર
પહેલગામમાં હુમલો કરનારા ઓછામાં ઓછા છ લોકો હતા, જે બબ્બેના ગ્રુપમાં આવ્યા હતા. આ છમાંથી બે લોકલ કાશ્મીરી હતા, બાકીના વિદેશી આતંકવાદી હતા. એવું કહેવાય છે કે આ બંને કાશ્મીરી આતંકી 2017માં પાકિસ્તાનથી ટ્રેનિંગ લઈને આવ્યા હતા. સાત વર્ષ સુધી ટ્રેનિંગ લઈને ઘૂસણખોરોની છેલ્લી બેન્ચમાં જોડાઈને કાશ્મીરમાં ઘૂસી ગયા હતા. ઈન્ટેલિજન્સ એજન્સીએ ધ પ્રિન્ટને આપેલી માહિતી મુજબ કાશ્મીર ખીણમાં હજી પણ 60 વિદેશી આતંકવાદી હાજર છે. આ 60માંથી 35 લશ્કર-એ-તૈયબાના છે, બાકીના TRF સંગઠનના છે. લગભગ 20-25 આતંકી જૈશ-એ-મોહમ્મદના છે. લશ્કર-એ-તૈયબાના સંગઠન TRF ધ રેઝિસ્ટન્સ ફોર્સનો હેન્ડલર સજ્જાદ ગુલ છે, જે સજ્જાદ લંગડાથી ઓળખાય છે. સાજિદે કુલગામમાં એક મહિલા સાથે લગ્ન કર્યા, તેને બાળકો પણ છે. પછી તે પરિવારને તરછોડીને જતો રહ્યો છે. TRFમાં કામ કરતા હાઇબ્રિડ ટેરરિસ્ટ છે, જે સ્કૂલે જતાં બાળકો, કોલેજના સ્ટુડન્ટ, નાના દુકાનદારોને ત્રાસવાદમાં જોડે છે. આ એવા લોકો હોય છે, જેનો અગાઉ કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોય. આવા લોકોને ટ્રેક નથી કરી શકાતા, એટલે તેનો ઉપયોગ થાય છે. પીરપંજાલના પહાડો આતંકીઓ માટે સ્વર્ગ છે
જમ્મુ અને કાશ્મીરને પીરપંજાલના પહાડો અલગ પાડે છે. આ પહાડો ઊંચા છે અને અંદર ગાઢ જંગલો છે. એવી જગ્યાઓ છે, જ્યાં આર્મીને પણ ચાલીને જવામાં તકલીફ પડે એવું છે. આ પીરપંજાલના પહાડોમાં ગુફાઓ છે, પથ્થરો છે, જે આતંકીઓ માટે રહેવાનાં ઠેકાણાં બની શકે છે. આ ઉપરાંત આ પહાડોમાં નાનાં નાનાં ગામડાં અને વસાહતો છે. એમાં આતંકીઓ પશુ ચરાવનારા બનીને રહેવા લાગે તોપણ કોઈને ખબર ન પડે. વેશ બદલીને રહેવામાં આતંકીઓ માહેર છે. ગુજ્જર અને બકરવાલનો સાથ મળવાનું બંધ થઈ ગયું
કાશ્મીરની પહાડીઓમાં પશુઓ ચરાવતી અને નાનુંમોટું ખેતીકામ કરતી બે પ્રજાતિના લોકો રહે છે, ગુજ્જર અને બકરવાલ. આ બંને જાતિના લોકો ભારતીય આર્મી માટે બાતમીદાર હતા. કયા આતંકીઓ ક્યાં છુપાયા છે? ક્યાંથી ઘૂસે છે? એ બધી જ ખબર આ લોકો રાખતા. આ સિવાય કાશ્મીરમાં સતત સર્ચ-ઓપરેશન ચાલતાં રહેતાં હતાં. એનો ફાયદો મળતો હતો, પણ કલમ 370 હટી ગયા બાદ સર્ચ-ઓપરેશન બંધ કરી દેવાયાં છે. હવે તો ગુજ્જર અને બકરવાલને પણ હાંસિયામાં ધકેલી દેવાયા છે, એટલે એ લોકોમાં નારાજગી છે. આ આપણને નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. શું છે TRF? હમાસ અને TRFમાં આ સામ્યતા છે…
ઈઝરાયલ પર મોટેપાયે હુમલો કરનાર ગાઝાના આતંકી જૂથ હમાસ અને લશ્કર-એ-તૈયબાના પેટાસંગઠન TRF ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની પેટર્ન લગભગ સરખી છે. આ આતંકીઓ પહેલા રેકી કરે છે. પ્લાન બનાવે છે. પછી હુમલો કરીને નિર્દોષ નાગરિકોને મારે છે. બંને સંગઠનો પાસે આધુનિક અને ઘાતક હથિયારો છે. હમાસે જે રીતે ઈઝરાયલ પર કાયરતાપૂર્વક હુમલો કર્યો એવો જ હુમલો પહેલગામમાં થયો. ભારતના લોકો એટલે જ ઈચ્છે છે કે જે હાલત ઈઝરાયલે ગાઝાની કરી એવી જ હાલત પાકિસ્તાનની થવી જોઈએ. હવે અગાઉ થયેલા હુમલા અને ભારતે આપેલા જવાબની વાત… આ રીતે થયો હતો ઉરી આર્મી કેમ્પ પર હુમલો
તારીખ 18 સપ્ટેમ્બર 2016. સમય- સવારે 5:30 વાગ્યે. ભારતીય સૈનિકોના વેશમાં ચાર આતંકવાદી બોર્ડર ક્રોસ કરીને કાશ્મીરમાં પ્રવેશે છે. તેમનું લક્ષ્ય ભારતીય સેનાનું ઉરી ગામમાં આવેલું બ્રિગેડ હેડક્વાર્ટર છે. આતંકવાદીઓ પરોઢ પહેલાં હુમલો કરે છે. 3 મિનિટની અંદર આતંકવાદીઓએ કેમ્પ પર 15થી વધુ ગ્રેનેડ ફેંક્યા. આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાનો શહીદ થયા હતા. ઘણા ઘાયલ થયા. સેનાના જવાનોએ યોગ્ય જવાબ આપ્યો અને આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો. સેનાની જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકવાદી માર્યા ગયા. આ હુમલા સામે દેશભરમાં ગુસ્સો હતો. બદલો લેવાની વાત ઊઠી રહી હતી. ઘટનાના 24 કલાકમાં તો સુરક્ષા એજન્સીઓને ખબર પડી ગઈ હતી કે આ આતંકવાદીઓ PoKથી આવ્યા હતા અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. પાકિસ્તાની સેનાએ તેમને પૂરો સપોર્ટ કર્યો હોવાનું પણ બહાર આવ્યું. ઉરી હુમલા પછી ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી
23 સપ્ટેમ્બર 2016. સવારે 9 વાગ્યા હતા. સ્ટ્રાઈક ટીમ-2ના નેતા મેજર વિનીતને તાત્કાલિક ટ્રેનિંગ એરિયામાં રિપોર્ટ કરવા માટે ફોન આવે છે. આ પછી સર્જિકલ સ્ટ્રાઈકનો પ્લાન આકાર લેવા લાગ્યો. એ જ દિવસે વડાપ્રધાન મોદી સમક્ષ આ પ્લાન મૂકવામાં આવે છે. પીઓકેમાં અનેક સ્થળો પર હુમલો કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. આર્મી હેડક્વાર્ટરે આતંકવાદીઓનાં 6 ઠેકાણાં, એટલે કે લોન્ચ પેડ પસંદ કર્યાં હતાં. આ બધાં લક્ષ્યો પાકિસ્તાની સરહદમાં હતાં. ઘણાં દૂર હતાં અને દુર્ગમ વિસ્તારોમાં હતાં. ભારતીય આર્મીની બે ટીમ અલગ અલગ રસ્તે થઈને PoKમાં ઘૂસે છે. જંગલના રસ્તે ડગલે ને પગલે મોત છે. સતત પાંચ દિવસ જંગલમાં રહીને આતંકીઓની રેકી કરી. ખાવા-પીવા જે સાથે હતું એનાથી ચલાવ્યું. બધો ફુલપ્રૂફ પ્લાન થઈ ગયો એટલે 29 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે ભારતીય આર્મીની અલગ અલગ ટીમો આતંકીઓના અડ્ડામાં ઘૂસી ગઈ ને ખાતમો બોલાવી દીધો. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકની જાહેરાત કરી. PARA SFના કમાન્ડોએ ઉરી હુમલાનો બદલો લઈ લીધો હતો. આ રીતે થયો હતો પુલવામામાં એટેક
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર હુમલો થયો હતો. એ ઘટના એવી રીતે બની હતી કે જમ્મુથી શ્રીનગર તરફ CRPFના જવાનોની બસનો કાફલો કાશ્મીર તરફ જતો હતો. લગભગ સાતેક બસ લાઈનબંધ ચાલી રહી હતી. આ કાફલામાં એક લાલ કલરની મારુતિવાન ઘૂસી ગઈ, જેમાં LED બોમ્બ રાખેલો હતો. આ મારુતિવાન સ્પીડમાં આવીને આર્મી જવાનોની એક બસ સાથે અથડાઈ ને પ્રચંડ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આર્મી જવાનોની બસના સ્પેરપાર્ટ છૂટા પડી ગયા. એમાં બેઠેલા 40 જવાન શહીદ થયા. પુલવામામાં હુમલા પછી ભારતે એર સ્ટ્રાઈક કરી
ઉરીનાં ત્રણ વર્ષ પછી આવો મોટો હુમલો હતો. એ વખતે પણ દેશવાસીઓમાં ભારોભાર આક્રોશ હતો. લોકો ઈચ્છતા હતા કે આતંકવાદીઓનો ખાત્મો કરવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, NSA અજિત ડોભાલ, ભારતીય વાયુસેનાના વડાની હાઇ લેવલ મિટિંગ થઈ. આતંકનો અડ્ડો ગણાતા PoKમાં એર સ્ટ્રાઈક કરવાનો પ્લાન તૈયાર થયો. પાડોશી દેશને ગંધ પણ ન આવે એવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો. એ તારીખ હતી 26 ફેબ્રુઆરી 2019. મધ્યપ્રદેશના ગ્વાલિયરનું એરફોર્સ બેઝ હતું. મધરાતે 12 વાગ્યે એરબેઝ પર હલચલ થઈ ને રાત્રે 1:15 વાગ્યે મિરાજ-2000નાં 20 ફાઈટર જેટે ઉડાન ભરી. પરોઢે 3:45 વાગ્યે 12 મિરાજ વિમાનો પાકિસ્તાની એરબોર્ન ચેતવણી અને રડાર જેવી ટેક્નોલોજીને ટાળીને પાકિસ્તાનમાં પ્રવેશ્યાં. આ દરમિયાન ચાર વિમાન એસ્કોર્ટ કરી રહ્યાં હતાં અને 5 વિમાને પાકિસ્તાનના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર બોમ્બમારો કર્યો. આતંકી અડ્ડાઓ સેકન્ડોમાં રાખ થઈ ગયા. પાંચ-પચ્ચીસ નહીં, પણ જૈશના 200 આતંકી માર્યા ગયા. છેલ્લે,
કટરા-શ્રીનગર વચ્ચે 19 એપ્રિલે ટ્રેન શરૂ થવાની હતી, પણ વ્યસ્ત શિડ્યૂલને કારણે મોદી ઉદ્ઘાટન કરી શક્યા નહીં. આ નવી ટ્રેનનું ઉદ્ઘાટન થાય એ પહેલાં જ આતંકીઓએ પહેલગામમાં હુમલો કર્યો. કાશ્મીરમાં ટૂરિસ્ટો વધી રહ્યા હતા એ પાડોશી દેશ જોઈ શક્યો નહીં, એટલે ટૂરિસ્ટોને નિશાન બનાવ્યા. 2024માં કાશ્મીરમાં 2.35 કરોડ ટૂરિસ્ટ કાશ્મીર ફરવા પહોંચ્યા હતા. આતંકીઓ કાશ્મીરમાં ટૂરિઝમ પ્લાન ફેલ કરવા માગે છે. કાશ્મીરમાં ટૂરિઝમ ધમધમતું રાખવાનો જ સૌથી મોટો પડકાર છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… કાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)