દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. ક્યારે IPS બદલાશે તેની ચિંતામાં અનેક પોલીસકર્મીઓ, કોને એક્સટેન્શન મળશે અને કોણ જશે?
ગુજરાતમાં આજે IPSની બદલી આવશે કે કાલે આવશે તે અંગેની ચર્ચા ઘણા મહિનાઓથી ચાલી રહી છે. તેવા સમયે કેટલાક સિનિયર અધિકારીઓની જગ્યા ખાલી પડી છે કે, કોને એક્સટેન્શન મળશે અને કોણ જશે તે અંગે હાલ અલગ અલગ લોકો ચર્ચા કરી રહ્યા છે. તેમાં પણ પોલીસ કર્મચારીઓ પોતાના માનીતા અધિકારી સારી જગ્યાએ આવે અને તેમના ફરીથી સારા દિવસો આવે તે માટે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી છે. પરંતુ આ પણ એક અનિશ્ચિતતા ભરી વાત છે અને રોજ નવો એક દિવસ શરૂ થાય છે જેમાં IPSની બદલીના સમાચારના ગોટા ઊંચે સુધી ઉડે છે સાંજે કોઈ નવી આશામાં સમાઈ જાય છે. અમદાવાદના પોલીસકર્મીને વડોદરાના PI ક્યારે બદલાશે તેની ચિંતા સતાવી રહી છે
અમદાવાદના નદી કિનારે એક પોલીસ કર્મચારી રોજ આવીને પોતાનો થાક ઉતારે છે, ત્યારે આ પોલીસકર્મી બીજા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને ચિંતા વડોદરાના પીઆઇની કરે છે. ત્યારે તેમને પોસ્ટિંગ મળશે તેની ચિંતા તેને સતાવી રહી છે. એટલું જ નહીં નવા પીઆઇ નદી કિનારે આવ્યા અને સોનામાં સુગંધ ભળે એમ પોલીસ કર્મચારી આનંદિત થઈ ગયા છે. હાલ તો આ પોલીસકર્મી જુના જાદુગરો સાથે મળીને નવા સ્કોલ સેટલ કરવામાં લાગ્યો છે. જોકે, તેના પર સૌની નજર રહેલી છે. સ્પાના ગોરખ ધંધામાં નવો પ્લેયર ઉતર્યો અને અધિકારીના ઇશારે નવું ટેરિફ લિસ્ટ તૈયાર કર્યું
અમદાવાદમાં દારૂ અને જુગારની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ બીજી રીતે પણ રોકડી કરવા માટે સતત સક્રિય રહેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમાં સ્પા કલ્ચર એકદમ જ વધી ગયું છે અને તેમાં પણ જુના પ્લેયરની જગ્યા હવે નવા પ્લેયર આવી ગયા છે. તેઓ પોતાના ખાનગી માણસો સાથે મળીને શહેરમાં બેફામ બન્યા છે. એવું પણ ચર્ચામાં છે કે, તેઓ આ ખેલાડીઓ સાથે મળીને નવા ટેરિફ નક્કી કર્યા છે. જો અલગ અલગ સ્પામાં જઈને સંચાલકો સાથે આયોજનો નક્કી કરવા સક્રિય બન્યા છે. નવા આવેલા અધિકારીએ પોતાના માણસને ગોઠવીને નવો હિસાબ કિતાબ શરૂ કર્યો હોવાની ચર્ચા છે. પીઆઇ ચેમ્બરમાં CCTV લાગતા PIએ કડક કાર્યવાહીના નામે બળાપો કાઢ્યો
સમગ્ર રાજ્યમાં કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા જાય ત્યારે પોલીસ સ્ટેશનમાં તેઓ એકદમ સુરક્ષિત છે તે માટે પોલીસ સ્ટેશનની અલગ અલગ જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેમાં પણ ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં પણ હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, ત્યારે કેટલાક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આ કેમેરાથી કેમ ડરી રહ્યા છે તે અંગે પણ અનેક ચર્ચાના વમળો સર્જાયા છે. તેવા સમયે આ સમગ્ર મામલે કેટલાક લોકો કેમેરાથી દૂર રહેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સિનિયર IPS અધિકારીઓ એમ માને છે કે આનાથી પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર ઘટશે તે પણ એક મહત્ત્વની બાબત છે. આરોપીઓનો વરઘોડો કાઢતા પોલીસને વાઈરલ થવાનો ડર સતાવી રહ્યો છે
અમદાવાદમાં થોડા દિવસ અગાઉ એક સરકારી અને સંસ્થાની જમીન પડાવવા માટે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય રીતે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે પરંતુ આ આરોપીનો વરઘોડો કાઢીને તેમને બનાવની જગ્યા લઈ જતા પોલીસને પણ ડર લાગ્યો હતો. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે, આરોપીને બનાવ સ્થળે લઈ જઈને તાત્કાલિક પરત લઈ જવામાં આવે આરોપીઓનો વરઘોડાનો વીડિયો પણ વાઈરલ ન થાય તેની પોલીસે પુરી તકેદારી રાખી હતી. વિરોધ પ્રદર્શન અન્ય પોલીસ સ્ટેશનની હદમાં પહોંચતા DCPએ અટકાયતી પગલાં લીધા
તાજેતરમાં એક સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે જે જગ્યાની પરમિશન આપી ત્યાંથી લોકો આગળ વધી ગયા હતા. અન્ય પોલીસ સ્ટેશનની હદ સુધી વિરોધ પહોંચ્યો ત્યારે હાજર ડીસીપીએ બીજી હદના ડીસીપીને જાણ કરી નહોતી. ડીસીપીને સ્થિતિ કાબુમાં ન દેખાતા તેમણે તાત્કાલિક વિરોધ કરી રહેલા લોકોની અટકાયતના આદેશ આપી કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ થતા તેમણે વિગત માગી ત્યારે ડીસીપીએ અન્ય વિસ્તારની હદ સુધી વિરોધ પહોંચી ગયો હોવાનું કબુલ્યું હતું. ડીસીપી હોવા છતાં ભીડ કાબુમાં ન રહીને આગળ વધી હતી જેથી ડીસીપીએ પોતાની કામગીરી ખરાબ ન થાય તે માટે અન્ય અધિકારીને જાણ કરી નહોતી.