પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. આ દરમિયાન એક્ટર પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’ની એક્ટ્રેસ ઇમાનવી સામે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. યૂઝર્સનો દાવો છે કે, ઇમાનવીનો પરિવાર પાકિસ્તાની સેના સાથે સંકળાયેલો છે. જોકે, ઇમાનવીએ પોતે આ આરોપોને નકારી કાઢી, સ્પષ્ટતા આપી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે દાવો કર્યો છે કે, અમેરિકા જતાં પહેલા ઇમાનવીના પિતા પાકિસ્તાની સેનામાં મેજર હતા. આ દાવા પછી, ઇમાનવીને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે, મામલો વધવા લાગતા ઇમાનવીએ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પહેલગામ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઇમાનવીએ કહ્યું, “ઓનલાઇન ટ્રોલ્સ દ્વારા બનાવવામાં આવેલી ખોટી વાતો છે, જે નફરત ફેલાવવા અને લોકોને વિભાજીત કરવા માટે છે. મારા પરિવારમાં કોઈનો પાકિસ્તાની સેના સાથે કોઈ સંબંધ નથી. આવી વાતો પાયાવિહોણી અને દુખદ છે. લોકો સત્ય જાણ્યાં વિના સોશિયલ મીડિયા પર આરોપો લગાવી રહ્યા છે. હું લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં જન્મેલી ભારતીય-અમેરિકન છું. મારા માતાપિતા યુવાનીમાં જ અમેરિકા ચાલ્યાં ગયાં હતાં અને થોડા સમય બાદ અમેરિકન નાગરિક બની ગયાં. હું હિન્દી, તેલુગુ, ગુજરાતી અને અંગ્રેજી બોલું છું અને હંમેશા મારી ભારતીય સંસ્કૃતિ અને વારસાને અપનાવતી રહી છું.” “યુએસએમાંથી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યાં પછી, મેં એક્ટ્રેસ, કોરિયોગ્રાફર અને ડાન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ભારતીય સિનેમા મારા જીવનનો એક મોટો ભાગ છે. મને આશા છે કે, હું તેના વારસામાં કંઈક યોગદાન આપી શકીશ. મારી ઓળખ ભારતીય છે અને તે મારા લોહીમાં છે.” “નિર્દોષ લોકોના મૃત્યુ પર અમે શોકમાં ડૂબેલા છીએ. કલા વિભાજન કરવાને બદલે એકતા વધારવાનું કામ કરે છે. ઇતિહાસ દર્શાવે છે કે, કલાએ જાગૃતિ વધારવા, સંસ્કૃતિઓને જોડવા અને કરુણાના સંદેશાઓ ફેલાવવાનું કામ કર્યું છે. તો આ દુઃખના સમયમાં આપણે પ્રેમ વહેંચતા રહેવું જોઈએ. આપણે એકબીજાને ટેકો આપવો જોઈએ.” ઇમાનવી વિશે આ વાતો સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે ઇમાનવી વિશે સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું હતું કે, તે એક ભૂતપૂર્વ પાકિસ્તાની લશ્કરી અધિકારીની દીકરી છે. તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીનો છે, જે હાલમાં અમેરિકામાં સ્થાયી થયો છે. આ પછી તેનો વિરોધ થયો. આ સાથે એક્ટ્રેસને ફિલ્મમાંથી દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. લોકોએ કહ્યું કે, “પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં તક ન આપવી જોઈએ.” પ્રભાસ સાથે ‘ફૌજી’ ફિલ્મમાં જોડી જમાવશે 1970ના દાયકાના બેકડ્રોપ પર બનનારી ડિરેક્ટર હનુ રાઘવપુડીની ‘ફૌજી’ ફિલ્મમાં યુદ્ધ અને ન્યાયની થીમ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે ઇમાનવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત જયા પ્રદા અને મિથુન ચક્રવર્તી પણ અગત્યના રોલમાં જોવા મળશે.