નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે એકલવાયું જીવન જીવતી 88 વર્ષીય મુસ્લિમ મહિલાની 20 એપ્રિલે હત્યા કરાઈ હતી. આ પ્રકરણમાં પોલીસે તેની કામવાળી (કેરટેકર)ની 23મી એપ્રિલે ધરપકડ કરી છે. આરોપી શાહિસ્તા, જે છેલ્લાં 7 વર્ષથી વૃદ્ધાની સંભાળ લેતી હતી, હવે પોલીસની કસ્ટડીમાં છે. શાહિસ્તાએ પોલીસને જણાવ્યું કે મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ હતું. તેણે જણાવ્યું કે “મને ફક્ત રૂ. 2,000 પગાર મળતો હતો અને મારાં બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે પૈસાની જરૂર હતી.” આ કારણે તેણે વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી અને તેમની સોનાની બંગડીઓ ચોરી લીધી. અબ્રામા ગામે એકલવાયું જીવન જીવતાં વયોવૃદ્ધ મુસ્લિમ મહિલાના હત્યાપ્રકરણમાં પોલીસે તેની કામવાળીની ગઈકાલે ધરપકડ કરી હતી, જેમાં આજે મહિલાને કોર્ટમાં રજૂ કરી જલાલપુર પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા, સાથે જ રિમાન્ડ મળ્યા બાદ મહિલા આરોપીને વૃદ્ધાના ઘરે લઈ જઈ એક-બે દિવસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. કેરટેકરે વૃદ્ધાની કઈ રીતે હત્યા કરી એનું રિકન્સ્ટ્રક્શન
નવસારી જિલ્લા નાયબ પોલીસ અધીક્ષક સંજય રાય જણાવ્યું હતું કે રવિવારે અબ્રામા ગામે એકલવાયું જીવન જીવતાં 88 વર્ષીય વૃદ્ધાની હત્યા તેમના ઘરે કામ કરવા આવતી કેરટેકર દ્વારા કરવામાં આવી હતી, એ અંગેનો ખુલાસો થયા બાદ તેના રિમાન્ડ મેળવી જલાલપોર પોલીસે મહિલાના હાથમાંથી લૂંટી લેવામાં આવેલા સોનાના ઘરેણાંની રિકવરી કરવામાં આવશે, સાથે જ ક્રાઈમ સ્પોટ ઉપર જઈ કેરટેકરે વૃદ્ધાની કઈ રીતે હત્યા કરી એ અંગેની તપાસ થશે. કેસની તપાસ જલાલપોર પી આઇ ડી. ડી લાડુમોર કરી રહ્યા છે. બે સંતાનને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવા હત્યા કરી!
આરોપી મહિલા શાહિસ્તા વૃદ્ધાના મહોલ્લામાં રહેતી હતી અને છેલ્લાં 7 વર્ષથી કેરટેકર તરીકે વૃદ્ધાની સંભાળ લેતી હતી. શાહિસ્તા પર મુનશી પરિવારને પૂરો ભરોસો હતો. તેમના ઘરની ચાવી પણ શાહિસ્તા પાસે હતી. તો પછી 88 વર્ષીય વૃદ્ધાની હત્યા કેમ કરી? આ સવાલના જવાબમાં શાહિસ્તાએ પોલીસને જણાવ્યું કે મારા પરિવારમાં સાસુ, સસરા, પતિ, હું અને મારાં બે સંતાનો છે. આ કારમી મોંઘવારીમાં ખૂબ મહેનત કરવા છતાં ઘર ચલાવવું મુશ્કેલ છે. વિદેશમાં રહેતા આ લોકોની માતાની દેખભાળ કરવા છતાં ફક્ત રૂ. 2 હજાર પગાર મળતો હતો. મારાં બાળકોને મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા હતાં, પણ રૂપિયાની ખેંચ હોવાથી ફી ભરી શકતી નહોતી. જેનબબીબીની સોનાની બંગડીની લાલચે મેં તેનું ગળું દબાવી મારી નાખી, બંગડી કાઢી લીધી હતી. પરિવાર વિદેશમાં અને માતા વતનમાં હતાં
મરનાર વૃદ્ધાનો સંપૂર્ણ પરિવાર વિદેશમાં જઈને વસ્યો છે. વર્ષોથી વૃદ્ધા અબ્રામા ગામે તેમના ઘરે એકલાં રહે છે. તેમની મદદ માટે પરિવારે મહોલ્લામાં જ રહેતી શાહિસ્તા આરીફભાઈ લાબલ (ઉં.વ.39)ને કામવાળી તરીકે મહિને રૂ.2 હજારના પગારથી રાખી હતી. તે દરરોજ ઘરે આવી સાફ-સફાઈ, કપડાં, વાસણનું કામ કરતી હતી. વૃદ્ધા કોઈક ચીજવસ્તુ બજારમાંથી શાહિસ્તા પાસે મગાવતી ત્યારે તેને રૂ.50-100 અલગથી આપતી હતી. આમ બંનેનું ગાડું ચાલતું હતું. કેરટેકરે હત્યા બાદ નાટક કર્યું
દરમિયાન કામ કરવા આવતી શાહિસ્તા સોમવારે બપોર બાદ જેનબબીબીના ઘરે કામ કરવા આવી હતી. ત્યારે જેનબબીબી તેમના પલંગમાં મૃત અવસ્થામાં હતી, આથી શાહિસ્તાએ આડોશપડોશના લોકોને જાણ કરી કે જેનબબીબી પલંગમાં સૂતાં છે અને કંઈ બોલતાં નથી. હું બપોરે કામ કરીને ઘરે ગઈ ત્યારે તેઓ બાંકડા ઉપર બેઠાં હતાં. માતાની શંકાસ્પદ મોતની પોલીસની જાણ કરી
સોમવારે વૃદ્ધા શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. દરમિયાન જેનબબીબીનો પુત્ર સલીમભાઈ મુનશી (ઉં.વ.66) પણ ઇંગ્લેન્ડથી ઘરે આવતાં તેમણે જલાલપોર પોલીસમાં બનાવની જાણ કરી હતી. માતાના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. લાશને હોસ્પિટલમાં પેનલ ડોક્ટર પાસે પી.એમ.માટે મોકલાવી તપાસ શરૂ કરી હતી. જલાલપોર પી.આઈ. ડી.ડી. લાડુમોરને કામવાળી શાહિસ્તા ઉપર શંકા જતા પૂછપરછ કરી હતી. પોલીસને જવાબ આપવામાં ગોટાળો કરતાં ભાંડો ફૂટ્યો
જેમાં જવાબો આપવામાં શાહિસ્તાનો ગોટાળો થતો હતો. પોલીસે તેને પૂછ્યું કે તું બપોરે તારા ઘરે ગઈ ત્યારે જેનબીબીને બાંકડા ઉપર બેસાડી ગઈ હતી, તે પોતાની રીતે ચાલી શકતા નહોતાં તો પલંગ પર કેવી રીતે ગયાં? ડોક્ટરે જણાવ્યા પહેલાં તને કેવી રીતે જાણ થઈ હતી કે જેનબબીબી મરી ગયાં છે? એના જવાબ નહીં આપી શકતાં તે ગભરાઈ ગઈ હતી અને પોતે જ જેનબબીબીનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હત્યા કર્યા બાદ શાહિસ્તાએ વૃદ્ધાના બંને હાથમાંથી તોલા સોનાની બે બંગડી લૂંટી લીધી હતી.