‘પ્યાર કા પંચનામા’, ‘પ્યાર કા પંચનામા 2’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘ડ્રીમ ગર્લ’, ‘છોરી’, ‘જનહિત મેં જારી’, ‘રામ સેતુ’ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ નુસરત ભરૂચા આજે ભલે સફળ એક્ટ્રેસ હોય, પરંતુ તેનાં કરિયરની શરૂઆત એટલી સરળ ન હતી. તાજેતરમાં બોલિવૂડ બબલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, નુસરતે તેના જૂના દિવસોની વાતો શેર કરી. તેણે જણાવ્યું કે- કોલેજના દિવસોમાં તેણે આખો દિવસ ફક્ત 8 રૂપિયામાં વિતાવ્યો અને કેટલી વાર ભૂખ લાગી ત્યારે પણ તે ફક્ત પાણી પીને કામ ચલાવી લેતી હતી. ‘કોલેજ સમયથી પૈસા બચાવવાની આદત છે’
નુસરતે કહ્યું- ઓહ ગોડ, હું નાણાકીય વ્યવસ્થા કરવામાં બહુ સારી નથી, પણ એટલી ખરાબ પણ નથી. મેં નાની ઉંમરથી જ સમજણ કેળવી લીધી હતી કે મારે મહિનામાં કેટલો ખર્ચ કરવો પડશે. મારી મૂળભૂત જરૂરિયાતો શું છે? મેં એક આંકડો નક્કી કર્યો હોય એટલું જ વાપરતી હતી, બાકી રહેલી આવક હું ઈન્વેસમેન્ટ અને સેવિંગ પર ખર્ચી દેતી હતી. ‘મને ડર લાગે છે કારણ કે પરિવારની જવાબદારી મારી છે’
તેમણે આગળ કહ્યું- હું કોઈ સુપરહ્યુમન નથી. મને ડર લાગે છે. મારા પિતા હવે લગભગ 70 વર્ષના છે, માતા 62 વર્ષની છે અને મારા દાદી 92 વર્ષના છે. ત્રણેય મારી સાથે રહે છે. ભગવાન ના કરે, જો કંઈ થાય, તો મારી પાસે બેકઅપમાં પૈસા હોવા જ જોઈએ. મેં મારી દુનિયા નાની બનાવી દીધી છે જેથી જરૂર પડે ત્યારે હું મારા પ્રિયજનોને ટેકો આપી શકું. ‘પાંચ વર્ષ સુધી મેં કોલેજમાં ફક્ત આઠ રૂપિયામાં દિવસ ગુજાર્યો છે’
પોતાના કોલેજના દિવસો યાદ કરતાં નુસરતે કહ્યું- હું જુહુથી ‘જય હિંદ’ કોલેજ જતી હતી. તે સમયે પપ્પાની આર્થિક સ્થિતિ સારી ન હતી, બિઝનેસમાં તેમની સાથે છેતરપિંડી થઈ હતી. મેં ‘જય હિંદ’ કોલેજમાં પ્રવેશ લીધો, પણ મને ખબર હતી કે હું મારા પિતા પાસેથી પૈસા નહિ માગી શકું. મેં મારા કોલેજના પાંચ વર્ષ ફક્ત 8 રૂપિયામાં વિતાવ્યા છે. ‘હું ઘરેથી નીકળીને જુહુથી સાંતાક્રુઝ સ્ટેશન જતી બસ નંબર 231 પકડતી હતી; તેની ટિકિટ 4 રૂપિયા હતી. પપ્પાએ મારા માટે રેલ્વે પાસ બનાવડાવ્યો હતો, મારે તેના માટે પૈસા ચૂકવવાની જરૂર નહોતી. ચર્ચગેટ ઉતરતી, ચાલીને કોલેજ જતી અને આખો દિવસ ત્યાં જ રહેતી. સાંજે એ જ રસ્તે પાછી ફરતી. જવા માટે 4 રૂપિયા અને પાછા આવવા માટે 4 રૂપિયા; કુલ 8 રૂપિયા વાપરતી. કોલેજમાં પાણી મફત હતું, જ્યારે કંઈ ખાવાની ઈચ્છા થતી ત્યારે હું ફક્ત પાણી પી લેતી.’ ‘રેસ્ટોરન્ટમાં બેઠી રહેતી, પણ ઓર્ડર નહોતી આપતી’
નુસરતે એક કિસ્સો શેર કર્યો, એકવાર મિત્રોએ બાંદ્રામાં એક નવા રેસ્ટોરન્ટમાં મળવાનો પ્લાન કર્યો હતો. હું ઘરે હતી, વિચારી રહી હતી કે જાઉં કે નહીં? જુહુથી બાંદ્રા સુધીની રિક્ષાનો ખર્ચ 60-70 રૂપિયા થશે અને પરત ફરવા માટે પણ એટલા જ રૂપિયા. એકલા બેસવું પણ કંટાળાજનક લાગતું હતું. હું ત્યાં ગઈ, પણ પૈસા બચાવવાનું પણ વિચારતી હતી. ‘ભૂખ્યા પેટે પણ ચહેરા પર સ્માઈલ રાખી હતી’
‘બધા ત્યાં ખાઈ રહ્યા હતા અને મજા કરી રહ્યા હતા. હું ત્યાં ફક્ત બેઠી રહી અને કંઈ ઓર્ડર ન આપ્યો. બસ પાણીથી કામ ચાલવી લીધું. મને યાદ છે, મારા ચહેરા પર સ્મિત હતું કારણ કે મને સારું લાગ્યું કે કોઈને ખબર ન પડી કે હું ભૂખી છું. મેં વિચાર્યું કે એક દિવસ એવો આવશે જ્યારે હું આ બધું વિચાર્યા વગર એન્જોય કરી શકીશ. ‘આજે પણ મને પૈસા ઊડાડવાની આદત નથી’
વાતચીતનો અંત લાવતા નુસરતે કહ્યું- ‘એટલા માટે જ આજે જો હું પૈસા ખર્ચું છું, તો તે દીલ ખોલીને વાપરું છું, જોકે હું બિનજરૂરી ખર્ચ નથી કરતી. મેં 8 રૂપિયાથી શરૂઆત કરી અને દિવસ પાણી પીને વિતાવ્યો છે. એટલા માટે આજે જ્યારે પણ પૈસા આવે છે, ત્યારે મારા મનમાં આ વિચાર આવે છે કે મારે તેને બચાવવા પડશે.