મીત ગોહિલ
રાજ્યમાં જુના કોમર્શીયલ વાહનોને સ્ક્રેપ કરવા માટે સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો છે જેમાં 8 વર્ષ જુના કોમર્શીયલ વાહનોને વાહન માલિક સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો વાહન પર રહેલા ટેકસ અને ચલણના બાકી લેણા માફ કરી આપવામાં આવશે.આ નિર્ણયની અમલવારી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે થી કરવામાં આવશે.
રાજ્યમાં ઉદ્યોગો તેમજ બંદરના કારણે કોમર્શીયલ વાહનોનું પરિવહન વધારે છે જુના વાહનો માર્ગો પર દોડતા હોય તેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે આ ઉપરાંત અગાઉ સરકાર દ્વારા સ્ક્રેપ પોલીસી લાગુ કરવામાં આવી હતી. જેમાં સરકારી વાહનો ફરજીયાત 15 વર્ષે સ્ક્રેપ કરાવવા સૂચના અપાઈ છે ત્યારે હવે કોમર્શિયલ વાહનો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.હાલમાં કોઈ પોતાના બસ, ટ્રક કે ડમ્પરનું આયુષ્ય જોઈ સ્ક્રેપ કરાવવા ઇચ્છે તો ટેક્સ,ચલણ સહિતના લેણા ક્લિયર કરાવવા પડે છે જેથી વાહનની ભંગાર કિંમત કરતા બમણી રકમ તો લેણા ચુકવવામાં થઈ જાય છે ત્યારે 1 મે 2025 થી ગુજરાતમાં લાગુ થનાર આ નવી સ્ક્રેપ પોલીસીમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વાહનની રજિસ્ટ્રેશન તારીખથી 8 વર્ષ થયાં હશે અને માલિક તેને સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો તેના રિકરિંગ વેરા,ઓનલાઇન ચલણ સહિતના આરટીઓના લેણા માફ થશે.આ બાબતે આગામી દિવસોમાં વિભાગ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે.આ નિર્ણયથી રાજ્યમાં વિવિધ સ્થળોએથી જુના કોમર્શીયલ વાહનો સ્ક્રેપમાં જતા નવા વાહનોની પણ ખરીદી થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સરકાર માન્ય કુલ 5 વાહન સ્ક્રેપ સેન્ટર | ગુજરાતમાં સરકાર માન્ય કુલ 5 વાહન સ્ક્રેપ સેન્ટર છે જેમાં 2 ખેડા તેમજ બાકીના અમદાવાદ, સુરત અને ભાવનગર અલંગ રોડ પર આવેલા છે.કચ્છ રાજ્યનો સૌથી વિશાળ તેમજ સૌથી વધારે ટ્રાન્સપોર્ટ વાહનો ધરાવતો જિલ્લો છે ત્યારે આ જિલ્લામાં સ્ક્રેપ સેન્ટર હોવુ જોઈએ તેવી માંગણી ઉઠી છે. { માત્ર કોમર્શીયલ વાહનોને આ યોજનાનો લાભ મળશે
{ વાહનના રજિસ્ટ્રેશનની તારીખથી 8 વર્ષ પૂર્ણ થવા જોઈએ { પોલીસ કે કોર્ટ કેસ ચાલુ હશે તો લાભ નહીં મળે
{ વાહન પર બેન્ક કે ફાઈનાન્સની લોન ચાલુ હશે તો પણ સ્ક્રેપ થઈ શકશે નહીં
{ વાહન પોલીસ કે આરટીઓ દ્વારા ડિટેઇન કરાયું હશે તો પણ લાભ નહીં મળે આ યોજના ખૂબ ટૂંકા સમય માટે જ અમલમાં રહેવાની છે જેથી કોઈ વાહન માલિક અથવા ટ્રાન્સપોર્ટરને સરકારની લેણા માફી યોજનાનો લાભ લેવો હોય તો પ્રથમ સંલગ્ન આરટીઓ કચેરીમાં જઈ વાહન સ્ક્રેપ કરવાનું છે તેમ જણાવી અરજી ફોર્મ ભરવાનું રહેશે નાણાં બેન્ક ખાતામાં ચુકવવામાં આવશે.