અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા થયેલી બેફામ ઉઘરાણીના અનેક આક્ષેપો વચ્ચે કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી નામના પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ છે. સ્પા સંચાલકો પાસેથી હપ્તા લઈ 1.3 કરોડની સંપતિનો કોન્સ્ટેબલ માલિક બન્યો હોવાની ACB અને સાયબર ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસ કમિશનરના આદેશ બાદ સાયબર ક્રાઈમ વિભાગે તેમની વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પત્નીના નામે પ્લોટ, મહારાષ્ટ્રમાં ત્રણ વીઘા જમીન, 26 લાખની FD અને અન્ય જમીન-ફ્લેટના પુરાવા મળ્યા બાદ હવે વિજય શ્રીમાળીની વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં કુલ રૂ. 1.3 કરોડની મિલકત એકઠી કરી
કોન્સ્ટેબલ વિજય શ્રીમાળીની મિલકત અને રોકાણની તપાસમાં એન્ટિ કરપ્શન બ્યુરો પણ જોડાયું હતું. તપાસના આધારે મળેલી માહિતી અનુસાર, વિજયે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ રૂ. 1.3 કરોડની મિલકત એકઠી કરી છે. જેમાં રૂ. 31.6 લાખની મિલકત તેમની આવક કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે, જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો ગણાય છે. વિજયે 20 વર્ષમાં આ મિલકત ભેગી કરી હોવાનું જાણવા મળ્યું છે. કેટલી મિલકત અને રોકાણ? અપ્રમાણસર મિલ્કત અને રોકાણ ખર્ચનું મૂલ્યાંકન રૂ. 1.3 કરોડ થાય છે, જેમાંથી રૂ. 31.6 લાખની મિલકત/રોકાણ વધુ છે એટલે કે 23.55 ટકા વધારે છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વિજય શ્રીમાળી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) અને 13(2) હેઠળ ગુનો નોંધાયો છે. નાયબ પોલીસ કમિશનર ઝોન-2ના સુપરવિઝન હેઠળ અને ‘એલ’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ તપાસ ચાલુ છે.