અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 19 એપ્રિલની રાતે સાઉથ બોપલમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા કારચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા બે યુવકને ઉડાવ્યા હતાં. રસ્તા પર ચાલીને જતા બંને યુવકો કારની ટકરે 50 ફૂટ સુધી ઢસડાયા હતા. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, બંને યુવકને ઈજા થઈ હતી અને હાલમાં બંનેની સ્થિતિ સામાન્ય છે. પૂરપાટ આવતો કારચાલક યુવકોને ટક્કર મારી ફરાર
સાઉથ બોપલમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે રાતના સમયે બે યુવક ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે બંનેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા બંને યુવક દૂર સુધી ઢસડાયા હતા. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી કાર લઈને નાસી ગયો હતો. બનાવની જાણ થતા બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી છે. હાલમાં બન્ને યુવકની સ્થિતિ સામાન્ય
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને યુવક મહારાષ્ટ્રના પૂણેથી પોતાના સંબંધીના ઘરે આવ્યા હતા. આ બંને યુવક ચાલતા જતા હતા, ત્યારે કારચાલકે તેમને ટક્કર મારી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સ્થિતિ સારી છે. બનાવ અંગે બોપલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. CCTVના આધારે કારચાલકની શોધખોળ
અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, અકસ્માત અંગે યુવકોની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.