વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ હુમલો કેન્દ્ર સરકારની સ્પષ્ટ નિષ્ફળતા દર્શાવે છે. ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો કે હુમલાના સ્થળે ઇન્ટેલિજન્સ એજન્સી, કેન્દ્રીય પોલીસ, આર્મી અને રાજ્ય પોલીસની હાજરી કેમ નહોતી. તેમણે કહ્યું કે આ હુમલામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે, તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. અનંત પટેલે સ્પષ્ટ કર્યું કે આતંકવાદી વિરુદ્ધની કાર્યવાહીમાં કોંગ્રેસ કેન્દ્ર સરકારની સાથે છે. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલાને કોઈ સંજોગોમાં સાંખી નહીં લેવાય અને તમામ પ્રકારની મદદ માટે કોંગ્રેસ તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદ વિરોધી નિવેદન અંગે તેમણે જણાવ્યું કે તમામ પક્ષો કેન્દ્ર સરકારની સાથે છે. જોકે, તેમણે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજ સુધી એ જાણી શકાયું નથી કે આરડીએક્સ ક્યાંથી આવ્યું હતું. તેમના મતે આવા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળવા જોઈએ.