જમ્મુ કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં સુરતના યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે વિનુભાઇ ડાભીને હાથમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા હતા, જેમને શ્રીનગરમાં સારવાર બાદ ભાવનગર લવાયા છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા વિનુભાઇ અને એમના પત્નીએ ત્યાં આંખો દેખી ઘટના દિવ્ય ભાસ્કર આગળ વર્ણવી છે. ‘દોડતો દોડતો જતો હતો ને પાછળથી ગોળી વાગી’
વિનુભાઇ ડાભીએ જણાવ્યું કે અમે ઘોડા પર બેસીને ઉપર ગયા હતા. ત્યાં જઇને ફોટા પાડીને અમે બેઠા હતા. ત્યાં પહેલો ભડાકો થયો, બીજો થયો અને ત્રીજો ભડાકો થયો એટલે મેં ગોવિંદભાઇને કીધું કે આ સામાન્ય ભડાકા નથી, ઊપડો અહીંથી, બાકી હાથોહાથ હાથમાં આવી જઇશું. આ બાદ અમે બધા ત્યાંથી ભાગવા માંડ્યા. ત્યાં તો ધડાધડ ફાયરિંગ થવા માંડ્યું અમે બધા છૂટા પડી ગયા. હું મારા ઘરનાને (પત્ની)ને શોધતો હતો. આમ અમે ગેટની બહાર નીકળ્યા ત્યાં મને પાછળથી એક ગોળી વાગી અને બીજી ગોળી ખભાને અડીને નીકળી ગઇ. ‘કંઇ સમજાતુ નહોતું, કંઈ દેખાતું જ નહોતું’
વિનુભાઇએ વધુમાં જણાવ્યું કે ચારેતરફ ભાગદોડ જ થતી હતી, મને કંઇ સમજાતું નહોતું, આમ કંઇ દેખાતું નહોતું. ત્યા બધા બૂમો મારતાં મારતાં ભાગતા હતા. જે લોકો ઉપર હતા એમને ગોળી વાગી. અમારી જોડે હતા એ બાપ-દીકરાને ગોળી વાગી એ હવે નથી રહ્યા. મને ગોળી વાગ્યા બાદ મને દવાખાને લઇ ગયા. ત્યા ઘણા અધિકારીઓ અને નેતાઓએ મુલાકાત લીધી. ખુદ અમિત શાહ મળવા આવ્યા હતા એમને મને કીધુ કે કોઇને મૂકીશું નહીં. અમે તંત્રનો આભાર માનીએ છીએ. ‘દોડતાં દોડતાં મારા પતિ મારાથી છુટ્ટા પડી ગયા’
વિનુભાઇ ડાભીના પત્ની લીલીબેને જણાવ્યું કે અમે મોરારિબાપુની સપ્તાહમાં ગયા હતા, સપ્તાહ પૂરી થયા બાદ અમે ફરવા ગયાં હતાં. અમે ઉપર ચડ્યાને સૂકો માવો ખાઇને ફોટા પડતા હતા ને ગોળીઓનો અવાજ આવ્યો તો મારા ઘરના (પતિ)એ કહ્યું કે આ અવાજ શેનો આવે છે ગોવિંદભાઇ? તો આપણે શું કરીશું.. આ બાદ અમે દોડવા માંડ્યા… ચારેબાજુ ભડાકા જ થતા હતા. મારા ઘરના મારાથી છુટ્ટા પડી ગયા. ઝાડીમાંથી અવાજ આવતો હતો, કંઇ દેખાતું જ નહોતું. ‘ભેગા થયા તો કીધું મનેય ગોળી વાગી ગઇ છે’
લીલીબેને આંખોમાં આંસુ સાથે જણાવ્યું કે અમે દોડતાં દોડતાં છુટ્ટા પડી ગયા ને ભેગા થયા ત્યારે આમણે મને કીધું કે મનેય ગોળી વાગી ગઇ છે. મહાદેવનું નામ લેતાં લેતાં અને રડતાં રડતાં અમે દોડતાં હતાં. પછી અમે આર્મીને મળ્યા ને આમને દવાખાને લઇ ગયા. ત્યાં ચારેબાજુ બધા રોતા હતા, મહિલાઓ મારા હસબન્ડ..મારા હસબન્ડ કરતી કરતી રોતી હતી. ‘સ્મિતને ગોળી વાગતાં મેં મારી નજરે જોઇ’
રડતા રડતા લીલીબેને વધુમાં કહ્યું કે, મારા પતિને આર્મીવાળા દવાખાને લઇ ગયા ને અમને બહાર બેસાડ્યા હતા. જે બાપ-દીકરો મૃત્યુ પામ્યા એ કાજલ બહેન અમારી પાછળ નીચે આવ્યા હતા. સ્મિતને ગોળી વાગતા મેં મારી નજરે જોઇ..એેને જેવી ગોળી વાગી કે તરત છાતી દબાવીને નીચે બેસી ગયો.. જોવાતું નહોતું એવી પરિસ્થિતિ હતી. અમે સરકારનો આભાર માનીએ છીએ કે અમને વતન પહોંચાડ્યા.. હજી મારા શરીરમાંથી ધ્રુજારી નથી જતી. આતંકી હુમલામાં પિતા-પુત્રનાં મોત
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ પણ સામેલ હતા, જેઓ મંગળવારના હુમલા બાદ ગુમ હતા. બુધવારે જ્યારે મૃતકોનું લિસ્ટ આવ્યું ત્યારે બંનેના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી હતી. ફાયરિંગની આ દુર્ઘટનામાં ભાવનગરના વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી ઘાયલ થયા હતા. પિતા હેર સલૂન ચલાવતા, પુત્ર અભ્યાસ કરતો
મુળ પાલિતાણાના અને ભાવનગરમાં રહેતા 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર કાળિયાબીડ વિસ્તારમાં હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ સ્મિતની સ્કૂલમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ગઇકાલે (ગુરુવારે) મૃતક યતીશભાઇ અને સ્મિતની અંતિમયાત્રા નીકળી હતી. જ્યારે પાલિતાણાવાસીઓએ સજ્જડ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પણ વાંચો: આતંકીએ ગોળી મારી’ને મારા પતિ મારા ખોળામાં પડ્યા આ પણ વાંચો: સાહેબ, સાવ નજીક આવીને સ્મિતને ગોળી મારી દીધી આ પણ વાંચો: 26 પ્રવાસીઓની હત્યા કરીને 5 આતંકવાદીઓ ક્યાં ગાયબ થયા