ઇમરાન હાશ્મી પોતાની ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ દ્વારા કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ બીએસએફના સૌથી મોટા મિશનને પડદા પર લાવ્યો છે. આ ફિલ્મમાં તેણે બીએસએફ અધિકારી નરેન્દ્ર નાથ ધર દુબેની ભૂમિકા ભજવી હતી. બે વર્ષના લાંબા મિશન બાદ, નરેન્દ્ર નાથ ધર દુબેના નેતૃત્વમાં BSF એ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના કમાન્ડર ગાઝી બાબાને મારી નાખ્યો. તાજેતરમાં આ ફિલ્મ ત્રણ દાયકા પછી કાશ્મીરમાં પ્રીમિયર થઈ. પહેલગામ હુમલાના એક દિવસ પહેલા ઇમરાને દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. આ દરમિયાન, એક્ટરે તેના પાત્રની તૈયારીઓ, કાશ્મીરમાં ફિલ્મ પ્રીમિયર અને BSF સૈનિકો તરફથી મળેલા ટેકા વિશે વાત કરી. ઇન્ટરવ્યૂના મુખ્ય મુદ્દાઓ વાંચો… પ્રશ્ન: સૌ પ્રથમ,એ જણાવો કે તમારા માટે ‘ગ્રાઉન્ડ ઝીરો’ શું છે? ‘છેલ્લાં 50 વર્ષમાં આપણા બીએસએફના બહાદુર સૈનિકોનું સૌથી મહત્ત્વનું મિશન ગ્રાઉન્ડ ઝીરો રહ્યું છે. આપણા દેશના નાગરિકોની સુરક્ષા માટે આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે એ જરૂરી મિશન હતું. વર્ષ 2000માં, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે અથડામણ થઈ હતી. તે સમયે, અટલ બિહારી વાજપેયી સરકારે પરિસ્થિતિને રેડ એલર્ટ જાહેર કરી હતી અને તમામ સુરક્ષા દળોને કહ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ગાઝી બાબાને કોઈક રીતે પકડવો પડશે. જૈશ એ મોહમ્મદ સંગઠનનો નાશ કરવો જ પડશે અને નક્કી થયું કે,ગાઝી બાબાને કોઈપણ કિંમતે પકડવો જ પડશે.’ ‘એક એક્ટર તરીકે, મને લાગે છે કે આખી ટીમના ખભા પર આ એક જવાબદારી હતી. અમે સ્ક્રીન પર એક એવી ક્ષણ બતાવી રહ્યા છીએ જે આપણા ઇતિહાસમાં એક નિર્ણાયક રહી છે. ‘ગ્રાઉન્ડ ઝીરો’ સિનેમેટિક રીતે આપણા BSFના સૈનિકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ એક એવી વાર્તા છે જે દરેક ભારતીયે જાણવી જોઈએ.’ પ્રશ્ન: BSFનું પરાક્રમ પહેલી જ વાર ફિલ્મી પડદે આવી રહ્યું છે. જ્યારે તમને પહેલી વાર આ વાર્તા કહેવામાં આવી ત્યારે તમને કેવું લાગ્યું? ‘જ્યારે તેજસે (તેજસ પ્રભા,આ ફિલ્મના ડિરેક્ટરે) મને પહેલી વાર આ વાર્તા કહી, ત્યારે મને તેનુ સત્ત્વ સમજાયું. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ તેને પ્રોડ્યુસ કરી રહ્યું હોવાથી, મને ખાતરી હતી કે તે કોઈપણ પ્રકારના દંભી કે બિનજરૂરી દેશભક્તિના સ્વરમાં રજૂ થશે નહીં. ખુશીની વાત એ હતી કે તેજસ પણ આ જ દૃષ્ટિથી જ ફિલ્મ જોઈ રહ્યો હતો. હા, ફિલ્મ મનોરંજક અને નાટ્યાત્મક હોવી જોઈએ.રિયલ ડ્રામા તો અસલ ઘટનાક્રમમાં છે.’ ‘જે રીતે BSFએ બે વર્ષ સુધી આ ઓપરેશનનું પ્લાનિંગ કર્યું હતું, તે ઓપરેશન દરમિયાન બનેલી રોમાંચક ઘટનાઓ આજે ય આપણાં રૂંવાડાં ઊભાં કરી દે છે. તેને એ જ અસલ સ્વરૂપમાં સત્યના રણકા સાથે બનાવવી ખૂબ જ જરૂરી હતી, જે અમે કર્યું છે. જ્યારે તમે તેને સ્ક્રીન પર જોશો, ત્યારે તમે તેને અનુભવી પણ શકશો.’ પ્રશ્ન- ફિલ્મની વાર્તા BSF અધિકારી નરેન્દ્ર નાથ ધર દુબે વિશે છે. તેની વાર્તા પોતે જ ખૂબ જ ફિલ્મી છે. તમારી પ્રતિક્રિયા શું હતી? ‘હા, જ્યારે હું વાર્તા સાંભળી રહ્યો હતો, ત્યારે હું વારંવાર તેની હકીકત ચકાસી રહ્યો હતો. હું લેખકને પૂછી રહ્યો હતો કે શું ખરેખર આવું બન્યું છે. જ્યારે આ વાર્તા લખાઈ રહી હતી, ત્યારે દુબેજી અને બીએસએફ અધિકારીઓ લેખકના સંપર્કમાં હતા. આવી સ્થિતિમાં, વાર્તામાં દરેક વસ્તુને તથ્ય તપાસ અને સંશોધન સાથે સમાવવામાં આવી છે. આ પોતે જ અદ્ભુત છે.’ ‘જો તમે મીડિયામાં ગાઝી બાબા એન્કાઉન્ટર વિશે વાંચ્યું હોય, તો તે ખૂબ જ અલગ સ્તરનું હતું. દુબેજીએ બે વર્ષ શું કર્યું, તેનું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવ્યું, તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે પણ એક રસપ્રદ પ્રકરણ છે. અમે આ બધું ફિલ્મમાં બતાવ્યું છે.’ પ્રશ્ન- આ મિશનને BSFના ઇતિહાસમાં સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, આ સમગ્ર મિશન દરમિયાન કોઈ નાગરિકનો જીવ ગયો નહોતો. ‘હા, નાગરિકો તરીકે આપણે જાણીએ છીએ કે BSFએ આ મિશન દરમિયાન ઘણાં બલિદાન આપ્યાં છે. આ પરાક્રમનું પુનરાવર્તન કરવું અને તેને પ્રેક્ષકો સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે. પ્રેક્ષકો માટે એ જાણવું જરૂરી છે કે સૈનિકો ફક્ત પોતાના જીવનનું જ નહીં પરંતુ તેમના પરિવારોનું પણ બલિદાન આપે છે. સૈનિકનો પરિવાર પણ એક હીરો છે.’ ‘2000 થી 2003 નાં વર્ષો દરમિયાન, જૈશ એ મોહમ્મદ સંગઠને આપણા દેશમાં આતંક ફેલાવ્યો હતો. આ મિશન પછી તે તેર વર્ષ સુધી અસ્થિર રહ્યું. આ મિશનની ખૂબ જ સકારાત્મક અસર પડી. ત્યારબાદ તેણે 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલાની યોજના બનાવી હતી.’ પ્રશ્ન: BSF અધિકારીની ભૂમિકા ભજવવી કેવી પડકારજનક હતી? તમારા માટે આ પ્રક્રિયા કેવી રહી? ‘મારી પ્રક્રિયા એવી હતી કે મારે પાછળની વાર્તા દર્શકો સમક્ષ સંપૂર્ણ જોશ સાથે રજૂ કરવાની હતી. હું આભારી છું કે આખી ટીમ અને આપણા BSF અધિકારીઓએ આમાં મોટી ભૂમિકા ભજવી છે. તે સમગ્ર મિશન દરમિયાન દુબેજી શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે કઈ સ્થિતિમાં હતા તે મેં વિગતવાર સમજ્યું.’ ‘અમે BSF તાલીમ શિબિરમાં 15 દિવસ શૂટિંગ કર્યું. અમે સૈનિકો સાથે વાતચીત કરતા હતા. અમારા શૂટિંગ દરમિયાન BSF અધિકારીઓ હાજર હતા અને તેમણે અમને બધું જ શીખવ્યું. તેઓ કેવી રીતે સલામ કરે છે, તેઓ ટોપી કેવી રીતે પહેરે છે, ગણવેશની સજાવટ શું છે. આ બાબતોએ ફિલ્મમાં વિશ્વસનીયતા લાવી. હકીકતમાં, ક્લાઇમેક્સ સીન માટે, તેમણે એક અસલી ગ્રેનેડ પણ આપ્યો.’ પ્રશ્ન- ત્રણ દાયકા પછી કાશ્મીરમાં કોઈ ફિલ્મનો પ્રીમિયર થયો. ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. તમને કેવું લાગ્યું? ‘એ ક્ષણ મારી આંખોમાં આંસુ લાવવા માટે પૂરતી હતી. 38 વર્ષ પછી, મારી ફિલ્મ પ્રદર્શિત થઈ અને ત્યાં રેડ કાર્પેટ ઇવેન્ટ યોજાઈ. બે દાયકા પહેલાં ત્યાંના એક થિયેટરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ક્ષણ આવવામાં ઘણો સમય લાગ્યો. પણ હવે ત્યાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. અમે શ્રીનગરમાં 40 દિવસ શૂટિંગ કર્યું અને અમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહીં. ત્યાંના લોકો ખૂબ જ સારા છે અને નમ્રતાથી વર્તે છે.’ ‘હું ઈચ્છું છું કે ઉદ્યોગના વધુ ને વધુ લોકો ત્યાં જાય અને શૂટિંગ કરે અને ત્યાં વધુ ફિલ્મો રિલીઝ થાય. હાલમાં ત્યાં ફક્ત એક જ થિયેટર છે. હું ઈચ્છું છું કે ત્યાં વધુ થિયેટરો ખૂલે જેથી લોકો સિનેમા હોલમાં જઈ શકે અને આનંદ માણી શકે. જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે તે એક સાંસ્કૃતિક ઘટના બની જાય છે. હું ઈચ્છું છું કે આ શહેર પહેલાંની જેમ ફરીથી સિનેમેટિક હબ બને.’ પ્રશ્ન: તમે તમારા સંવાદમાં એમ પણ કહ્યું છે કે, તમે અહીંના લોકોની વિચારસરણી બદલવા માગો છો. ‘હા, આ બધું વિચારધારાનો ખેલ છે. મને લાગે છે કે ધીમે ધીમે બધું બદલાશે. રાતોરાત કંઈ બદલાતું નથી. હું આખા ઉદ્યોગ માટે બોલી શકતો નથી પણ હું મારા ઉદ્યોગ વિશે એટલું જ કહીશ કે, જો આપણો હેતુ તે સ્થાનને જૂના રસ્તે પાછું લાવવાનો હોય તો તેના માટે આપણે નાનાં પગલાં ભરવાં પડશે.’ પ્રશ્ન- ઇમરાન, ‘ગ્રાઉન્ડ ઝીરો’ બનાવવામાં 9 વર્ષ લાગ્યાં. આ સમય દરમિયાન તમારા માટે શું પડકારજનક અને યાદગાર હતું? ‘પડકાર એ હતો કે અમે BSF અધિકારી દુબેજીને પડદા પર સાકાર કરી રહ્યા હતા, જે ખૂબ મોટી જવાબદારી હતી. આમાં સંપૂર્ણ મહેનત અને સમર્પણની જરૂર પડી. શૂટિંગ શરૂ કરતાં પહેલાં પ્રી-પ્રોડક્શનનું કામ ખૂબ જ કપરું હતું. હકીકત તપાસવી અથવા સંશોધન આધારિત સામગ્રી એકઠી કરવી એ ક્રૂ માટે પડકારજનક હતું.’ ‘સૌથી યાદગાર ક્ષણ વિશે વાત કરીએ તો, શૂટિંગ શરૂ થાય તે પહેલાં અમે BSF કેમ્પ ગયા હતા. ત્યાં અમે તેમની પાસેથી હથિયાર ચલાવવાથી લઈને બીજી બધી બાબતોની તાલીમ લીધી. તેમના જીવન વિશે જાણ્યું. તે ખૂબ જ ફાયદાકારક હતું કારણ કે, પછી અમે બધા પાત્રોમાં પ્રવેશી ગયા. તાલીમ શિબિરમાં, અમારે BSF અધિકારીઓ સાથે વાતચીત કરવાની હતી. અમે તેમની પાસેથી ઘણું શીખ્યા.’ પ્રશ્ન: લોકોને તમારી ફિલ્મોમાં સંગીત માટે ઘણી અપેક્ષાઓ હોય છે. ‘ગ્રાઉન્ડ ઝીરો’માં કેવા ફેરફારો થયા છે? ‘મને લાગે છે કે મારી ફિલ્મોને સારાં ગીતો સાથે અતૂટ સંબંધ છે. મારા મનમાં એક જાગૃતિ છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે ગીતો ઉત્તમ હોવાં જોઈએ. જોકે, મારી આ ફિલ્મ એવી નથી કે જેમાં 5-6 ગીતો હોય. આ કોઈ લવ સ્ટોરી ફિલ્મ નથી. મેં ગયા વર્ષે એક્સેલની ટીમ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે આપણે સારાં ગીતો બનાવવાની જરૂર છે. એટલા માટે તમને બેકગ્રાઉન્ડમાં ‘ફતેહ…’ ‘સો લેને દે…’ જેવાં ગીતો સંભળાય છે.