દિવંગત એક્ટર ઓમ પુરીની એક્સ પત્ની અને ફિલ્મ નિર્માતા-લેખિકા સીમા કપૂર આ દિવસોમાં તેમની બાયોગ્રાફી ‘યૂં ગુજરી હૈ અબ તક’ માટે સમાચારમાં છે. આ દરમિયાન તેમણે ઓમ પુરી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું કે- ઓમ પુરીએ મને ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું. પરંતુ તે પોતાના અંતિમ વર્ષોમાં જે દુઃખ અને અપમાન સહન કરતા હતા તે ભોગવવાને લાયક નહોતા. ગલાટા ઈન્ડિયા સાથે વાત કરતા સીમા કપૂરે કહ્યું, જ્યારે તમારી નજીકની કોઈ વ્યક્તિ કંઈક ખોટું કરે છે, ત્યારે તમને પણ તેમના કાર્યો પર શરમ આવે છે. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું. જ્યારે પુરીજીએ મને છોડીને ફરી લગ્ન કર્યા, ત્યારે દુઃખી થવા ઉપરાંત, મને શરમ પણ આવતી હતી. જોકે, મીડિયામાં પુરીજી વિશે ઘણું સારું અને ખરાબ લખાયું અને કહેવામાં આવ્યું. પણ કોઈએ અમારા સંબંધને સમજવાનો પ્રયાસ ન કર્યો. જ્યારે પુરીજી મને છૂટાછેડા આપવા માટે કોર્ટમાં ગયા, ત્યારે પણ મેં તેમની વિરુદ્ધ એવું કંઈ કહ્યું નહીં જેનાથી તેમનો આદર ઓછો થાય. મેં ક્યાંય કોઈ ઇન્ટરવ્યૂ પણ આપ્યો નથી. આજે પુરીજી પોતાનો પક્ષ રજૂ કરવા માટે આપણી વચ્ચે નથી. આવી સ્થિતિમાં, આપણી જવાબદારી વધુ વધી જાય છે કે આપણે એવું કંઈ ન કહીએ જેનાથી આપણે આપણી આંખોમાં જોઈ ન શકીએ. સીમાએ કહ્યું, હું 1979માં ઓમ પુરીજીને મળી હતી. મારા મોટા ભાઈ રણજીત કપૂર કોમેડી નાટક ‘બિચ્છુ’ કરી રહ્યા હતા. ઓમ પુરીજી તેમાં કામ કરવા આવ્યા હતા. ઓમજીને લાગતું હતું કે તેઓ કોમેડી નહીં કરી શકે, પણ રણજીતભાઈને વિશ્વાસ હતો કે તેઓ ખૂબ સારી કોમેડી કરી શકશે. તે નાટક પછી, ઓમ પુરીએ ‘જાને ભી દો યારો’ જેવી કોમેડી ફિલ્મોમાં કામ કર્યું. ઓમજી મારા મોટા ભાઈના મિત્ર હતા અને મારાથી 10 વર્ષ મોટા હતા. મને તેમનો કેરિંગ નેચર ગમ્યો, પણ તે સમયે મારા દીલમાં કોઈ પ્રેમની કોઈ લાગણી નહોતી. ધીમે ધીમે અમે મિત્રો બન્યા અને પછી અમને પ્રેમ થયો. જ્યારે મારા પિતા આ દુનિયામાં નહોતા, ત્યારે ઓમજી તેમના પિતા સાથે લગ્ન નક્કી કરવા માટે અમારા ઘરે આવ્યા હતા. અમારા લગ્ન 1990માં થયા. સીમાએ આગળ કહ્યું, આ પછી પુરીજીના જીવનમાં બીજી સ્ત્રી (નંદિતા પુરી) આવી. એટલા માટે તે મારાથી અલગ થવા માંગતા હતા. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. જ્યારે પુરીજીએ અલગ થવાની વાત કરી ત્યારે હું પ્રેગ્નટ હતી. તે સમયે, મેં મારા પ્રેમ અને મારા ભાવિ બાળકને પણ ગુમાવ્યું. એ દુઃખમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. પણ મારી માતાને જોયા પછી મેં મારી જાતને કાબૂમાં રાખી. પછી મેં મારી જાતને મારી કારકિર્દીમાં વ્યસ્ત રાખી. કદાચ ભગવાન મને મજબૂત બનાવવા માગતા હતા, તેથી જ તેમણે મને આટલું બધું દુઃખ આપ્યું. 35 વર્ષ પહેલાં સ્ત્રી માટે છૂટાછેડા લેવાનું એટલું સરળ નહોતું. પણ તૂટી પડવાને બદલે, મેં મારી જાતને મજબૂત બનાવી અને જીવનમાં નવા રસ્તા શોધ્યા. સીમાએ કહ્યું, તેમના (ઓમ પુરી) જીવનના છેલ્લા દસ વર્ષ ખૂબ જ દુઃખદ હતા. તે ક્યારેય તેમને લાયક નહોતા. તેમણે પોતાના જીવનમાં ખૂબ જ મહેનત કરી. પોતાના આદર્શો સાથે સમાધાન કર્યા વિના લડ્યા. સીમા કપૂરે કહ્યું, મેં ક્યારેય અમારા સંબંધોમાં રહેલી સમસ્યાઓ જાહેર કરી નથી. હું પોતે તેમને છોડીને ચાલી ગઈ હતી. અને જ્યારે તેમણે માફી માગી, ત્યારે મેં તેમને માફ કરી દીધા. માફી માંગવા માટે મોટું દીલ જોઈએ. જ્યારે મેં તે સમયે તેમની બદનામી કરી ન હતી, તો હવે હું શા માટે કરું? લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં
સીમા કપૂરે 1991માં ઓમ પુરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન એક વર્ષથી પણ ઓછા સમય સુધી ટકી શક્યા હતા. બાદમાં ઓમ પુરીએ છૂટાછેડા માટે અરજી કરી અને પત્રકાર નંદિતા પુરી સાથે લગ્ન કર્યા. જોકે, 14 વર્ષ પછી તેમનો સીમા કપૂર સાથે સંબંધ ફરી શરૂ થયો અને 2017માં તેમના મૃત્યુ સુધી બંને વચ્ચે ગાઢ સંબંધ રહ્યા.