ગાંધીનગરના સેક્ટર 4માં સિલિન્ડર બ્લાસ્ટ દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા ફાયરમેન રણજીતજી કાન્તીજી ઠાકોરના પરિવારને મહાનગરપાલિકા તરફથી મોટી આર્થિક સહાય મળી છે. મહાનગરપાલિકાએ 10 લાખની સહાય જાહેર કરી છે. મેયર મીરાબેન પટેલે વ્યક્તિગત રીતે 1 લાખની સહાય આપી છે. ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે 51,000ની સહાય આપી છે. કેટલાક કાઉન્સિલરોએ એક મહિનાનો પગાર શહીદના પરિવારને આપ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે 6,65,900 રૂપિયાનું યોગદાન આપ્યું છે. કુલ મળીને પદાધિકારીઓ, કાઉન્સિલરો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 25 લાખથી વધુની રકમ શહીદના પરિવારને તુલસીપત્ર તરીકે અર્પણ કરવામાં આવી છે. આજે શહીદ રણજીતજી ઠાકોરના બેસણા પ્રસંગે મેયર મીરાબેન પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાનગરપાલિકાએ શહીદના પરિવારની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.