શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને લઈને આજે 25 એપ્રિલના રોજ શુક્રવારે રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસજી હાઇવે ઉપર કર્ણાવતી ક્લબની સામે આવેલા ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેકસ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ, ગજાનંદ પૌંઆ હાઉસ સહિતની 12 દુકાનોને સીલ મારવામાં આવી છે. આ દુકાનોમાં આવનારા તમામ ગ્રાહકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે અવારનવાર દુકાનોના માલિકને સૂચના આપી હોવા છતાં પણ કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા રોડ ઉપર વાહન પાર્કિંગ થતા હોવાના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. 12 દુકાનોને પાર્કિંગ મામલે સીલ કરી દેવામાં આવી
મળતી માહિતી મુજબ તા. 25/04/2025ના રોજ દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા SG હાઈવે પર કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેકસ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ, ગજાનંદ પૌંઆ હાઉસ વગેરે દુકાનમાં આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિત તેમજ વારંવાર મૌખિક સૂચનાઓ આપવા છતાં વાહનોના પાર્કિંગ માટે તેઓ દ્વારા આપેલ બાંહેધરી મુજબ વ્યવસ્થા કરવામાં આવી ના હોવાથી વાહનોના પરિવહનમાં સરળતા રહે તેના માટે દુકાનોને સીલ કરવામાં આવી છે. પાર્કિંગ નહીં હોય તો કાર્યવાહી થશે
એસ જી હાઇવે ઉપર કર્ણાવતી ક્લબની સામે દરરોજ સાંજે ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા થાય છે. સર્વિસ રોડ ઉપર બંને તરફથી વાહનોની ખૂબ જવાર થાય છે અને 100 મીટર સુધી વાહનોનો ખડકલો થઈ જતો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. લોકો રોડ ઉપર જ વાહનો મૂકીને જતા રહેતા હોવાના કારણે એસ્ટેટ વિભાગ દ્વારા આ રીતની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના દરેક વિસ્તારમાં ખાણીપીણીની અનેક દુકાનો આવેલી છે જેમાં લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકીને જતા રહે છે. દુકાનોમાં આવનારા ગ્રાહકો માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા હોતી નથી અનેક કોમ્પ્લેક્ષોમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ નથી, ત્યારે હવે આવી દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે.