વિજાપુર તાલુકાના નવા દેવપુરા અને મણિપુરા ગામે રહેતા કાકા-ભત્રીજાને રૂપિયાનો વરસાદ કરી આપવાની લાલચ આપી સ્મશાનમાં વિધિ કરવાના બહાને બંને પાસે લાખો રૂપિયાનો ધૂપ મગાવવો પડશેનું કહી રાજકોટના ભૂવા અને તેના ડ્રાઇવરે રૂ.14.40 લાખની છેતરપિંડી કરી હતી. એક વર્ષ બાદ ભૂવો પકડાઈ ગયા પછી વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, સ્મશાનમાં વિધિના નામે રૂપિયા લઈ ગયા બાદ ગુમ થઈ ગયેલો ભૂવો સ્મશાનમાં દેવપુરાના કાકાને નજરે પડયા બાદ તેને પકડવા જતાં તે નાસી ગયો હતો. પરંતુ, ડ્રાઇવર પકડાઈ જતાં સમગ્ર તાંત્રિકવિધિનો ખેલ બહાર આવ્યો હતો. નવા દેવપુરા ગામના ભરતભાઈ બળદેવભાઈ પટેલ એપ્રિલ 2021માં ગાંભોઈ તાલુકાના ગૌતમ પંચાલને ત્યાં ગાયો લેવા ગયા હતા ત્યારે ગૌતમે તેમને હું પૈસાનો વરસાદ કરવાનું કામ કરું છું તેમ કહીને રૂ.200 અને 100ની નોટોનો વરસાદ કરી રૂ.7000 આપ્યા હતા. મારા ગુરુ આનાથી પણ વધારે પૈસાનો વરસાદ કરી આપશે કહેતાં ભરતભાઈ તૈયાર થઈ ગયા હતા. બાદમાં ગૌતમે તેના ગુરુ કમલેશ ઉર્ફે મહાકાલ મનુભાઈ જોશી સાથે મુલાકાત કરાવતાં કમલેશે પોતે સ્મશાનમાં વિધિ કરી બાબરા ભૂતને પ્રસન્ન કરે છે અને પૈસાનો વરસાદ કરાવે છે. તેના માટે ધૂપની જરૂર પડે છે અને જો તમારે પૈસાનો વરસાદ કરાવવો હોય તો લાવવો પડશે, જેના 5 લાખ રૂપિયા થાયનું કહેતાં તેમણે 5 લાખ રોકડા આપ્યાં હતાં. તે સમયે તેમની સાથે તેમનો ડ્રાઇવર હર્ષ ઉર્ફે હિરન હસમુખભાઈ વરિયા પણ હતો. આ બાબતે ભરતભાઈએ મણિપુરામાં રહેતા તેમના ભત્રીજા પીયુષ રાજુભાઈ પટેલને મહાકાલ પૈસાનો વરસાદ કરે છે તેવી વાત કરી તેનો પણ સંપર્ક કરાવ્યો હતો. ભૂવા કમલેશ ઉર્ફે મહાકાલે ફોન કરી ફરીથી ધૂપ લાવવો પડશેનું કહેતાં તેમણે 2 લાખનું આંગડિયું કરાવ્યું હતું. પીયુષભાઈ પાસે પણ પૈસાનો વરસાદ કરવા માટે રૂ.5.50 લાખ મગાવ્યા હતા. 15 દિવસ પછી ભરતભાઈ અને પીયુષ બંનેને મહાકાલે દેવપુરા સ્મશાનમાં બોલાવ્યા હતા. તેઓ રાતના 12 વાગે સ્મશાનમાં ગયા ત્યારે મહાકાલ બેઠેલો હતો. જ્યાં તેણે વિધિ કરી લોક મારેલો એક થેલો આપ્યો અને ત્રણ દિવસ પછી થેલો ખોલવા કહ્યું હતું. ત્રણ દિવસ બાદ મહાકાલનો ફોન આવ્યો અને દોઢ લાખ મોકલો અને પછી જ થેલો ખોલજો તો જ પૈસા નીકળશેનું કહેતા તેમણે વધુ રૂ.1.50 લાખ રાજકોટ મહાકાલના નામથી આંગડિયું કર્યું હતું. ત્યારબાદ તેમણે ઘરે જઈને થેલાનું લોક ખોલતાં તેમાંથી કાગળ નીકળ્યાં હતાં. મહાકાલને ફોન કરતાં તેણે ઓકે મેં સુધારતા હું તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. દરમિયાન ગુરુવારે 24 એપ્રિલે તેમના ગામમાં એક ભાઈનું મૃત્યુ થયું હોવાથી ભરતભાઈ સ્મશાનયાત્રામાં દેવપુરા સ્મશાનમાં ગયા હતા. જ્યાં સવારે 10 વાગે તેમણે મહાકાલને જોઈ બૂમ પાડતાં તે ભાગી ગયો હતો. પરંતુ, સાથે આવેલા ડ્રાઇવર હર્ષ ઉર્ફે હિરન હસમુખભાઈ વરિયાને ગાડી સાથે પકડી પાડ્યો હતો. તેમની સાથેના ભાવેશ પટેલની ઓફિસે લઈ જઈ મહાકાલને ફોન કરીને બોલાવ્યો પણ તે આવ્યો નહીં. જેથી તેઓ હર્ષને લઈ વીજાપુર પોલીસ સ્ટેશને ગયા હતા. જ્યાં ત્રણેય સામે રૂ.14.40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહાકાલના ડ્રાઇવર હર્ષ વરિયાની ધરપકડ કરી અન્ય બે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પૈસાનો વરસાદ કરવાનું કહી છેતરતી ટોળકી { ગૌતમ પંચાલ (રહે.ગાંભોઈ, તા.હિંમતનગર) { કમલેશ ઉર્ફે મહાકાલ મનુભાઈ જોશી (રહે.પુષ્કરધામ એપાર્ટમેન્ટ, રાજકોટ) { હર્ષ ઉર્ફે હિરન હસમુખભાઈ વરિયા (રહે. મચ્છુનગર શેરી, કોઠારિયા-ગોંડલ રોડ, રાજકોટ)