દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચારનો કાળો કેર વધુ એકવાર બેફામ બન્યો છે. દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કામોમાં ભયંકર ગેરરીતિ અને કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર મામલે ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બળવંતભાઈ મેરજીભાઈ પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન થયા છે. આ ઘટનાએ દેવગઢ બારીઆના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત તથા કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે. ફરિયાદ નોંધાતાં જ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા એજન્સીઓના માલિકો અને મનરેગા યોજનાના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. અધૂરાં કામો, નકલી દસ્તાવેજો અને કરોડોની લૂંટ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કુવા અને રેઢાણા ગામો તેમજ ધાનપુર તાલુકાના સીમામોઈ ગામમાં 1 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન મનરેગા યોજના હેઠળ થયેલા સામૂહિક કામોની તપાસમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે. આ કામોમાં રસ્તાઓ, ચેકડેમ, સીસી રોડ અને અન્ય જનકલ્યાણના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે: અધૂરાં કામોની પૂર્ણતાના ખોટા પ્રમાણપત્રો: સ્થળ પરની તપાસમાં મોટા ભાગનાં કામો અધૂરાં હોવાનું જણાયું, છતાં ખોટા પૂર્ણતા પ્રમાણપત્રો (કમ્પ્લીશન સર્ટિફિકેટ) અને બનાવટી દસ્તાવેજો રજૂ કરીને એજન્સીઓને સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી. બિનઅધિકૃત એજન્સીઓને ચૂકવણી: મનરેગા યોજના હેઠળ માલસામાન સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ન લેનારી અથવા L1 (સૌથી ઓછી બોલી ધરાવનાર) ન હોવા છતાં બિનઅધિકૃત એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. આ એજન્સીઓએ કાયદેસર રીતે સપ્લાયની હકદાર ન હોવા છતાં સરકારી નાણાં હડપ કર્યાં. અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત: સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓએ એજન્સીઓ સાથે મિલીભગત કરી, પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું. આ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેનો ખોટા ઉપયોગ કરવામાં આવ્યો. કામોની હકીકત: કુવા ગામ: 41 સામૂહિક કામોમાં 25,066 મીટર રસ્તા બનાવવાના હતા, પરંતુ માત્ર 15,176 મીટર રસ્તા બન્યા. 9,890 મીટર રસ્તા બન્યા જ નથી, છતાં પૂર્ણ ચૂકવણી કરાઈ. રેઢાણા ગામ:33 સામૂહિક કામોમાં 16,832 મીટર રસ્તા બનાવવાના હતા, પરંતુ માત્ર 10,091 મીટર રસ્તા બન્યા. 6,741 મીટર રસ્તા અધૂરા રહ્યા. સીમામોઈ ગામ:38 સામૂહિક કામોમાં 19,200 મીટર રસ્તા બનાવવાના હતા, પરંતુ માત્ર 3,492 મીટર રસ્તા બન્યા. 15,708 મીટર રસ્તા બન્યા નથી. ચૂકવણીની ગેરરીતિઓ: કરોડોની લૂંટ કુવા ગામ: વિવિધ એજન્સીઓને માલસામાન સપ્લાય માટે રૂ. 337.96 લાખની ચૂકવણી કરાઈ, જેમાંથી રૂ. 180.16 લાખ બિનઅધિકૃત એજન્સીઓને ચૂકવાયા. રેઢાણા ગામ:33 કામો માટે રૂ. 318.08 લાખની ચૂકવણી થઈ, જેમાંથી રૂ. 180.16 લાખ બિનપાત્ર એજન્સીઓને આપવામાં આવ્યા. સીમામોઈ ગામ: શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની, પીપેરોએ રૂ. 528.77 લાખના બિલો મેળવ્યા, પરંતુ મોટા ભાગનાં કામો અધૂરાં જોવા મળ્યા. દેવગઢ બારીઆમા બિનઅધિકૃત એજન્સીઓએ કુલ રૂ. 60.90 કરોડના બિલો મેળવ્યા. ધાનપુરમા બિનઅધિકૃત એજન્સીઓએ કુલ રૂ. 10.10 કરોડના બિલો હડપ કર્યા. સંડોવાયેલી બિનઅધિકૃત એજન્સીઓ દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં બિનઅધિકૃત એજન્સીઓએ મનરેગા યોજનાના નાણાં ગેરકાયદેસર રીતે મેળવ્યા છે જે એજન્સીઓના નામ નીચે મુજબ છે દેવગઢ બારીઆ તાલુકા: શ્રી રાજ ટ્રેડર્સ: રૂ.223594868.1 જય જલારામ સ્ટીલ ટ્રેડર્સ: રૂ.68489907.85 એન.જે. એન્ટરપ્રાઇઝ: રૂ.51987552.83 રોયલ હાર્ડવેર: રૂ.41060601.03 મા લક્ષ્મી ટ્રેડર્સ: રૂ.36370501.45 કે.કે. ટ્રેડર્સ: રૂ.33231000.53 શ્રી વ્રજેશ સ્ટીલ ટ્રેડર્સ: રૂ.28600111.14 સાઈ કૃપા સપ્લાયર્સ: રૂ.26535997.74 પ્રમુખ સિમેન્ટ ડેપો: રૂ.14553871.64 જય જલારામ ટ્રેડર્સ: રૂ.11911766.58 પદ્માવતી સેલ્સ એજન્સી: રૂ.10517647.61 મા ખોડિયાર કન્સ્ટ્રક્શન એન્ડ સપ્લાયર: રૂ.10140932.06 દેવગઢ ટ્રેડર્સ: રૂ.9705103.603 પ્રકાશ એન્જિનિયરિંગ એન્ડ બોરવેલ: રૂ.8540288.893 મા સરસ્વતી ટ્રેડર્સ: રૂ.8217679.319 શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની, પીપેરો: રૂ.8209414.48 રાધેશ્યામ વેલ્ડિંગ વર્ક્સ: રૂ.5547403.03 રાજેન્દ્ર કન્સ્ટ્રક્શન: રૂ.4103302.368 શ્રી મારુતિ કૃપા સિમેન્ટ આર્ટિકલ: રૂ.1825683.63 ગુજરાત સપ્લાયર્સ: રૂ.1613279.71 જસુભાઈ ધનાભાઈ નાયક: રૂ.1437324 ભાઈ ભાઈ ટ્રેડર્સ: રૂ.795746 એન.એલ. ટ્રેડિંગ: રૂ.679675.21 શ્રી રામ કન્સ્ટ્રક્શન: રૂ.618233.84 પટેલ મીનાબેન મનહરસિંહ: રૂ.311832.06 ઉમાબેન મદનલાલ પટેલિયા: રૂ.220197.12 ઘનશ્યામ ટ્રેડર્સ: રૂ.160450 રાજલબા અક્ષતસિંહ સોલંકી: રૂ.36960 ધાનપુર તાલુકા: કબીર કૃપા સિમેન્ટ ડેપો: રૂ.1,10,79,272 રાજ ટ્રેડર્સ: રૂ.24,500 રાજેન્દ્ર કન્સ્ટ્રક્શન: રૂ.22,59,817 શ્રી રાજ શ્યામજી ટ્રેડિંગ કંપની: રૂ.30,25,577 શ્રી રાજ ટ્રેડર્સ: રૂ.7,69,32,390 ઉજાળા ફાઉન્ડેશન, દેવગઢ બારીઆ: રૂ.7,92,250 ઉમાબેન મદનલાલ પટેલિયા: રૂ.68,88,818 આ ગંભીર કૌભાંડ દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત તથા કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના વિસ્તારમાં બન્યું હોવાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મનરેગા જેવી જનકલ્યાણની યોજનામાં આવી લૂંટફાટ અને ભ્રષ્ટાચારના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી રહી છે. પોલીસ ફરીયાદ નોંધાતા ભ્રષ્ટાચારીઓ ભૂગર્ભમા દાહોદ બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભ્રષ્ટાચાર એજન્સીઓના માલિકો અને સંડોવાયેલા સરકારી કર્મચારીઓ ફરિયાદ નોંધાતાં જ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીઓની શોધખોળ માટે ખાસ ટીમો રચી છે અને બનાવટી દસ્તાવેજોની ફોરેન્સિક તપાસની તૈયારી શરૂ કરી છે. સરકારી તિજોરીને લાગેલો લાખો-કરોડોનો ચૂનો આ કૌભાંડમાં સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગરીબો અને ગ્રામીણ વિસ્તારોના લોકોના કલ્યાણ માટે બનાવાયેલી મનરેગા યોજનાના નાણાંની આવી લૂંટફાટથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ સરકારની પારદર્શિતા અને જવાબદારી પર પણ સવાલો ઉભા કર્યા છે. મનરેગા ભ્રષ્ટાચારમા હવે આગળ શું થશે? આ ઘટના દાહોદ જિલ્લાના ભ્રષ્ટાચારના લાંબા ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરે છે. અગાઉ નકલી કચેરી અને નકલી બિન ખેતી પ્રકરણો બાદ હવે મનરેગા કૌભાંડે જિલ્લાની વહીવટી વ્યવસ્થાને કટઘરે ઉભી કરી છે. સ્થાનિક લોકો અને રાજકીય વિશ્લેષકોની માંગ છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય. આ ઘટના એક ચેતવણી છે કે જનકલ્યાણની યોજનાઓના નાણાંની લૂંટ રોકવા માટે સરકારે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. નહીં તો, ગરીબોના ઉત્થાન માટે બનાવાયેલી આ યોજનાઓ માત્ર ભ્રષ્ટાચારનું શસ્ત્ર બની રહેશે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.