દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો હનીટ્રેપ કેસ નોંધાયો છે. રાજકોટના એક પ્રતિષ્ઠિત વેપારી પાસેથી 1.20 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. આ કેસમાં એક યુવતી અને બે નકલી પોલીસકર્મીઓ સામેલ છે. સોશિયલ મીડિયા પર આરજુ સિંહ નામની યુવતીએ વેપારી સાથે મિત્રતા કેળવી. ત્યારબાદ તેણે વેપારીને દ્વારકા દર્શન માટે બોલાવ્યા. રસ્તામાં પોલીસ વર્દીધારી બે યુવકોએ વેપારીની કાર રોકી. તેમણે વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 10 કરોડ રૂપિયાની માગણી કરી. આરોપીઓએ વેપારી પાસેથી આંગડિયા મારફતે 1.20 કરોડ રૂપિયા પડાવ્યા. બાકીની રકમ માટે યુવતીએ વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી નાસી છૂટી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે નકલી પોલીસકર્મીઓએ પહેરેલી વર્દી પર સંજય કરંગીયા અને એસ.કે.સોલંકી નામ લખેલા હતા. દ્વારકા પોલીસે ગુનો નોંધી સમગ્ર ટોળકીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ કેસમાં ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.