જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલના પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા આજે 25 શુક્રવારના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં લાલ દરવાજા જૂની જામા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના લોકોએ જમણા હાથે કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાજ અદા કરી હતી. નમાજ દરમિયાન લોકોએ જે પણ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં છે તેમના આત્માને શાંતિ મળે એની પ્રાર્થના કરી હતી. નમાજ બાદ મીડિયા સાથેની વાતચીત કરતાં કોંગ્રેસના મુસ્લિમ સમાજના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ભાવુક થયા હતા. તેમણે આ ઘટનાને વખોડતાં જણાવ્યું હતું કે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારી પાસે કોઈ શબ્દ નથી. પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માટે માત્ર ભારતને 30 મિનિટનો સમય પૂરતો છે. સરકારે કડક પગલાં લેવાં જોઈએ. ઉપરાંત પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે આંતકીના ખાતમાની વાત કરી હતી. પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માત્ર 30 મિનિટનો સમય પૂરતોઃ ખેડાવાલા
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સૌથી જૂની જામા મસ્જિદ ખાતે જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પણ નમાજ અદા કરતી વખતે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. નમાજ બાદ મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની અને જે નિર્દોષ 26 લોકોનાં મોત થયાં છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજ દુઃખી છે. આજે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. જ્યારે પણ આવી આતંકવાદી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ દુઃખી થાય છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સિવાય કોઈ શબ્દ નથી. સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવી જોઈએ. પાકિસ્તાનની જે આ નાપાક હરકતો છે એના પર ભારત સરકાર અને સૈન્ય કામ કરી રહ્યાં છે. પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માટે ભારતને માત્ર 30 મિનિટનો સમય પૂરતો છે. તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારને સાંત્વના આપીએ છીએ. સમગ્ર મુસ્લિમ સમાજ આજે દુઃખી છે. તમામ લોકો માટે અમારી સાંત્વના છે. પાકિસ્તાન ભારતના મુસ્લિમોની છબિને લાંછન લગાડવાનું કામ કરે છેઃ ગ્યાસુદ્દીન શેખ
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાં જુમ્માની નમાજ દરમિયાન કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાનો ગુજરાતના 70 લાખ અને સમગ્ર દેશના 25 કરોડ જેટલા મુસ્લિમ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. દેશમાંથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો છે ત્યારે હતાશ પાકિસ્તાન આવી નિર્લજ હરકતો કરી સમગ્ર ભારત દેશના મુસ્લિમોની છબિને લાંછન લગાડવાનું કામ કરે છે. ‘પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા મુસ્લિમ સમાજ ખુલ્લી છાતીએ ઊભો છે’
આજે મસ્જિદમાં તમામ મુસ્લિમો દ્વારા પ્રાર્થના કરી કે અમારા દેશમાં શાંતિ અને ભાઈચારો સ્થાપિત કરે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના આત્માને શાંતિ અર્પે અને તેમનાં પરિવારજનોને સાંત્વના આપે. આજે ખૂબ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશના વડાપ્રધાન અને વિપક્ષના નેતા સહિતના તમામ લોકો દેશની સલામતી માટે જે પગલાં લેશે અને પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવું હશે, આતંકવાદનો ખાતમો કરવો હશે એમાં સમગ્ર ગુજરાતનો મુસ્લિમ સમાજ ખુલ્લી છાતીએ તેમની સાથે ઊભો છે. તેમણેમાં કહ્યું હતું કે પાકિસ્તાનને આપણી સામે બોલવાનો કોઈ અધિકાર જ નથી. આતંકવાદી દેશ જાહેર કરવાનું જ બાકી છે. તેની હરકતો જ એવી છે કે જેનાથી ભારત દેશના 25 કરોડ જેટલા મુસ્લિમોને તકલીફ પડે છે. પાકિસ્તાનમાં નેતાઓ નથી, બની બેસેલા લૂંટેરાઓ અને ડાકુઓ છે. પાકિસ્તાનની જનતાને મૂરખ બનાવવાનો પ્રયાસ કરે છે અને ત્યાંની જનતાએ સમજવાની જરૂર છે. ‘સરકારે આંતકીઓને ઉડાવી દેવા જોઈએ’
ભારત સરકારે એક વખત બાલાકોટમાં જે રીતે એટેક કર્યો હતો એવી જ રીતનો મજબૂતીથી આતંકવાદીઓના અડ્ડા ઉપર એટેક કરી ઉડાવી દેવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા પછી ત્યાંની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. રોજી-રોટીમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ખૂબ જ સહેલાણીઓ ત્યાં આવી રહ્યા છે. ત્યાંની પ્રજા તો હવે બહાર આવી ગઈ છે. જોકે કેટલાક નાપાક લોકોએ આ હરકત કરી છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ પણ માઈકમાં આતંકવાદના વિરોધમાં એલાન કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે દેશમાં હવે શાંતિ અને ભાઈચારો રહેશે. કાશ્મીરી પંડિતો આતંકવાદીઓના કારણે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં રહે છે, તેઓ શાંતિથી પાછા જાય એવી જ પ્રાર્થના કરીએ છીએ.