22 એપ્રિલે પહેલગામ હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 પ્રવાસીનાં મોત બાદ દેશ ગમગીન છે. જેને લઇને રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. કાશ્મીર હુમલાના વિરોધમાં સાબરકાંઠા, ગઢડા અને વીરપુરમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી લોકો તેના પરથી ચાલીને જાણે પાકિસ્તાનને પોતાના પગ નીચે કચડી રહ્યા છે તેવા ભાવ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ મોરબીની દુકાનોમાં “ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેવા પોસ્ટરો લાગ્યા હતા. મોડાસામાં કોંગ્રેસના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. આ પ્રસંગે ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમારે ભાજપ સરકારની નીતિઓની ટીકા કરતાં કહ્યું હતું કે, આ ઘટનાઓ માટે નરેન્દ્ર મોદીની સરકાર જવાબદાર છે. ભાજપની કાશ્મીર નીતિ ફેલ ગઇ છે.