સમાજમાં જ્યારે ખાખી વસ્ત્રમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને લોકો દંડ આપનારા કે દંડાવાળી કરતા હોવાનું માનતા હોય છે. ત્યારે કેટલીક ઘટનાઓ એવી બને છે કે, આખું શહેર પોલીસના હૃદયને સાક્ષાત જોઈ શકે છે. આવી જ એક ઘટના આજે સુરતના ડુમસ દરિયા કાંઠે બની હતી. જ્યાં એક બેભાન સગીર બાળકની ધબકતી જિંદગી માટે મહિલા કોન્સ્ટેબલ પાયલબેન બામણીયા એ અથાગ પ્રયત્ન કર્યા અને બાળકનો જીવ બચાવવામાં સફળ પણ રહ્યા. સગીર દરિયા કિનારે ફેંકાયો ત્યારે સંપૂર્ણ બેભાન હતો
સાંજના લગભગ 6:30 વાગ્યે દરિયાની ભરતી શરુ થઇ હતી. દરિયામાં તરવા ગયેલો એક 14 વર્ષનો સગીર તરતી વેળાએ થાકી ગયો અને તરતા અટકી ગયો . તરતાં તરતાં મોતના દરવાજા સુધી પહોંચી ગયેલો બાળક જ્યારે દરિયાની લહેરોએ પાછો કિનારા પર ફેંકાયો ત્યારે તે સંપૂર્ણ બેભાન હતો અને મોઢામાંથી ફીણ નીકળતું હતું, શ્વાસ પણ ચાલતો ન હતો. એવા સમયે ખાખી વસ્ત્રમાં પોતાની ફરજ નિભાવી રહેલી એક મહિલાકર્મી પાયલબેન બામણીયા ત્યાંથી પસાર થઈ રહી હતી. તેઓની નજર એ બાળક પર ગઈ એ બેભાન જેવી અવસ્થામાં પડ્યો હતો અને તેમણે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વિના બાળકને જરૂરી સારવાર આપી. ‘ભઈલું… ઊઠી જા… ગાડી આવી ગઈ છે… તું જીવી જઈશ’
પાયલબેને તુરંત બાળક પાસે પહોંચી હાથ પકડી ધબકાર ચેક કર્યો. ધબકારા ધીરા હતા જેથી તેમણે સમયનો વ્યય કર્યા વગર તેમના હાથે બાળકની છાતી પર દબાવવાનું શરૂ કર્યું અને તેને સીપીઆર આપતા તેમની મહેનત રંગ લાવી અને બાળકના મોઢામાંથી પાણી નીકળવા લાગ્યું . લોકો દૂર ઊભા રહી જોઈ રહ્યાં હતા, પરંતુ પાયલબેન બાળકને ભાનમાં લાવવા માટે સતત સતત ટકોર કરી રહ્યા હતા કે, “ભઈલું… ઊઠી જા… ગાડી આવી ગઈ છે… તું જીવી જઈશ… મારી સાથે આવી જા…” પીસીઆર વાનમાં ચઢાવી બાળકને ડુમસ બીચ ચોકી લવાયો
અજાણી એક મહિલાના શબ્દો બાળક સુધી તો નહીં પહોંચતા હોય પરંતુ કદાચ એના જીવ સુધી પહોંચ્યા. કારણ કે થોડીવારમાં બાળકના શરીરે નરમાશ આવી, પાયલબેને 108ને ફોન કર્યો, ત્યાં સુધી પીસીઆર વાનમાં ચઢાવી બાળકને ડુમસ બીચ ચોકી લવાયો. કુટુંબજનો મળતાં નહોતાં જેથી બાળકના માતા-પિતાને શોધવા માટે પણ પાયલબેન તેમના છેડા લગાવી રહ્યા હતા. એમાં મિસિંગ સેલના હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્ર વળવી તથા FFWCના પિયુષ શાહને પણ તેમાં જોડાયા. દીકરાની જાન બચાવવા બદલ મહિલા કોન્સ્ટેબલનો આભાર માન્યો
બાળકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. હાલ બાળક સુરક્ષિત છે અને જીવિત છે. દેવદૂત બનીને આવેલા મહિલા કોન્સ્ટેબલ પાયલબેનને કારણે આજે તેઓ આ માસુમ બાળકનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે. જ્યારે બાળકના માતા-પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. માતાની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા ન હતા અને પિતા હાથ જોડીને પાયલબેનનો આભાર માની રહ્યા હતા કે, “મારું બાળક તમે બચાવ્યું… તમે ન હોત તો હું મારી દુનિયા ગુમાવી દેત “.