રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીના બે ભાગ રિલીઝ થઈ ગયા છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘મર્દાની 3’નું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2026માં હોળીના તહેવાર પર રિલીઝ થશે. એવામાં અહેવાલો સામે આવી રહ્યા છે કે- ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ રાની મુખર્જી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. જાનકીની એક્ટિંગ જોઈ રાની મુખર્જી ફિદા થઈ ગઈ
‘શૈતાન’ ફિલ્મમાં જાનકી બોડીવાલાની એક્ટિંગ જોઈ રાની મુખર્જી અને આદિત્ય ચોપરા પ્રભાવિત થયા હતા, તેથી તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસે અજય દેવગન સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં ‘શૈતાન’ માટે જાનકી બોડીવાલાએ IIFAમાં બેસ્ટ સપોર્ટિંગ રોલ કેટેગરીમાં એવોર્ડ પણ જીત્યો હતો. અગાઉ ‘મર્દાની 2’માં પણ વિલનની ભૂમિકા એક ગુજરાતી કલાકાર વિશાલ જેઠવાએ કરી હતી. જેની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મમાં વિશાલે એક રેપિસ્ટનું પાત્ર ભજવ્યું હતું. હવે ‘મર્દાની 3’માં જાનકી બોડીવાલાની એન્ટ્રી પણ દરેક ગુજરાતી ફેન્સના ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે. ‘મર્દાની’ ફિલ્મ બોક્સઓફિસ પર હીટ રહી હતી
‘મર્દાની’ ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકાર હતા. ફિલ્મમાં રાનીએ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કોટા શહેરમાં હેવાનને પણ શરમાવે એવી ઘટના ઘટે છે. રેપિસ્ટને પકડવા માટે શિવાની શિવાજી રોય એટલે કે રાની પોતાની બધી તાકાત લગાવી દે છે. નિર્દય રેપિસ્ટ શિવાનીને ચેલેન્જ કરી તેની ઊંઘ હરામ કરી દે છે અને તેને પકડવા માટે ચોર- પોલીસનો પકડદાવ શરૂ થાય છે. લોકોને ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી. ‘મર્દાની’ ફિલ્મ 21 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જેને બોક્સઓફિસ પર 56 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘મર્દાની 2’ની વાત કરીએ તો રાનીના પતિ આદિત્ય ચોપરાએ પ્રોડ્યૂસ કરી હતી. ‘મર્દાની’ ફિલ્મના રાઇટર ગોપી પુથરન ‘મર્દાની 2’ના ડિરેક્ટર હતા. આ ફિલ્મમાં પણ રાની ‘શિવાની શિવાજી રોય’ તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી હતી. ‘મર્દાની 2’એ પણ બોક્સઓફિસ કમાલ કરી દીધી હતી.