જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બોલિવૂડ સેલેબ્સ સતત ન્યાયની માગ કરી રહ્યા છે. એક્ટર મુકેશ ખન્ના પણ હવે આક્રોશ સાથે ખૂલીને વાત કરી રહ્યા છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરીને મોદી સરકારને આતંકવાદ સામે વધુ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. મુકેશ ખન્નાએ કહ્યું, ‘થોડા કલાકો પહેલા જ મેં પહેલગામ હત્યાકાંડ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. તે વીડિયોમાં, મેં એક જગ્યાએ કહ્યું હતું કે આ આતંકવાદીઓની કોઈ જાતિ કે કોઈ ધર્મ હોતાં નથી. તેઓ ફક્ત પૈસા માટે કામ કરે છે. ભંડોળ માટે કામ કરે છે. હું આ નિવેદન પાછું લેવા માગુ છું કારણ કે મને સમજાયું છે કે પીડિતોના પરિવારોએ ઘટનાને જે રીતે વર્ણવી છે તેનાથી જાણવા મળ્યું છે કે, તે લોકો આવ્યા અને પૂછ્યું કે તમે કોણ છો? તમે હિન્દુ છો કે મુસ્લિમ? એ જાણીને કહ્યું કે જો તે મુસ્લિમ નથી તો તેને મારી નાખો. આનો અર્થ શું છે?’ તેમણે કહ્યું, ‘હું કહેવા માગું છું કે, આપણા દેશમાં હાલમાં જે આતંકવાદ ચાલી રહ્યો છે તેની એક જાતિ છે. એ એક ધર્મ છે. તે બીજા ધર્મ વિરુદ્ધ કામ કરી રહ્યો છે,આ ચોક્કસપણે પાકિસ્તાનથી આવ્યો છે. મને ખુશી છે કે અઢી કલાકની બેઠકમાં મોદીજી અને અમિત શાહજીએ તમામ સંરક્ષણ અધિકારીઓ સાથે મળીને એક મોટો નિર્ણય લીધો છે અને તેઓ પાકિસ્તાન સામે સીધી કાર્યવાહી કરી રહ્યા છે. હું તેમની સાથે છું, પગલાં લો.’ મુકેશ ખન્નાએ કહ્યું, ‘જો લશ્કરી કાર્યવાહી કરવી જ હોય તો લશ્કરી કાર્યવાહી કરો, તમે ખૂબ સક્ષમ છો.’ તેની આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ કરો કારણ કે આપણે તેને ખૂબ જ નરમાશથી લઈ રહ્યા છીએ. તેમના પર હુમલો કરો. આ આતંકવાદ કોણ ફેલાવી રહ્યું છે, ક્યાંથી ફેલાઈ રહ્યો છે અને આમાં એક ધર્મના લોકો બીજા ધર્મ વિરુદ્ધ બોલી રહ્યા છે, આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.’ મુકેશ ખન્ના આગળ કહે છે, ‘આજે હું કહીશ કે આ આપણા હિન્દુ ધર્મ પર હુમલો છે અને તેનો જવાબ આપવો જોઈએ.’ તો હું મોદીજી અને તેમની આખી સરકારને કહીશ કે તેઓ આગળ વધે અને પાકિસ્તાન સામે એક કડક કાર્યવાહી કરે જેથી આતંકવાદીઓની ઘૂસણખોરી બંધ થાય. તે આપણા કરતા ઘણો નાનો છે. ભારત ક્યાં છે અને પાકિસ્તાન ક્યાં છે? સૈન્ય હુમલો કરો અને એક જ પ્રહારમાં તેમને હંમેશ માટે ખતમ કરી નાખો.’ પહેલા નામ પૂછ્યું અને પછી હુમલો કર્યો લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી પાંખ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકવાદીઓએ પ્રવાસીનાં નામ પૂછ્યા પછી તેમને ગોળી મારી દીધી. આ હુમલો છેલ્લા 6 વર્ષમાં કાશ્મીરમાં થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો છે.