લીમખેડા તાલુકાના રેલ ફળિયા, પ્રતાપપુરામાં રહેતી મંદબુદ્ધિ બાળકી અપીનાબેન રાવતને આઈ.ઈ.ડી. વિભાગની મદદથી નવી આશા મળી છે. બી.આર.સી. ભવનના આઈ.ઈ.ડી. વિભાગે દિવ્યાંગ બાળકોના સર્વે દરમિયાન અપીનાબેનની સ્થિતિ જાણી. તેમની પાસે દિવ્યાંગતાનું કોઈ સર્ટિફિકેટ નહોતું અને આર્થિક સ્થિતિ ખરાબ હતી. આઈ.ઈ.ડી. વિભાગના શિક્ષકોએ તાત્કાલિક પગલાં લીધા. તેમણે ઝાયડસ હોસ્પિટલ, દાહોદમાં અપીનાબેનનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. દિવ્યાંગતા સર્ટિફિકેટ મેળવી આપ્યું. આ સર્ટિફિકેટના આધારે એસ.ટી. મફત બસ પાસની અરજી કરવામાં આવી. સંત સુરદાસ યોજના હેઠળ માસિક 1000 રૂપિયાની આર્થિક સહાય માટે ફોર્મ ભરવામાં આવ્યું. બાળકીની નિરાધાર સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદને જાણ કરવામાં આવી છે. વધુ સરકારી સહાય અને સુરક્ષા માટેની કાર્યવાહી ચાલુ છે. આઈ.ઈ.ડી. વિભાગની આ કામગીરીથી સમાજમાં સકારાત્મક સંદેશ ગયો છે. આ પહેલ દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે પ્રેરણારૂપ બની છે.