વાપી કોર્ટમાં એક નકલી વકીલે બે વ્યક્તિઓને લોનની લાલચ આપીને એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ઘટના વાપી કોર્ટના બાર રૂમમાં બની હતી. વકીલના વેશમાં આવેલા આ અજાણ્યા શખ્સે બાર રૂમ પાસેથી પસાર થતા અરજદારોને રોક્યા હતા. તેણે અરજદારોને કોર્ટ કેસમાં મદદ કરવાની અને લોન અપાવવાની લાલચ આપી હતી. આ રીતે તેણે એક અરજદાર પાસેથી 30 હજાર અને બીજા પાસેથી 70 હજાર રૂપિયા મેળવ્યા હતા. આ સાથે તેણે કેન્સલ ચેક પણ લીધા હતા. પૈસા આપ્યા બાદ જ્યારે અરજદારો વધુ દસ્તાવેજો લઈને બાર રૂમમાં પાછા આવ્યા, ત્યારે જાણવા મળ્યું કે આવો કોઈ વકીલ કોર્ટમાં છે જ નહીં. કોર્ટ દ્વારા આવી કોઈ લોન યોજના પણ ચલાવવામાં આવતી નથી. વાપી કોર્ટના નિયમિત વકીલો અને બાર એસોસિએશનના આગેવાનોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. છેતરપિંડી કરનાર વ્યક્તિનો મોબાઈલ નંબર ટ્રુ કોલર એપમાં ‘દિપક પટેલ એડી લોન’ તરીકે રજિસ્ટર છે. વકીલ અગ્રણીઓએ પીડિત અરજદારોને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી છે.