વડોદરા શહેરના સમા ભરવાડ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પટમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની 24 કલાક કામગીરી ચાલી રહી છે. આ સ્થળની કામગીરીનું આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી, વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય કેયુર રોકડીયા, યોગેશ પટેલ સહિત ભાજપાના અગ્રણીઓ, પાલિકાના અધિકારીઓ જોડાયા હતા. પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે કામગીરી શરૂ કરી હતી
વિશ્વામિત્રી નદી પટમાં ચાલી રહેલી કામગીરી સ્થળે પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ભારે વરસાદને કારણે વડોદરાને ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લઇ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પૈસા ફાળવી દીધા હતા અને તે બાદ વડોદરા શહેરમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 100 દિવસમાં કામગીરી પૂરી કરનાર પહેલુ શહેર બનશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે વડોદરાવાસીઓને વચન આપ્યું છે કે, આવનાર વરસાદ પહેલા વિશ્વામિત્રીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. મેં આજે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું છે, હું મનપાની ટીમને અભિનંદન આપું છું. પાલિકા દ્વારા 45 દિવસમાં 50 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી ચોમાસા પહેલાં પહેલાં નિર્ધારીત 100 દિવસમાં કામગીરી પૂરી કરવામાં આવશે. જે દેશમાં પહેલું શહેર હશે કે, 100 દિવસમાં વિશ્વામિત્રી જેવા પ્રોજેક્ટનું કામ પૂરું કરશે. પાલિકાને આ કામ માટે મોરલ સપોર્ટની જરૂર છે
સિંચાઇ વિભાગ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કરવા પાત્ર 25 કિલોમીટરની કામગીરી ધીમી ચાલી રહી છે. તે બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સિંચાઇ વિભાગના અધિકારીઓને પણ આજે મીટીંગમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેઓને પણ સૂચના આપવામાં આવશે કે, કામમાં ઝડપ કરે. પાલિકાને આ કામ માટે મોરલ સપોર્ટની જરૂર છે લોકો સહયોગ કરે.