રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે. જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અને સિંગતેલના ભાવ છેલ્લા ચાર વર્ષના તળીયે જોવા મળી રહ્યો છે. એક સમયે 3200 રૂપિયાથી વધુની કિંમતે વેચાતો 15 કિલો સિંગતેલનો ડબ્બો આજે 2300થી 2370 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યો છે. સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો નોંધાયો છે. જોકે, દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં 250થી 300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકારે નાફેડની મગફળી વેચવા કાઢતા બજારમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકો માટે રાહતના સમાચાર બન્યા છે. 15 કિલો સિંગતેલનો ડબ્બાનો ભાવ 2300 રૂપિયા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગે લોકો સિંગતેલ આરોગવાનું વધારે પસંદ કરે છે. સિંગતેલની ડિમાન્ડ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રહેતી હોય છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં 50 લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેનાથી સિંગતેલના ભાવમાં સિધી અસર જોવા મળી રહી છે. 15 કિલો સિંગતેલનો ડબ્બાનો ભાવ આજે 2300 રૂપિયા પહોંચી ગયો છે. દિવાળીથી અત્યાર સુધીમાં 300 રૂપિયાનો ઘટાડો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ભાવેશ ઓઈલ એજન્સીના વેપારી ભાવેશ પોપટ કે જેઓ દાયકાઓથી તેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેઓએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ઓફ સિઝનના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવ આજે 2300 આસપાસ પહોંચી ગયા છે. જે ચાર વર્ષનો સૌથી નીચો ભાવ છે. દિવાળી સમયથી લઈ 24 એપ્રિલ 2025 સુધીના સમયમાં જ સિંગતેલના ભાવમાં 250થી 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ભાવમાં ઘટાડો
સિંગતેલના ભાવ ઘટાડા પાછળનું કારણ જોઇએ તો સિંગતેલનું એક્સપોર્ટ અત્યારે ઘટી ગયું છે. સિંગતેલનો પૂરતો સ્ટોક બજારમાં ઉપલબ્ધ છે. મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકાર દ્વારા નાફેડ હસ્તકની મગફળી વેચવામાં આવી રહી છે અને ખેડૂતોએ પણ સંગ્રહ કરેલી મગફળી બજારમાં ઉપલબ્ધ થતા હવે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક-બે વર્ષથી સિંગતેલનો હાઈએસ્ટ ભાવ 3200 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જે આજે 2300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો
તેલ બજારમાં સિંગતેલના ભાવ છેલ્લા ત્રણ દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેમાં 24 એપ્રિલના રોજ સિંગતેલના ભાવમાં રૂપિયા 10નો ઘટાડો થયો હતો. ઉનાળાની ઋતુ હોવાથી સિંગતેલની ડિમાન્ડ ઓછી છે. મંદીનો માહોલ છે. સિંગતેલ ઉપરાંત અન્ય તેલમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2300થી 2370 રૂપિયા સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ પણ હાલ 2200થી 2280 રૂપિયા સુધી પહોંચ્યો છે. સોયાબિન તેલનો ભાવ 2250થી 2300 રૂપિયા અને સનફ્લાવર તેલનો ભાવ 2150થી 2000 રૂપિયા તેમજ મકાઈ તેલના ભાવ 2050થી 2200 રૂપિયા સુધી પહોંચ્યો છે. ઓવરઓલ બધા તેલમાં હાલની સ્થિતિએ ઘટાડો નોંધાયો છે. મગફળીના વેચાણમાં પ્રતિ મણ રૂપિયા 100થી 150નો ઘટાડો
યાર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષે માર્કેટ યાર્ડમાં મગફળી પ્રતિ 20 કિલોના રૂપિયા 1100થી 1350ના ભાવથી વેચાઈ હતી. જ્યારે આ વર્ષે 50 લાખ ટન ઉત્પાદન થતા હાલ મગફળી રૂપિયા 900થી 1230ના ભાવથી વેચાઈ રહી છે. એટલે કે પ્રતિ મણ રૂપિયા 100થી 150નો ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે પણ સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાર દિવસમાં મગફળીની 12,900 ક્વિન્ટલ આવક થઈ
રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા ચાર દિવસમાં મગફળીની કુલ 12,900 ક્વિન્ટલ આવક થઈ છે. જેમાં પ્રથમ દિવસે સોમવારે 3600 ક્વિન્ટલ, બીજા દિવસે મંગળવારે 3600 ક્વિન્ટલ અને ત્રીજા દિવસે બુધવારે 3300 ક્વિન્ટલ અને ચોથા દિવસે ગુરુવારે 24 ક્વિન્ટલ આવક થઈ છે.