ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ BSFના અત્યાર સુધીના સૌથી મોટા મિશન પર આધારિત એક દમદાર ફિલ્મ છે. તેજસ પ્રભા વિજય દેઉસ્કર દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, સાઈ તામ્હંકર, ઝોયા હુસૈન, મુકેશ તિવારી, દીપક પરમેશ, લલિત પ્રભાકર, રોકી રૈના અને રાહુલ વોહરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 14 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યા છે. ફિલ્મની સ્ટોરી શું છે?
આ ફિલ્મ BSF અધિકારી નરેન્દ્ર નાથ ધર દુબે (NND દુબે)ની સ્ટોરી છે, જેમણે 2001ના સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ રાણા તાહિર નદીમ ઉર્ફે ગાઝી બાબાને મારવાના મિશનનું નેતૃત્વ કર્યું હતું. 2003માં હાથ ધરવામાં આવેલા આ ગુપ્તચર ઓપરેશનને BSFના ઇતિહાસમાં સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. આ ફિલ્મ બતાવે છે કે દુબે અને તેમની ટીમે આ મિશનને સમજણ અને હિંમતથી કેવી રીતે પાર પાડ્યું. આ ફિલ્મ દેશભક્તિ અને વાસ્તવિકતા વચ્ચે એક સરસ રેખા દોરે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
ઇમરાન હાશ્મીએ NND દુબેના પાત્રમાં જીવ રેડ્યો છે. તેની આંખો અને અવાજ આ પાત્રને રિયલ બનાવી દે છે. ઇમરાનના ઇમોશનલ અને ઈન્ટેન્સ સીન ફિલ્મની મજામાં વધારો કરે છે. સાઈ તામ્હંકરે તેના મર્યાદિત સ્ક્રિનટાઇમમાં પણ છાપ છોડી છે. બાકીના કલાકારોમાં, ઝોયા હુસૈન, મુકેશ તિવારી, દીપક પરમેશ, લલિત પ્રભાકર, રોકી રૈના અને રાહુલ વોહરાએ તેમના પાત્રોને ન્યાય આપ્યો છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
તેજસ પ્રભા વિજય દેઉસ્કર દ્વારા ડિરેક્શને નેચરલ ટચ આપવામાં આવ્યો છે. ફિલ્મમાં ન તો બિનજરૂરી દેશભક્તિના ડાયલોગ છે અને ન તો કોઈને સુપરહીરો તરીકે દર્શાવવામાં આવ્યા છે. BSF સૈનિકોના વાસ્તવિક સંઘર્ષ અને વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મનો પહેલો હાફ ખૂબ જ આકર્ષક છે, પરંતુ ઇન્ટરવલ પછી ફિલ્મ સ્લો થઈ જાય છે. જોકે, ક્લાઇમેક્સ ફરી તમારી મજા વધારી દેશે. સ્ક્રિનપ્લેમાં થોડી કચાશ રહી ગઈ છે, કેટલાક સીન ટૂંકાવી શકાયા હોત. ફિલ્મનું મ્યૂઝિક કેવું છે?
દર્શકો હંમેશા ઇમરાન હાશ્મીની ફિલ્મોમાંથી સારા ગીતોની અપેક્ષા રાખે છે, પરંતુ ‘ગ્રાઉન્ડ ઝીરો’ એક અલગ સ્ટાઈલની ફિલ્મ છે. અહીં ગીતોને કોઈ અવકાશ નહોતો. ફિલ્મમાં બેકગ્રાઉન્ડમાં થોડા ગીતો વાગી રહ્યા છે, પરંતુ તે પણ કોઈ ખાસ પ્રભાવશાળી નથી. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ એવરેજ છે. અંતિમ ચુકાદો, ફિલ્મ જોવી જોઈ કે નહીં
જો તમે દેશના એ સાચા સૈનિકોની વાર્તા જોવા માંગતા હોવ, જેમના નામ વારંવાર હેડલાઇન્સમાં આવતા નથી, પરંતુ જેમના કારણે આપણે શાંતિથી સૂઈએ છીએ, તો આ ફિલ્મ ચોક્કસ જુઓ. ‘ગ્રાઉન્ડ ઝીરો’ BSFની બહાદુરી અને ભાવનાને એક અલગ અને વાસ્તવિક રીતે રજૂ કરે છે, જે જોવા યોગ્ય છે.