ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો)ના પૂર્વ ચીફ ડૉ. કે. કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે નિધન થયું છે. તેમણે 84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. અધિકારીઓએ જણાવ્યું કે કસ્તુરીરંગને બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. 27 એપ્રિલના રોજ, તેમના પાર્થિવ દેહને જાહેર દર્શન માટે રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) ખાતે રાખવામાં આવશે. કસ્તુરીરંગનને બે વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારથી તેઓ બીમાર હતા. કસ્તુરીરંગન 1994 થી 2003 સુધી ઈસરોના ચીફ હતા. તેમના નેતૃત્વમાં ઈસરોએ ચંદ્રયાન જેવા મોટા મિશનની યોજના બનાવવાનું શરૂ કર્યું. તેઓ નવી શિક્ષણ નીતિ (NEP) ની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા. કસ્તુરીરંગન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ અને કર્ણાટક નોલેજ કમિશનના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 2003 થી 2009 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તેમણે તત્કાલીન ભારતીય આયોજન પંચના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. કસ્તુરીરંગન એપ્રિલ 2004 થી 2009 સુધી બેંગલુરુ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના ડિરેક્ટર પણ હતા. તેમણે કેન્દ્રની અનેક સમિતિઓનું નેતૃત્વ કર્યું છે અથવા તેનો ભાગ રહ્યા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી અને પર્યાવરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકારને સલાહ આપી હતી. મોદીએ કહ્યું- NEP માટે દેશ કસ્તુરીરંગનનો આભારી રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સાઇટ X પર તેમણે લખ્યું- ભારતની વૈજ્ઞાનિક અને શૈક્ષણિક યાત્રામાં એક વિશાળ વ્યક્તિત્વ ડૉ. કે. કસ્તુરીરંગનના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમનું દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્ર પ્રત્યે નિઃસ્વાર્થ યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે ISROમાં ખૂબ જ ખંતથી કામ કર્યું અને ભારતના સ્પેસ પ્રોગ્રામને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. તેમના નેતૃત્વ હેઠળ ઘણા મહત્વપૂર્ણ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમનું ધ્યાન હંમેશા ઈનોવેશન પર રહ્યું હતું. નવી શિક્ષણ નીતિ (NEP) માટે ભારત હંમેશા ડૉ. કસ્તુરીરંગનનો આભારી રહેશે. તેઓ ઘણા યુવા વૈજ્ઞાનિકો અને રિસર્ચ સ્કોલર્સ માટે માર્ગદર્શક હતા. મારી સંવેદના તેમના પરિવાર, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને અસંખ્ય ચાહકો પ્રત્યે છે .